સ્વર : અનાર કઠિયારા, આરતી મુન્શી.
સ્વરાંકન : ઓરીગીનલ કંપોઝીશન – ક્ષેમુ દિવેટીઆ
આલ્બમ : હસ્તાક્ષર (શ્યામલ – સૌમિલ મુન્શી)
.
ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ અને આણલ અંજારિયાના અવાજમાં ગવાયેલ ગીત :
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
આવતા ને જાતા આ વરણાગી વારયાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપના !!
થઇને ગુલાલ આજ રંગે ઘરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
———-
સૌમિલભાઇએ જ્યારે હસ્તાક્ષરના દરેક આલ્બમમાંથી એક રચના ‘ટહુકા’ પર મૂકવાની પરવાનગી આપી, ત્યારે જે ખુશી થઇ એને શબ્દો આપવા મુશ્કેલ છે. કારણકે મારી સંગીતની દુનિયાની વાત થતી હોય, તો એ હસ્તાક્ષર વગર તો અધૂરી જ ગણાય. આજે ‘સુરેશ દલાલ’ના હસ્તાક્ષરમાંથી એક રચના મૂકવાનુ વિચાર્યું, ત્યારે ફરી એજ પ્રશ્ન, “બધા જ ગીતો જ્યારે masterpiece હોય, તો મારે કયું લેવું અને કયું ના લેવું ? ”
છેલ્લે ‘આંખ્યુંના આંજણમાં..’ પસંદ કર્યું, જેનુ એક કારણ અનાર કઠિયારા અને આરતી મુન્શીનો સ્વર. એટલી સરસ રીતે આ ગીત ગાયું છે, કે હિન્દી ફિલ્મોમાં બઉ ઓછા એવા ‘Female Duets’ યાદ આવી જાય. ‘મેરે મહેબૂબમેં ક્યા નહીં’, ‘મન ક્યું બેહકા’, ‘એ કાશ કિસી દિવાને કો’, ‘મોરે.. ઘર આયે સજનવા’ વગેરે મારા ઘણાં ગમતા ગીતો.
આશા છે કે ‘સુરેશ દલાલ ના હસ્તાક્ષર’માંથી પસંદ કરેલું આ ગીત તમને પણ ગમશે.