આજે ફરી એકવાર આ મઝાની ગઝલ – સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં ફરી એકવાર… ગમશે ને? 🙂
—————-
Posted on May 12th, 2009
થોડા વખત પહેલા વડોદરામાં ‘કાવ્યધારા’ નું આયોજન થયું હતું, એની એક નાનકડી ઝલક લાવી છું તમારા માટે. આમ તો ટહુકો પર થોડા મહિનાથી ગુંજતી આ ગઝલ, આજે એક નવા સ્વરાંકન સાથે સાંભળવી ચોક્કસ ગમશે. અને સાથે બોનસમાં છે તેજસભાઇની મજેદાર પ્રસ્તુતિ.
સ્વર : અચલ મહેતા
સંગીત : નરેન્દ્ર જોશી
પ્રસ્તાવના : તેજસ મઝમુદાર
————————————
Posted on November 23, 2008
મરીઝ સાહેબની આ સદાબહાર ગઝલ… ફક્ત 6 શેર સાથે તો ટહુકો પર ઘણા વખતથી હતી જ, આજે એક સુમધુર સ્વરાંકન અને બીજા 4 શેર સાથે ફરી એકવાર…
સ્વર : સંગીત : શ્યામલ મુન્શી – સૌમિલ મુન્શી
.
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.
પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !
નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.
તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.
આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
– મરીઝ