Category Archives: કવિઓ

સાધો, હરિ સંગે હરીફાઈ – હરીશ મીનાશ્રુ

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર
આલ્બમ: હરિને સંગે

.

સાધો, હરિ સંગે હરીફાઈ
જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ…. સાધો…

હારી જઈશું તો ઈડરિયો
…..ગઢ ધરશું હરિચરણે,
કામદૂધા દોહી દોહી
……હરિરસ ભરશું બોધરણે….
ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ…. સાધો….

અનંતની ચોપાટ પાથરી
…….હરિએ ફેંક્યા પાસા,
અમે જીત્યા તો ઢોલ વજાડો
……. હરિ જીતે તો ત્રાંસા.
છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ…. સાધો…

– હરીશ મીનાશ્રુ

સાધો, હરિવરના હલકારા… – હરીશ મીનાશ્રુ

સાધો, હરિવરના હલકારા સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે બાવન બ્હારા

અમે સંતના સોબતિયા નહીં જાદુગર કે જોશી,
ગુજરાતી ભાષાના નાતે નરસિંહના પાડોશી;
એની સંગે પરમસ્નેહથી વાડકીના વ્યવહારા….. સાધો, હરિવરના હલકારા

ભાષા તો પળમાં જોગણ ને પળમાં ભયી સુહાગી,
શબદ એક અંતર ઝકઝોરે ગયાં અમે પણ જાગી;
જાગીને જોઉં તો જગત દિસે નહીં રે દોબારા….. સાધો, હરિવરના હલકારા

સાધો, હરિવરના હલકારા સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે બાવન બ્હારા

– હરીશ મીનાશ્રુ

અમૃતા – જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કૃત શ્રી રઘુવીર ચૌધરીની ખૂબ જ જાણીતી નવલકથા

(નીચેની માહિતી – અને અમૃતા નવલકથાનું Digital Version – એકત્ર ફાઉન્ડેશનની વેબસાઇટ પરથી સાભાર)

અમૃતા નવલકથાનું PDF, Kindle or Epub version download કરવા અહીં ક્લિક કરોઃ

http://www.ekatrafoundation.org/books/?book=25

રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાન કીર્તિદા નવલકથા ‘અમૃતા’ વાચકો માટે રઘુવીર ચૌધરીની ઓળખ જેવી બની રહી છે. અમૃતા વર્ષ 1965માં પ્રગટ થઈ ત્યારે વિવેચકોએ તેને એક અપૂર્વ સાહિત્ય ઘટના તરીકે ઓળખાવેલી. હજી આજ સુધી અમૃતા વાચકો અને વિવેચકોના મનમાં ટકી રહી છે અને તેની દસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. સ્ત્રીપુરુષના પ્રેમસંબંધમાં સ્વાતંત્ર્યને લગતા પ્રશ્નોનું નિરૂપણ કરતી આ કથા છે. એમાં ત્રણ પાત્રો છે : બે પુરુષ અને એક સ્ત્રી – ઉદયન, અમૃતા અને અનિકેત. તેમને વિભિન્ન પરિસ્થિતિમાં મૂકીને તેમની અરસપરસ ક્રિયા-પ્રતિક્રિયા કે ભાવ-પ્રતિભાવ રૂપે જ કૃતિ વિકસે છે. ત્રણે પાત્રો ઉચ્ચ-કોટિની બુદ્ધિમત્તા ધરાવે છે, પરંતુ એમનાં દૃષ્ટિબિન્દુ ભિન્ન છે; એટલું જ નહીં, જીવન પ્રત્યેના વિશિષ્ટ અભિગ્રહો પણ છે, જે તેમની વચ્ચે સૂક્ષ્મ સંઘર્ષ પ્રેરી તેમના સંબંધોમાં સંકુલતા લાવે છે. અમૃતાની વરણી એનું નિમિત્ત બને છે. પરંતુ એ ત્રણેય પાત્રો સ્વાભિમાન, સ્વતંત્ર વ્યક્તિત્વ અને આત્મનિર્ણયનો પુરસ્કાર કરનારાં હોઈ આ સંઘર્ષ સ્થૂળ થવાને બદલે સૂક્ષ્મ થતો ગયો છે. એ રીતે ચરિત્રોમાં આવતા મનોગત વળાંકો અને તેમનો વિકાસ કથાને રસપ્રદ બનાવે છે. કથાના આરંભે તેમના વાર્તાલાપોમાં વ્યક્ત થયેલાં તેમનાં દૃષ્ટિબિન્દુ ઉત્તરોત્તર સંવેદનનું રૂપ પામતાં ગયાં છે અને એમાં તીવ્રતા સધાતી ગઈ છે. અંતે સધાતા દૃષ્ટિબિન્દુઓના સંવાદમાં લેખકની જીવનદૃષ્ટિનો સંકેત જોઈ શકાય; પરંતુ પ્રભાવ પડે છે, જિંદગીને પૂરી નિષ્ઠાથી જીવી ગયેલા ઉદયનના મૃત્યુથી સરજાતા અવકાશનો. ચેતનાપ્રવાહ, સ્મૃતિપ્રવાહ, સ્મૃતિ, સ્વપ્ન, પરાકલ્પન જેવી પ્રયુક્તિઓ અને સુબદ્ધ ગદ્ય, તેમ જ સ્થળ-કાળનાં પ્રમાણભૂત નિરૂપણો લેખકની સજ્જતાનો પરિચય આપે છે.

