Category Archives: પન્ના નાયક

સોના વાટકડી જેવું આ કાળજું – પન્ના નાયક

સ્વર : પૌરવી દેસાઇ,
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

sad_sky

.

સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
એ ચહેરાને હું તો ખોળ્યા કરું.

સાંજનું ઉદાસ આ કેવું આકાશ
અમે ઉડેલાં પંખીને ગોતી રહ્યાં
સૂમસામ પડી છે તારી પથારી
મારા તકિયા પર આંસુઓ મોતી થયાં.

મનમાં ને મનમાં હું તારા આ નામને
એકલી ને એકલી બોલ્યાં કરું.

બારણાની બા’ર આ રસ્તો પડ્યો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી.
કંઠમાં અધવચ્ચે અટક્યું છે ગીત
પણ ગાવાનું મન મને થાતું નથી.

ક્યારનો ઉજાગરાનો દીવો બળે છે:
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.

પ્રેમ કેદખાનું નથી – પન્ના નાયક

46822_wallpaper280

રોજ સાથે ને સાથે રહેવાનું હોય તો ફાવે નહીં.
હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
– કોઇ એના ઇશારે નચાવે નહીં

હું તો ડાળી પર કળી થઇ ઝૂલતી રહું;
મને ફૂલદાની હંમેશા નાની લાગે,
પળપળનો સાથ ને યુગયુગની વાત
મને જુઠ્ઠી અને આસમાની લાગે,

રોજ રોજ ગળપણ ખાવાનું હોય
તો એવું એ સગપણ પણ ફાવે નહીં.

હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
– કોઇ એના ઇશારે નચાવે નહીં

એને પીંજરામાં પૂરી પુરાય નહીં,
ચાંદની રેલાય અને ચાંદની ફેલાય
એને મુઠ્ઠીમાં ઝાલી ઝલાય નહીં,
મને બાંધવા જશો તો છટકી હું જઇશ
અને બટકી હું જઇશ: મને ફાવે નહીં.

હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
– કોઇ એના ઇશારે નચાવે નહીં