Category Archives: ટહુકો

ઓ રે બેલી – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : શ્યામલ ભટ્ટ

.

ઓ રે બેલી સમદરિયા કરવા છે પાર રે
પળમાં તું હોડાં ઉતાર
કે જળ પાછા ઉતરી જશે હો જી

ઓ રે બેલી સાધીને રાખને નિશાન
સબધાં કરી લે સુકાન
પાણીમાં ચીલા જડશે નહીં હો જી

ઓ રે બેલી મધદરિયે ભારે ઉછાળ
પવનોના નહીં આવે પાર
હીયાની મોજે ઉંચકી જશે હો જી

ઓ રે બેલી સામેના કિનારે તારા ગામ
જળ વચ્ચે નભને જગાડ
એવું જો તારી સુરતા કહે હો જી
-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

જળને ઝીલો – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : પાયલ આશર
સ્વરાંકન : કે. સુમંત

.

આ ઝરમર ઝરમર ઝરી રહ્યા તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો

આ એક જ ટીપું આખેઆખા સરવર દેશે
ધરો હથેળી અચરજના અવસરને ઝીલો

આ કણ કણ લીલા છે નાચી ચોકરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

આ કણ લીલા છે નાચી ચોગરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો
ઘટ ઘટ ઊમટી ઘેરાયાં વાદળને ઝીલો

આ ઉંમર પદવી નામ ઘૂંટાયા તે ભૂંસી દઈને
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો

મહેર કરી છે મહારાજે મોટું મન
રાખી ખોલી દો ઘૂંઘટપટ વરસ્યા વરને ઝીલો

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

ખુલ્લી મૂકી વખાર – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વરઃ પારુલ મનીષ તથા સોહની ભટ્ટ
સ્વરાંકન : પારુલ મનીષ

.

ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયા
જોતી રહી બજાર અમે ચાલતા થયા

રસ્તા ગલી વળાંક બદલતા રહ્યા સતત
હરપળ દરેક હાલ અમે ચાલતા થયા

ઉલ્લેખ માત્ર થાય ને તો યે નશો રહ્યો
એ પી લીધી શરાબ અને ચાલતા થયા

અંદર થયું કે ચાલ હવે ચાલશું પછી
પૂછ્યો નહીં સવાલ અમે ચાલતા થયા

આ હાથની લકીર હજુ રોકતી હતી
પગનો હતો મિજાજ અમે ચાલતા થયા

ચર્ચા કશેય પહોંચવાની કયાં કરી હતી
મંઝિલની છોડ વાત અમે ચાલતા થયા

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

દરિયાની છાતી પર -ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર :ડો. કેદાર ઉપાધ્યાય
સ્વરાંકન : કેદાર અને ભાર્ગવ

.

દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે
સમદરને પાર જેનાં સરનામાં હોય એવાં વણજાણ્યા નામ છીએ આપણે

હોવું તો વાદળિયાં શ્વાસ જેવી વાત જેની ધરતીને સાંપડી સુગંધ
આપણેતો કલબલનો એવડો પ્રવાસ જેની એકે દિશા ન હોય બંધ
સમદરની છોળ જેમ સમદરમાં હોય એવો આપણો મુકામ છીએ આપણે

પાંખમાં ભરીને ચાલો આખું આકાશ કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ
ભાંગતા કિનારાનું ભાંગે એકાંત એવી કલબલતી કોઈ વાત બોલીએ
માળાના હોય નહીં આપણને સાદ સાવ ટૂંકા રોકાણ છીએ આપણે
-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

નવ કરશો કોઈ શોક – નર્મદ

હમણાં જય વસાવડાની યુટ્યુબ ચેનલ ઉપર “વિદાય વેળાએ… જીવતા શીખવાડે એવું મૃત્યુ ” વિષય ઉપર એમનું સુંદર પ્રવચન સાંભળ્યું.જેમાં છેલ્લે કવિ નર્મદની વિદાય વેળાની સુંદર કવિતાનું પઠન રસાસ્વાદ સાથે કર્યું. તો થયું તમે બધાને પણ આ વહેંચું. પ્રવચનની લિંક,

પઠન: જય વસાવડા

.

નવ કરશો કોઈ શોક રસિકડાં
નવ કરશો કોઈ શોક

યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી
પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી

મર્મ ન સમજે બકે શંખ શઠ વાંકું ભણે બહુ પણથી
એક પીડમાં બીજી ચ્હીડથી જળશે જીવ અગનથી

હતો દુખિયો થયો સુખિયો સમજો છૂટ્યો રણથી
મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી

હરિકૃપાથી મમ લેખ ચિત્રથી જીવતો છઉં હું દમથી
વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી

જુદાઈ દુખ તે જ નથીજ જવાનું જાયે માત્ર મરણથી
મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુખ વધે જ રુદનથી

જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી
મને વિસારી રામ સમરજો સુખી થશો તે લતથી
– નર્મદ

કવિતા સૌજન્ય માવજીભાઈ.કોમ

મારાં આંસુના રાજપાટ કોરાં – જયેન્દ્ર પલાણ

સ્વર : ડો.દર્શના ઝાલા
આલબમ : તારા નામમાં

.

