Category Archives: હિતેન આનંદપરા

જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે – હિતેન આનંદપરા

liberty.jpg

એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે
જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે

હર વખત એ પ્રશ્ન ઘૂમરાયા કરે હું કોણ છું?
હર વખત એ પ્રશ્નનો ઉત્તર મને અધ્ધર મળે

વાત જે કરવી હતી એને, કદી ના થઇ શકી
રાહ જોતા રહી ગયા કે આગવો અવસર મળે

કાશ થોડી લેતી દેતી હોત તો મળતાં રહેત
પણ હિસાબો એની સાથેના બધા સરભર મળે

એક સધિયારો અપાવે બે અડોઅડ આંગળી
હૂંફના નામે મઢેલાં સ્પર્શનાં અસ્તર મળે

ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે, તે છતાં લખતાં રહો
શક્ય છે આ માર્ગ પર, આગળ જતાં ઇશ્વર મળે

એવો આ પ્રેમનો સંબંધ છે… – હિતેન આનંદપરા

rain-couple2.jpg

પ્રીતનો એ નાતો, એ વરસાદી રાતોની વાતોની યાદો મોઘમ છે
તું હજીયે આંખોમાં અકબંધ છે, તું હજીયે શ્વાસોમાં અકબંધ છે.

ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય

જેની શરૂઆત નથી, જેનો કોઇ અંત નથી
એવો તું શાશ્વત નિબંધ છે

જોઇ તને એકલીને વાદળ વિચારે છે ચાલ આજ આની પર વરસું
ગાલ પરનાં ટીપાં તું લૂછે જેનાથી એ દુપટ્ટો બનવા હું તરસું

આંખોમા તારી બનાવીશ હું ઘર
છોને દુનિયાના દરવાજા બંધ છે

પહેલો વરસાદ અને પહેલું મિલન અને પહેલી તે વિશે શું કહું
એ પળની મજા કંઇ કહેવાથી સમજાય નહીં ચાલે તમે કો’કે હું કહું

ભૂલવાને ચાહો તોય ભૂલી શકાય નહીં
એવો આ પ્રેમનો સંબંધ છે…

જો પ્રત કદી ખૂટી પડે પ્રેમની – હિતેન આનંદપરા

બેસી નિરાંતે બે ઘડી પૃથક્કરણ કરતા રહો;
જે પણ મળે સારું સતત એને ગ્રહણ કરતા રહો.

એ ભ્રમ કદી ના પાળવો , આકાશ અહીંથી અહીં સુધી,
ક્ષિતિજ કંઈ સીમા નથી જો વિસ્તરણ કરતા રહો.

જેની ઉપર ના હક હતો, ના છે ન બનાવાનો કદી,
મનમાં નિરંતર એ જ વ્યક્તિનું સ્મરણ કરતા રહો.

આ પ્રેમ નામે ગ્રંથોનો ફેલાવો વધવો જોઈએ,
જો પ્રત કદી ખૂટી પડે તો સંસ્કરણ કરતા રહો.

આ પિંડ ફરતે રક્ત-અસ્થિ પર ત્વચા, પર વસ્ત્ર છે,
અહીંયા તો પહેલેથી રૂઢી છે આવરણ કરતા રહો.

એ નામ લખવાનું અગર મુમકિન નથી તો કંઈ નહીં,
ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો.

બસ તું જ છે – હિતેન આનંદપરા

( Photo by VIjay Pandey)

આ તરફને એ તરફ શું ચોતરફ બસ તું જ છે
ભેજ કો પાણી કહો કે કો બરફ બસ તું જ છે
કેટલી સદીઓથી અકબંધ મૌન તૂટે જે વખત
એ વખત નીકળેલો એકાદો હરફ બસ તું જ છે