Category Archives: ગઝલ

એક ભવ ઓછો પડે … – મુસાફિર પાલનપુરી

યાદ કોઇની વીસરવા એક ભવ ઓછો પડે,
એ અગનજ્વાળાને ઠરવા એક ભવ ઓછો પડે

તું કે જેના હોઠ પર ફરિયાદ વિણ કંઇ પણ નથી,
ને મને નિ:શ્વાસ ભરવા એક ભવ ઓછો પડે.

રૂપ છે નમણી પ્રતિભા હાય ! કિન્તુ દબદબો !
ફૂલ પણ એકાદ ધરવા એક ભવ ઓછો પડે.

દૂર હરદમ દૂર ઓ મન ! ધર્મના ભેદો થકી,
એ વમળમાથી ઉગરવા એક ભવ ઓછો પડે.

આચમન એનું મળે તો પણ ‘મુસાફિર’ ધન્યતા,
આ ગઝલ-સિન્ધુને તરવા એક ભવ ઓછો પડે.

સ્વ-રૂપ – પ્રફુલ દવે

મેકઅપ વિના જ મારી કને આવ, જિંદગી !
સાદું સીધું જ, મારી કને લાવ, જિંદગી !

ચહેરો બદલ ન તું, કે ન પડદો તું પાડી દે,
ઓળખ છુપાવી આમ, ના બનાવ, જિંદગી !

જાળું કરોળિયો કોઇ જાતે બનાવે એમ,
ગૂંથી ભરમની જાળ, ના ફસાવ, જિંદગી !

જળને ન ઝાંઝવું કહે, ન ઝાંઝવાને જળ,
દઇ વ્યર્થ કલ્પના તું ના સતાવ, જિંદગી !

અર્થહીન દોડતાં થાકી ગયો સતત,
માયાહરણ મને તું ના બતાવ, જિંદગી !

————-

( કવિ પરિચય )

ગઝલ – આદિલ મન્સૂરી

surprised

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં.

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં.

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં.

પાણીના વેશમાં મને ઘેર્યો છે કોઇએ – મુકુલ ચોક્સી

horizon

સામેનો રથ આ વાતથી અણજાણ પણ નથી;
કે મારી પાસે એક્કે ધનુષ-બાણ પણ નથી.

વિસ્તરતી ચાલે મારી ક્ષિતિજો આ દૂર.. દૂર..
ને આમ કોઈ જાતનું ખેંચાણ પણ નથી.

પાણીના વેશમાં મને ઘેર્યો છે કોઇએ
જ્યાં ભાગવાને માટે કોઇ વહાણ પણ નથી

માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ,
ત્યજવું નથી, ને કાયમી રોકાણ પણ નથી.

સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે!
કર્ફ્યુ નખાય એટલું રમખાણ પણ નથી.

આસપાસ – મનોજ ખંડેરિયા

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને –
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ.

ખુશી – ડૉ.વિવેક મનહર ટેલર

જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી,
આંસુ બનીને આંખમાં મલકાય છે ખુશી.

તું આવ કે ન આવ, કહી દે કે આવશે,
જો! કેવી આ તરફ પછી વળ ખાય છે ખુશી.

વિશ્વાસ એકમાત્ર છે આધાર આપણો,
તૂટી ગયો એ જ્યારથી, સંતાય છે ખુશી.

ગાંડી ! રડી નથી પડ્યો, તું વાત મારી માન,
જોઈ તને યુગો પછી ઊભરાય છે ખુશી.

સરનામું જ્યારથી તું આ દિલનું ત્યજી ગઈ,
આવીને પાછી ઘરથી વળી જાય છે ખુશી.

એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે – મરીઝ

rose buds

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

વસવું જ હો તો જા જઇ એના જીવનમાં વસ
તારા જીવનમાં એને વસાવી નહીં શકે.

આંખો નિરાશ, ચેહરે ઉદાસી, આ શું થયું ?
જા હમણાં તારો હાલ સુણાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા જાણજે હવે તારી નથી જરૂર,
જ્યારે તને કશું ય સતાવી નહીં શકે.

ઝાહેદ સહજપણે જરા મારાથી વાત કર
કરશે અગર દલીલ તો ફાવી નહીં શકે.

એનો પ્રકાશ આગ નથી તેજ છે ‘મરીઝ’
આશના દીપ કોઇ બુઝાવી નહીં શકે.

હાથ લંબાવી નથી શકતો – અમૃત ‘ઘાયલ’

અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.

ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.

નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કે “ઘાયલ” પી રહ્યો છે જાવ – એ આવી નથી શકતો.

ન જાણું કે – રમેશ પારેખ

ન જાણું કે કોના ભણી નીકળે,
અમસ્થાપણાને અણી નીકળે.

ન સ્પર્શે મને એ જુદી વાત છે,
અહીંથી વસંતો ઘણી નીકળે.

ઊગે હાથ, હાથોમાં રેખા ઊગે,
કયું બીજ કાયા ખણી નીકળે ?

કે રસ્તો જ અહીંયા કરે અપશુકન,
અને જાતરા વાંઝણી નીકળે.

કયા ચક્રવર્તીને તાબે થવા
આ શરણાગતિ આપણી નીકળે ?

એ જ લખવાનું તને… – સુરેન ઠક્કર ‘મેહુલ’

zaakal

એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને,
આંખમાં કૈં અવતર્યું છે એ જ લખવાનું તને.

એક આખી રાત જાગી છેવટે મધુમાસમાં,
પુષ્પનું પડ કોતર્યું છે એ જ લખવાનું તને.

આજ મોસમની મજાનો સ્વાદ લઇને ટેરવે,
અંગ જમણું ફરફર્યું છે એ જ લખવાનું તને.

પ્હોરની પીળી ક્ષણોને રગરગે રમતી કરી,
એક વેદન ઓલવ્યું છે એ જ લખવાનું તને.

રાતની બિસ્માર હાલત જોઇને, વાતાવરણ
ઓસ થઇને ઓગળ્યું છે એ જ લખવાનું તને.

દોસ્ત, સહિયારી ક્ષણોને રાતભર બાળી અને
રોજ કાજળ કાલવ્યું છે એ જ લખવાનું તને.

એક અટકેલી સ્થિતિનું ‘હું’ થી ઘેરાયું કવચ,
ઓગળી અળગું કર્યું છે એ જ લખવાનું તને.

ક્યાંક ગુલમ્હોરી ક્ષણોના પગરવોને સાંભળી,
કાનમાં પીછું ફર્યું છે એ જ લખવાનું તને.

શબ્દ, પારેવાંની પાંખો થઇ પ્રણયને સેવશે,
ભીંત આડે સાંભળ્યું છે એ જ લખવાનું તને.