મારાં આંસુના રાજપાટ કોરાં
ટહુકાની હારબંધ ટોળાની આરપાર સંદેશો કોઈ મેલે વહેતો
પલળેલા જીવમાંથી નીતરે ઉનાળો જે ઉનાળો તારામાં રહેતો
તને ક્યાંથી અષાઢ પહેરાવું એમ જેમ વાદળ જોઈએ હું ને છોરાં

દેશવટે નીકળેલું ચોમાસુ ક્યાંક મળે આંખભેર ભેટીને રડવું છે
મારા સુક્કાં તળાવમાં ખોવાતી સાંજ તને રડી રડીને ક્યાંક જડવું છે
તારું ખોવાવું તે ઝાડ ઝાડ સૂરજનું આથમવું, ઊગવું તે આંખોના ફોરાં
મારાં આંસુના રાજપાટ કોરાં

– જયેન્દ્ર પલાણ

સખી માધવનું વ્હાલ નથી ખાલી બે વેણ – ભાસ્કર વ્હોરા

સ્વર : ડો.દર્શના ઝાલા
આલબમ : તારા નામમાં

.

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : આશિત દેસાઈ

.

સખી માધવનું વ્હાલ નથી ખાલી બે વેણ,
જેને સાંભળવા વાટ નીત જોતી જોતી

હરિયાળા હૈયામાં છુટ્ટું મેલીને
એના સૂર તણું ગોધણ કોક દિ
નીતરતા નેણને વહેતું મેલીને
એની લાગણીનું લટ ઘૂમે કોક દિ

લાગણીના લટકામાં લાખેણી દુનિયામાં
ખાલી ના સાવ આમ જોતી જોતી

કાળી રે કામળીમાં બાંધી રાખેલ એની
લીલા લહેરાવે કો’ક દી,
મધરાતે માવઠાથી ભીંજવીને
એની ફોરમમાં ફોરમાઇ એમ રે.

ફોરમતાં ફોરાંની મલકાતી માયામાં,
ખાલી આ ડાળ વલોતી વલોતી
– ભાસ્કર વ્હોરા

હું તો છુઈ મૂઈનો છોડ – મેઘલતા મહેતા

સ્વર : ડો.દર્શના ઝાલા
સ્વરાંકન : નયન પંચોલી
આલબમ : તારા નામમાં

.

અરે હાં હાં મને કોઈ અડશો નહિ હું તો છુઈ મૂઈનો છોડ
મારી સાથે અડપલાં કરશો નહિ હું તો છુઈ મૂઈનો છોડ

મૂઆ વાયરા વેગળો રહેજે રે, મારે અંગેથી અળગો રહેજે રે
અલ્યા સુરજ સખણો રહેજે રે, સતપતિઓ કેવો સતાવે રે

પેલી વાદળી ભીંજવી જાતી રે , મને અમથી ખીજવી જાતી રે
મારે માં એ જતન શા કીધા રે , મને શરમના શમણાં દીધા રે

એક પરદેશી પાંદડું આવ્યું રે, મને છાયોને દઈ છવાયું રે
પહેલી પ્રીત્યુંના સ્પર્શે પાંગરી રે, મારી લજ્જા મને ના સાંભરી રે
– મેઘલતા મહેતા

આ તે માણસ છે કે સપનું – નંદિતા ઠાકોર

ટહુકોના સ્વર અક્ષર કાર્યક્રમમાં નંદિતાબેનએ ખુબ સુંદર એમની રચનાનું પઠન કર્યું.
પ્રોગ્રામને માણવા માટે:લિંક

પઠન: નંદિતા ઠાકોર

.

વાત વાતમાં તૂટે આ તે માણસ છે કે સપનું?
આંખ ખુલે ને ફૂટે આ તે માણસ છે કે સપનું ?

અંધારામાં જીવે મબલક,અજવાળામાં જંપે,
પળ પરપોટે ફૂટે આ તે માણસ છે કે સપનું ?

અંદર અંદર લાગણીઓ ને ઈચ્છાઓને મારે,
પછી સ્મરણને ઘૂંટે આ તે માણસ છે કે સપનું ?

બંધ આંખથી સપનાઓને સૌની સાથે વહેંચે,
ને ખુલ્લી આંખે લૂંટે આ તે માણસ છે કે સપનું ?

સાવ અરીસા જેવું આ તો સામે હો તે ભાળે
પૂંઠ ફરે જગ છૂટે આ તે માણસ છે કે સપનું ?
– નંદિતા ઠાકોર

માણસ થઈને જીવતા જીવતા – નંદિતા ઠાકોર

ટહુકોના સ્વર અક્ષર કાર્યક્રમમાં નંદિતાબેનએ ખુબ સુંદર એમની રચનાનું પઠન કર્યું.
પ્રોગ્રામને માણવા માટે: લિંક

પઠન : નંદિતા ઠાકોર

.

માણસ થઈને જીવતા જીવતા માણસ જેવું મન ઘડવાનું
માણસ જેવા માણસ થઈને માણસ સાથે શું લડવાનું?

ફાટ ફાટ છાતીની અંદર ધરબાયેલા સપનાઓને
પોતાને હાથે સળગાવીને પોતે પાછું શું રડવાનું?

જનમકુંડળીના એ અક્ષર જીવન આખું કેમ ચલાવે?
ભૂલી ગયા કે આપણને તો માણસ હોવું એ નડવાનું?

ઈશ્વર નામે એક જણે માણસને સૌથી ઉંચે મુક્યો
માણસાઈની ટોચેથી શું આમ જ બસ હેઠે પડવાનું?

અજવાળે તરબોળ થવાનો અવસર છે કેવો અણમૂલો
ખુલ્લમ ખુલ્લા માણસ જેવું માણસને આખર જડવાનું
– નંદિતા ઠાકોર