શંકર નહીં આવે – જલન માતરી

શ્રી જલન માતરી સાહેબન જન્મદિવસે – આજે માણીએ એમની આ મઝાની ગઝલ…

દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે;
સરિતાને કદી ઘરઅંગણે સાગર નહીં આવે.

ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે ક્યામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.

દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે.

– જલન માતરી

14 replies on “શંકર નહીં આવે – જલન માતરી”

 1. Maheshchandra Naik says:

  શ્રી જલન માતરીને જન્મ દિવસની શુભકામનાઓ, તોફાની અને આક્રોશથી ભરપુર ગઝલ માટે આપનો આભાર.
  શ્રી જયશ્રીબેન આજે સુરતના એક બીજા ગઝલકાર શ્રી અમર પાલનપુરીનો પણ જન્મદિવસ છે, સહેજ તમારી જાણ માટે… ઍમની પણ એકાદ ગઝલનો આસ્વાદ કરાવશો તો આનદ થશે, અભાર…

 2. wow amazing! thank you very much for this gazal

 3. deepak avarani says:

  ભગવાનનુ પ્રુથ્વી પર અવતર એ માનસીક નબળાઇ છે. આપણે પોતાને જ છેતરીએ છીએ.
  કેતન મ્હેતા ની “ભવની ભવઈ” નો અન્ત જોજો.

 4. jay says:

  જલન સાહેબ ને જન્મદિવસની ખુબખુબ શુભકામના..
  આ બળવાખોર પરન્તુ ખુમારિભરિ ગઝલો જ તો તેમનિ આગવિ ઓડખ છે.

 5. આદરણીય કવિશ્રી જલન માતરી સાહેબને એમના જન્મદિન નિમિત્તે શત શત સલામ.
  એમની ખુમારીસભર ગઝલો માણવા અને જાણવા જેવી રહી છે.

 6. સુન્દર અને સરસ રચના.આભિનન્દ કવીશ્રી ને.
  સ્નેહિઓ ને જે વાત માટે માફ કરવા કહ્યુ છે તે પણ સરસ છે.

 7. Lallit Maroo says:

  જલન સાહેબ ને જન્મદિવસની ખુબખુબ શુભકામના….

  લલિત મારુ
  મુમ્બઇ

 8. જન્મદિવસની ખુબખુબ શુભકામના..

 9. આ સામાન્ય આગની કો મામૂલી જલન નથી.
  બરફની લાશમાં દબાયલી પ્રલયની અગન છે.

 10. Himanshu Trivedi says:

  Very good Ghazalkar and a very good person. Was privileged to meet him personally and hear some of the Ghazals “live” in the Court premises in Ahmedabad. May the Almighty bless him with a long and healthy life.

  Rahasyo Na Padadao Fadi To Jo…Khuda Chhe Ke Nahi Haak Mari To Jo…

  Waah Jalansahab waah.

 11. Ullas Oza says:

  જલન માતરી સાહેબને જન્મદિન મુબારક.
  સુંદર ગઝલ ઘણુ કહી જાય છે.

 12. કવિશ્રીને વર્ષગાંઠની શુભકામનાઓ..

  સુંદર મિજાજસભર ગઝલ…

 13. vajesinh says:

  દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
  હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

  દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
  ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.

  માતરીસાહેબને જન્મદિનની મુબારકબાદી. એમની આ બહુ પ્રખ્યાત ગઝલ જ્યારે જ્યારે વાંચું ત્યારે ત્યારે તરોતાજા લાગે છે. માતરીસાહેબને સલામ।

 14. Hemansu says:

  હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
  જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

  Very nice Gazal !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *