Category Archives: મિતાલી

હું અને તું -તુષાર શુક્લ

જેમનાં લગ્નનાં શુભ પ્રસંગે અમે લયસ્તરો.કૉમ, ઊર્મિસાગર.કૉમ અને ટહુકો.કૉમ પર ધાંધલ-ધમાલ કરી હતી, એ અમારા વ્હાલા મિત્રો ધવલ અને મોનલને આપણા સૌનાં તરફથી સુખી અને પ્રસન્ન દાંમપત્યજીવન માટે મબલખ શુભેચ્છાઓ… આજનું આ ગીત ખાસ એ નવદંપતિને અર્પણ.  લયસ્તરો પર grand finale રૂપે લગ્નની સજીવ ઝલક જોવાનું ચૂકશો નહીં…!

સ્વર : ભુપિન્દર અને મિતાલી સિંગ

સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

.

હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.

આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.
આંખને ઉંબર અતિથી, અશ્રુને સપનાં સખીરી;
રસસભર જીવનને ખાતર બેઉ છે ખપના સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે … હું અને તું

રંગ ને પીછી તણો સંવાદમાં પણ બેઉ સજની;
સુર ગુંથ્યા શબ્દનો અનુવાદમાં પણ બેઉ સજની.
છે મને ન યાદ કોઈ પ્રેમમાં ફરીયાદ, સજના;
જિંદગી લાગે મને પ્રિતી તણો પ્રસાદ, સજના.
જિંદગીના બેઉ રંગો ને ઉમંગોને ચહ્યા સંગાથમાં, તે આપણે … હું અને તું

– તુષાર શુક્લ


(આભાર મિતિક્ષા.કોમ)