ન થયા – રમેશ પારેખ

આજે કવિ શ્રી રમેશ પારેખની પૂણ્યતિથિ… એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ ગઝલ, એમના પોતાના સ્વરમાં… અને હા, કવિ શ્રી ને થોડા વધુ નજીકથી ઓળખવાનો આ મોકો ચુકશો નહીં – http://www.rameshparekh.in/

રમેશ પારેખ કંઇક ભાળી ગયેલો કવિ હતો. પ્રેમના માર્ગે ચાલનારો આ કવિ સતત કંઇક ખોજવામાં રત હતો. ખુદ ભીંજાઇને બીજાને ભીંજવવા મથતો એ કવિ હતો.
– મોરારિ બાપુ

રમેશ પારેખની કવિતાનો હું સનાતન ઘાયલ છું. એ હૃદય મન સરોવરનો કવિ છે અને આપણા માન-સરોવરનો અધિકારી છે. એની કલમમાંથી આખોને આખો ગીતોનો દરિયો ઊછળી આવે છે. સર્જકતાથી ફાટફાટ થતાં આ કવિનું નામ વૈપુલ્યથી અને વૈવિધ્યથી ગીત, ગઝલ અને અછાંદસ દ્વારા ઊર્મિકવિતા સાથે ગુંથાયેલું અને ગંઠાયેલું છે. સોનલ તેની કાલ્પનિક વાસ્તવિકતા છે અને વાસ્તવિક કલ્પના છે. રમેશ એ વાવાઝોડું પી ગયેલો કવિ છે.
– સુરેશ દલાલ

એને તમે ‘લયનો કામાતુર રાજવી’ કહો કે પછી ‘સર્જકતાથી ફાટફાટ થતો કવિ’ કહો, રમેશ પારેખ છેલ્લા ત્રણ દાયકા સુધી ગુજરાતી ભાષાપ્રેમીઓના હૃદય પર એકચક્રી શાસન કરનાર અનન્વય અલંકાર છે. પોતાના નામને એણે કવિતાના માધ્યમથી જેટલું ચાહ્યું છે, ભાગ્યે જ કોઈ કવિ કે લેખકે એટલું ચાહ્યું હશે. ફરક ખાલી એટલો જ કે એનો આ ‘છ અક્ષર’નો પ્રેમ આપણે સૌએ સર-આંખો પર ઊઠાવી લીધો છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. એની કવિતાના શીર્ષક તો જુઓ: ‘કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું’, ‘ઘઉંમાંથી કાંકરા વીણતા હાથનું ગીત’, ‘પત્તર ન ખાંડવાની પ્રાર્થના’, ‘મા ઝળઝળિયાજીની ગરબી’, ‘સમળી બોલે ચિલ્લીલ્લીલ્લી’, ‘વૈજયંતીમાલા અથવા ઠાકોરજીની છબીમાં’, ‘હનુમાનપુચ્છિકા’, ‘મનજી કાનજી સરવૈયા’, ‘બાબુભાઈ બાટલીવાલા’, ‘સાંઈબાબાછાપ છીંકણી વિશે’, ‘પગાયણ’, ‘હસ્તાયણ’, ‘રમેશાયણ’, ‘’પેનબાઈ ઈંડું ક્યાં મૂક્શો?’, ‘કલમને કાગળ ધાવે’ વિ…

રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા.
– વિવેક ટેલર


આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.

સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા.

તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા.

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.

આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

21 replies on “ન થયા – રમેશ પારેખ”

 1. Jeetendra Mistry says:

  ખોૂબ જ સરસ કવિત અને યોગ્ય સમય રજુઆત્…અતિ સુન્દર …મન બાગ બાગ થઇ ગયુ …

 2. સુંદર ગઝલ… છેલ્લો શેર તો બેમિસાલ… કવિશ્રીના પોતાના અવાજમાં આખી ગઝલ સાંભળવાની મસ્તી જ કંઈ ઓર છે!!!