કાવ્યાસ્વાદ ૧૧ : રઘુવીર ચૌધરી (પ્રાસ્તાવિક)

વર્ષ ૨૦૧૫ના જ્ઞાનપીઠ એવોર્ડના વિજેતા – ગુજરાતી નવલકથાકાર અને કવિ – શ્રી રઘુવીર ચૌધરીના કેટલાક કાવ્યોનો આસ્વાદ અને પછીની કાવ્યાસ્વાદ શૃંખલામાં માણીએ. શરૂઆત કરીએ થોડા પરિચય અને પ્રાસ્તવિક વાતોથી..!

પત્ર લખું કે લખું કવિતા… – માધવ રામાનુજ

સ્વર અને સ્વરાંકનઃ નયન પંચોલી

પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે?
વાત કરું કે કહું વાર્તા, સાજન તમને ગમે ખરું કે?

ટહુકા પરથી મોર ચીતરવો, પીંછા પરથી કોઈ પક્ષીને
પાન પરથી જંગલ રચવું સાજન તમને ગમે ખરું કે?

આંસુ ને ઝાકળ એ બંને રોજ ખરે પણ કોણ ઝીલતું?
પુષ્પ અગર તો પથ્થર બનવું સાજન તમને ગમે ખરું કે?

મનગમતી વાતો જે મનમાં, મનમાં-મનમાં ઉગે આથમે
એનું ગીત કદી ગણગણવું સાજન તમને ગમે ખરું કે?

પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે?
વાત કરું કે કહું વાર્તા, સાજન તમને ગમે ખરું કે?

– માધવ રામાનુજ

આંખોમાં આખો અષાઢ લઈ છોકરી… – તુષાર શુક્લ

આંખોમાં આખો અષાઢ લઈ છોકરી
મળવા આવી’તી એને આજ
વીસ વીસ વરસોનો વેઠયો દુકાળ
તે ના છોકરા એ કીઘી નારાજ
હવે ખાશે પીશે ને કરશે રાજ-

ઘેરાતી છોકરી જ્યાં મનગમનતું વરસી
ને વરસી તે વરસી ઘોઘમાર
રોકી શકાય નહીં કોઈથી એ છોકરીને
કીઘે ન થોભે લગાર
નેણ અને વેણ તણા વ્હેણમાં તણાય
એવા તટને ના કહીએ તારાજ-

છોકરાની છાતી પર લીલુંછમ ઘાસ
એની ગામ લોકો કરી રહ્યા વાતો
વીસ વીસ વરસે એ આંખોને માંડ મળી
સપનાંઓ વાવવાની રાતો
દિવસે એની પાંપણ પણ પળે છે બંધ
એમાં વાવ્યુ ઉછેરવાને કાજ

– તુષાર શુક્લ

આપણી વચ્ચે – સુરેશ દલાલ

આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

સમજું છું એથી તો જોને
ચૂપ રહેવાની વાત કરું છું
ધુમ્મસ જેવા દિવસોની હું
ઘોર અંધારી રાત કરું છું

વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.

હવે વિસામો લેવાનો પણ
થાક ચડ્યો છે
આપણો આ સંબંધ
આપણને ખૂબ નડ્યો છે.

આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

-સુરેશ દલાલ