Category Archives: કાવ્ય

છ ઋતુઓ – ઉમાશંકર જોશી

લલિત

શરદ શી સુહે ! વાદળાં ગયાં.
જળ નદી તણાં નીતરાં થયાં.
ગગનથી સુધા ચંદ્ધની ઝરી,
રસભરી રમે રાસ ગુર્જરી.

ઉપજાતિ

હેમંતમાં કોમળ સૂર્યતાપ,
વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ.
ઝરે નિશાએ હિમ ભૂમિ-ખોળે,
લીલાં તૃણે ઝાકળબિંદુ ડોલે.

દ્ધુતવિલંબિત

શિશિરવાયુ સુશીતળ સૂસવે,
તરુ તણાં થડથી રસ કૈં ઝવે.
ખરત પાન, રહ્યાં બસ ડાંખળાં,
સભર ધાન્ય થકી સુહતાં ખળાં.

વસંતતિલકા

ખીલી વસંત, વન ફૂલભર્યાં મહેકે,
ગાતા ફરે ભ્રમર, કોકિલનાદ લ્હેકે.
ઊડે સુગંધકણ પુષ્પ તણા રસોના,
આઘા સુણાય ગગને સ્વર સારસોના.

મંદાક્રાંતા

આવ્યો આવ્યો બળ બળ થતો દેખ જોગી ઉનાળો;
વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો.
ઝોળા ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની;
પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.

શિખરિણી

ચઢી આવ્યાં ક્યાંથી દળ પર દળો વાદળ તણાં ?
કરે ઈશાને શી ઝબક ઝબકી વીજ રમણા !
પડયાં પામી ધો ધો, જળભર થઈ ધન્ય ધરણી;
હસે વર્ષા; શોભા શુભ નભ વિશે મેઘધનુની.

-ઉમાશંકર જોશી

(આભાર : સિદ્ધાર્થનું મન)

હવે – જગદીશ જોષી

હવે,
સપનાંને લાગે છે આછેરો થાક !
મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?

પાંખ રે ખોલી ને ત્યાં તો આભ રે અલોપ:
આંખો ખોલ્યાનો આ તો કેવો રે કોપ !
નહીં પાછા ફરવાનો મળે કયાંય રે વળાંક
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

રેતી પર ટળવળતી માછલીઓ જેમ
કૂણાં સપનાંઓ આજ લગી આળોટ્યાં કેમ ?
દરિયો આ ઘૂઘવે ને કાંઠા અવાક !
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

– જગદીશ જોષી

સોનલને ચાહવાની ઋતુઓ – રમેશ પારેખ

સોનલને ચાહવાની ઋતુઓ કેટલી?
એમ પૂછે કોઇ તો જવાબ એનો : સાઠ !
કેમકે આંગળીઓના કુલ વેઢા સાઠ,
દોરી જેવા સીધાસાદા મનની આ ગાંઠ !

એક જ દિવસની માલીપા ઉન્મુખ
સાઠેસાઠ રીતે એને ચાહવાનું સુખ…

સાઠ રીતમાંથી એકે ગમે નહિ એને
એની બાત બોલો, જઇ જઇ કરું કેને?

એને સાઠે રીત ના ગમે તે મને ગમે
એને ગમે રૂઠી જવું તે ય મને ગમે
એના હોઠે ઝીણુંઝીણું જૂઠાણું યે ગમે
એના હોઠે ઝીણુંઝીણું ઉખાણું યે ગમે

એના સાઠેસાઠ વેઢે મારો અસ્વીકાર
એનો મારા સાઠેસાઠ વેઢે અંગીકાર !

ક્યારેક તો પડશે એને મારામાં રસ
એ જ ભરોસાથી એને ચાહ્યા કરું, બસ
ચાહતો રહીશ એને વરસોવરસ,
વરસોનાં ય વરસ, વરસોવરસ…

– રમેશ પારેખ

શિકારીને – કલાપી

રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન! તું,
ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સંતનું.

પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ;
ઘટે ના ક્રૂર દષ્ટિ ત્યાં : વિશ્વ સૌન્દર્ય કુમળું.

તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના, ના, કિન્તુ સ્થૂલ મળી શકે.

પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને.

સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે;
સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.

રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તું;
બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કૈં ભળવું ભલું !

– કલાપી

ઊંટ – દલપતરામ

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

– દલપતરામ

(આભાર : પ્રભાતના પુષ્પો)

દીકરીને – યોસેફ મેકવાન

જન્મી અમારે ઘર આંગણે તું
દોડે ધમાલો કરી, ધીમું ચાલે;

ને હાસ્યથી ખંજન થાય ગાલે
જોઉં અરે શૈશવ મારું છે તું!

તારા રૂપાળા કરથી તું મારું
ચિબૂક કેવું પસવારે વ્હાલે,

ને અંગૂલિથી કદી નાક ઝાલે,
મારુંય હૈયું બનતું સુંવાળું!

તને પરાયું ધન હું ન માનું
તું લૂણ છે આ ધરતીનું જાણું.

અનાદિથી તું રહી પ્રાણપોષી
બ્રહ્માંડની તું ધરી, સૂક્ષ્મકોષી.

તું પ્રકૃતિનું જીવતું પ્રતીક
ને સંસ્કૃતિનું ધબકંત ગીત!

દશા અને દિશા – વેણીભાઈ પુરોહિત

દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.

દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ !
કહી દો   એમને  કે,  હે દશાના  પૂજનારાઓ !

દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને  ખૂંદનારાને  સડક  ઝાલી નથી શકતી.

– વેણીભાઈ પુરોહિત

પાટીમાં ઘૂંટેલા દિવસો – અંકિત ત્રિવેદી

પાટીમાં ઘૂંટેલા દિવસો યાદ કરતાં સમય કરે છે છણકો
બાળપણના એ દિવસોને સ્હેજ અડું ત્યાં થાતો મોટો ભડકો

લીટાવાળી દીવાલો પર લટકે આખું બચપણ થઇને ફોટો
વા થયેલા પગને હજુયે વિતી ગયેલી પળમાં મૂકવી દોટો

દૂરબીનમાં જોયેલા દ્રશ્યો ચશ્માં થઇને આંખો સામે ઝૂકે
હાલરડામાં ઓગળતી રાતોનું સપનું આવે ભૂલેચૂકે

દિવસો વિતતા ચાલ્યા એમ જ વધતી ચાલી નેઇમપ્લેટની ઉંમર
ઘર-ઓફિસના રસ્તા વચ્ચે પગની ઠોકર ખાતો રહેતો ઉંબર

જન્મદિવસ તો યાદ ને સુધ્ધાં યાદ રહે છે એ દિવસનો તડકો
યાદ નથી કે કઇ તારીખે ભૂલી જવાયું રમતાં અડકો દડકો…

– અંકિત ત્રિવેદી

નાપાસ વિધાર્થીઓને ! – નિર્મિશ ઠાકર

ભણવા-ગણવામાં ભલે વરતે કાળો કેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

ગણિતમાં ગરબડ ઘણી, ભાષા મત ખંખોળ,
ભૂગોળમાં ફરતું દીસે, જગ આખુંએ ગોળ,
યુધ્ધ ઘણાં ઇતિહાસમાં, મનમાં કાગારોળ,
હીંડે ક્યમ ભણતર તણું ગાડું ડામાડોળ.

ભણતર સાથે આપણે સાત જનમનાં વેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

રંજ ન કરવો જ્ઞામાં ગુમાવતાં બહુ સત્ર,
બોચી દુખશે ઓઢતાં જ્ઞાન તણાં શિરછત્ર,
સ્નાતકને તક ને નહિ અત્ર-તત્ર-સર્વત્ર,
લઇને કરશો શું કહો અમથાં પ્રમાણપત્ર?

જીવતરમાં તમ હસ્તીથી આમ ન ઘોળો ઝેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

જ્ઞાનપિપાસુ – બોચિયા રાતરાતભર રોય,
થોથાં સતત ઉથામતાં પંડિત ભયા ન કોય,
રેખા સહ અમિતાભની ફિલ્મ પ્રણયમય જોય?
ઢાઇ અક્ષર પ્રેમ કો પઢે સો પંડિત હોય.

ફિલ્મ નિહાળો બ્લેકની ટિકિટ લઇ વટભેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

અભણ ઊડે અહીં પ્લેનમાં, પંડિત કાપે ઘાસ,
સફળ-વિફળ કૈં છે નહિ, જીવતર છે જ્યાં ભાસ,
ચિત્રગુપ્તને ચોપડે માત્ર થશે એ પાસ,
જે થૈ મસ્ત જીવે જગે, પામે વૈકુંઠવાસ;

બાપા બબડે એ સમે ગણવો દ્રષ્ટિ ફેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

———————-
આ કવિતા વાંચીને મને નીચે લખેલું એક હિન્દી હાસ્યકાવ્ય યાદ આવ્યું, તો મને થયું કે એ પણ વહેંચું તમારી સાથે… ઘણા વર્ષો પહેલા દૂરદર્શન પર દર વર્ષે હોળીના દિવસે હાસ્ય કવિ સંમેલન પ્રસારિત થતું – એમાં કોઇક કવિએ કહેલી એક કવિતાનો આ અંશ છે.. એમની કવિતામાં बाबर हुंयामुं अकबर शाहजहां… कौन किसका बेटा न-जाने, कौन किसका बाप था…. એવું પણ કંઇક હતું.. પણ એ કડી આખી યાદ નથી આવતી… નીચે લખ્યું છે એ પણ યાદશક્તિના જોરે જ લખ્યું છે.. થોડા શબ્દો આમ-તેમ થયા હોય એવું બને ય ખરું..!!

(Photograph : Webshots)

* * * * *

भूगोलमें गत वर्ष आया, गोल है कैसे धरा?
और हमनें एक पलमें लिख दीया उत्तर खडा

गोल है पूरी कचोरी और पापड गोल है
गोल रसगुल्ला जलेबी, गोल लड्डु गोल है
गोलगप्पा गोल है, मूंह थी हमारा गोल है,
इसलिये, हे मास्टरजी… ये धरा भी गोल है.

झूम उठे मास्टरजी इस अनोखे ज्ञान से,
और पर्चे पर उन्होंने लिख दिया ये शान से,
ठीक है बेटा, हमारी लेखनीभी गोल है…
और परिक्षामें तुम्हारा नंबर भी गोल है….

કવિતા – સુરેશ દલાલ

તને જ આપવા માટે મેં કેટલાયે સમયથી
મારી કવિતાની ડાયરીમાં એક ફૂલ મૂકી રાખ્યું હતું.
આજે અચાનક ઘણા વર્ષો પછી ડાયરી ખોલી ઃ
સુકાઇ ગયેલા ફૂલમાંથી હજીયે આવે છે તારી સ્મૃતિની સુગંધ.

– સુરેશ દલાલ