Category Archives: હંસા દવે

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી…. – સુરેશ દલાલ

સ્વર : હંસા દવે , ગીતકાર : સુરેશ દલાલ , સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
GopalKrishna

.

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી
મને સૂતીને સપને જગાડ્યા કરી

બાંવરી આ આંખ મારી આમ તેમ ઘૂમે
ને ઝાંઝરથી લજ્જા વેરાય
એકલીના મહેલમાં ઓશિકે જોઈ લ્યોને
મધુવનમાં વાયુ લહેરાય

હું તો બાહુના બંધમાં બંધાયા કરી
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

નીલરંગી છાંય થઈ તારો આ સૂર મારી
યમુનાના વહેણ માંહી દોડે
જાગીને જોઉં તો જાણું નહીં કે
કેમ મોરપીંછ મ્હેકે અંબોડે

મને અનહદના રંગમાં ડૂબાડ્યા કરી
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

અમે એવા છઇએ – સુરેશ દલાલ.

હમણાં થોડા દિવસો પહેલા સરખા લાગતા ગીતો મોરપિચ્છ અને ટહુકા પર મુક્યા હતા, એ તો યાદ હશે તમને. આજે પણ એક એવું ગીત લઇને આવી છું, કે સાંભળતા હો સુરેશ દલાલને અને રમેશ પારેખ વારે વારે યાદ આવે… ગીતના શબ્દો છે, “તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.”.. હવે તમે જ કહો, રમેશ પારેખનું પેલુ ખૂબ જાણીતું “વ્હાલબાવરીનું ગીત – હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો ! ” યાદ ન આવે એવું બને ?

સ્વર : હંસા દવે

dolphines

.

અમે એવા છઇએ, અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.

તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,
તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત,

તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ,
અમે તારા બગીચાની માલણ છઇએ.

તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ,
અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત,

તમે પૂછો નહિ અમને અમે કેવા છઇએ,
અમે તારા આકાશમાં પારેવાં છઇએ.