Category Archives: પ્રહલાદ પારેખ

આવે આવે ને જાય રે મેહુલિયો… – પ્રહલાદ પારેખ

આજકલ અમારા Bay Area માં મેહુલિયા એ મહેર કરી છે..! આખા ઓક્ટોબર મહિનાનો વરસાદ બે દિવસ પહેલા ૩-૪ કલાકમાં જ આપી ગયેલો મેહુલિયો..! પણ અહીં દેશની જેમ દિવસો સુધી વરસાદ નથી પડતો.. એટલે આ ગીતના શબ્દો આ વિદેશી મેહુલિયાને બરાબર માફક આવે એવા છે.. 🙂

સ્વર : સુધા લાખિયા
સંગીત : ??

.

આવે આવે ને જાય રે મેહુલિયો
આવે આવે ને જાય

ઓલી વાદળીની ઓથે છુપાય રે મેહુલિયો,
આવે આવે ને જાય (૨)

શ્રાવણીયો બેસતાં ને આસો ઉતરતા (૨)
લીલા ખેતરીયા લ્હેરીયા
આવે આવે ને જાય (૨)

સરિતા સરોવર ને કૂવાને કાંઠડે (૨)
નીરે નીતરતા સોહાય
આવે આવે ને જાય (૨)

– પ્રહલાદ પારેખ

રખડવા નીકળ્યો છું – પ્રહલાદ પારેખ

રખડવા નીકળ્યો છું
તરસને ભૂખ મારી તૃપ્ત કરવા કાજ
આજે આ ભટકવા નીકળ્યો છું.

વર્ષા નથી, છે વાદળાં;
શીતળ અને ધીમી ગતિની છે હવા;
મેદાન હરિયાળાં હસે,
ને દૂર એમાં ગાય કોઈ ભાંભરે;
કોઈ રંગીલું ગળું,
આ સીમને માધુર્યથી વળગી પડ્યું.

ક્યાંક છે તડકા તણું કો ચોસલું,
તાજું અને થોડું ગરમ:
એકાદ બે બટકાં લઉં એને ભરી,
ને પછી તેની ઉપર
માટી તણી સોડમ ભરેલી આ હવા
ગટગટાવી જાઉં જરી.

શી છે કમી ? જહાંગીર છું,
– ને જહાનું નૂર આ સામે ખડું !

અબોલા – પ્રહલાદ પારેખ

તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,
બંધ હોઠ કર્યા મેં જ્યારે, – આંખે માંડી વાત !

આંખોને યે વારું ત્યારે, – જોવુ ના તુજ દિશ
એમ કર્યું તો, – સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ

તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,
– નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં તુજ નેન

અંતર મારે ભય જાગે : શું બંઘો જાશે તુટી ?
શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી ?
– સઘળું નિજનું તુજને લૂંટી ?

અબોલડા – પ્રહલાદ પારેખ

ઉરે હતી વાત હજાર કે’વા
કિન્તુ નહીં ઓષ્ઠ જરીય ઊઘડ્યા;
જલ્યા કર્યા અંતર સ્નેહદીવા,
ઉજાશ શાં હાસ્ય મુખે ન આવિયાં.

નિસર્ગલીલા તુજ સાથ જોવા
હૈયે હતા કોડ, ન પાય ઊપડ્યા;
સૂરે મિલાવી તુજ સૂર, ગાવા
ઉરે ઊઠયાં ગીત, બધાં શમાવ્યાં.

મળી મળી નેન વળી જતાં ફરી,
અકથ્ય શબ્દે વદી વાત ઉરની;
હૈયું મૂગું ચાતક શું અધીર;
એ રાહ જોતું તુજ શબ્દબિન્દુની :

એવો અબોલ-દિન છે સ્મૃતિમાં,
– જે દિ’ ચડ્યાં અંતર પૂર નેહનાં ?