Category Archives: હરીન્દ્ર દવે

રંગ છે – હરીન્દ્ર દવે

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે

ઘેરો થયો તો ઔર મુલાયમ બની ગયો
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે

છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં
જોઇ શકો તો જોજો કે સાકીનો રંગ છે

બદલ્યાં કરે છે રંગ ગગન નિત નવા નવા
આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે

કોઇ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો
કહેતું’તું કોક એમાં ખુદાઇનો રંગ છે

(કવિ પરિચય)  

સમય – હરીન્દ્ર દવે

જોકે સમયની પાર હું કાયમ નથી રહ્યો
હું આ સમયમાં છું – એ મને ભ્રમ નથી રહ્યો
એવું નથી કે સુખનો સમુંદર છે ચોતરફ;
હું ક્યાં સુખી છું? – એવો મને ગમ નથી રહ્યો

(કવિ પરિચય) 

નેણ ના ઉલાળો તમે ઊભી બજાર – હરીન્દ્ર દવે

નેણ ના ઉલાળો તમે ઊભી બજાર
અહીં આવે ને જાય લાખ લોક,
મરકે કો ઝીણું, કોઈ ઠેકડી કરે ને વળી
ટીકીટીકીને જુએ કોક.

અમથા જો ગામને સીમાડે મળો તો તમે
ફેરવી િલયો છો આડી આંખ,
આવરો ને જાવરો જ્યાં આખા મલકનો
ત્યાં આંખ્યુંને કેમ આવે પાંખ!

લાજને ન મેલો આમ નેવે કે રાજ
અહીં આવે ને જાય લાખ લોક.

નેણના ઉલાળામાં એવું કો ઘેન
હું તો ભૂલી બેઠી છું ચૌદ લોક,
પગલાં માડું છું હું તો આગળ, ને વળી વળી
પાછળ વંકાઈ રહે ડોક,

આવી ફજેતી ન હોય છડેચોક
અહીં આવે ને જાય લાખ લોક.

(કવિ પરિચય) 

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

એક સાંભળો અને બીજું તરત યાદ આવે, એવાં મને ઘણાં ગમતા બે ગીતો આજે… એક ટહુકા પર, એક મોરપિચ્છ પર. (અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં) અને બંને ગીતના શબ્દો પણ એવા છે.. કે તમને કદાચ બીજું ગીત યાદ આવે કે ના આવે…. પણ, કોઇક તો જરૂર યાદ આવી જ જાય….

આલ્બમ : તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)
સ્વર : સોનાલી વાજપાઇ

paan lilu

.

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

(કવિ પરિચય)

Paan leelu joyu ne tame yaad aavya, lilu – harindra dave

હોઠ હસે તો – હરીન્દ્ર દવે

હોઠ હસે તો ફાગુન
ગોરી ! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.

તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;

એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.

અણું જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ.
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;

તવ શ્વાસોનો સ્પર્શ
હ્રદય પર મલયહાર મનભાવન.

કોઇને મન એ ભરમ, કોઇ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;

પલ પલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન.

(મુદા એટલે અવધિ, સમય મર્યાદા ; અવગાહન એટલે એમાં રસતરબોળ થઈ જવું )

(કવિ પરિચય)