 3. ધોધમાર કવિ રમેશ પારેખની જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.

 4. Jayshree says:

  Abhishekbhai,

  I guess you didn’t read the post carefully…

  It’s not Ramesh Parekh’s birthday on May 17….

  He had left us on May 17, 2006….

 5. Ullas Oza says:

  રમેશ પારેખ ઍક મોટા ગજાના કવિ.
  યાદોને તાજી કરાવી.

 6. bhumika says:

  ગુજરાતી કાવ્યજગત ર્.પા જેવા કવિઓ ને કારણે જ સમ્રુધ્ધ છે … અને અમારા જેવા વાચકો એમના સદાય આભારી …

 7. Manoj says:

  Adbhoot parekh Ramesh “અપાર” “ભગવાન નો ભાગ” શુ સુન્દર વિચાર અને ભાવના છે આઆ શબ્દો મા

  http://www.rameshparekh.in/audiovideo.html

  ધનભાગ્ય મારા કે જયશ્રી બેને યાદ દેવડાવ્યુ અને રમેશ પારેખ ના શબ્દો આવે અને માવજી ભાઈ ની પરબ યાદ ના આવે કે જેમના થકી મે રમેશ પારેખ ને માણ્યા જાણ્યા અને સમજવાનો પ્ર્યતન કર્યો આજે ખાસ આભાર, માવજીભાઈ નો પણ, જયશ્રીબેન તમારી સાથે.

 8. વાહ, કવિનાં સ્વરમાં સાંભળવાની ખૂબ જ મજા આવી…આખી ગઝલ બેમિસાલ !

 9. Jayendra Thakar says:

  આજ ફરી ધરતી ટળવળે છે કે ઍની ગોદમા ફરી રમેશ પારેખ પેદા થાય.

 10. મને ખ્યાલ હતો કે આજે રાજકોટનું રતન આપણા સૌથી વીખુટું પડ્યું હતુ.

  નસીબ પણ કેવા આજે જ મારી સાઈટનું સર્વર ડાઉન થઈ ગયું. અને મુડ મરી ગયો..

 11. sudhir patel says:

  કવિશ્રી રમેશ પારેખને એમની પુણ્ય-તિથિ પર નત મસ્તક શ્રધ્ધાંજલી!
  આ ગઝલના છેલ્લા બે શે’ર તો અજરામર છે.
  સુધીર પટેલ.

 12. Ramesh Patel says:

  રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા.
  – વિવેક ટેલર
  ……. …… ……..

  આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
  એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

  …..
  યાદ તમારી એવી વરસી કે અમે કોરા ના રહ્યા.
  રમેશ પટેલ(આકાશદીપ)

 13. PRADEEP SHETH. BHAVNAGAR says:

  સ્વાસમાંથી એક ક્ષણ તું ના મારું દુર કર,
  ને પછી આ જાતને તું જીવવા મજબૂર કર….

  ગુજરાતી સાહિત્યના સ્વાસમાંથી ર. પા. નું નામ દૂર કરીયે તો ?
  સાહિત્ય ને તથા સાહિત્યપ્રેમિને જીવવા મજબુર થવુ પડે……

  રમેશ પારેખ એટલે, રમેશ પારેખ, એટલે રમેશ પારેખ જ…..

 14. PRADEEP SHETH. BHAVNAGAR says:

  સ્વાસમાંથી એક ક્ષણ તું નામ મારું દુર કર,

 15. Prabuddh says:

  ર.પા.વગરની ચાર વસંત ને ચાર ચોમાસા !
  ગુજરાતી કવિતાને કેટલુ એકલું લાગતું હશે !!

 16. વાહ્…..

  આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
  એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

 17. raksha says:

  વરસાદનિ કવિતાઓ ર.પારેખે અઢળક આપિ. જાણે દાદાગિરિ.ને બધિ જ એટલિ સુન્દર્. આભાર આ કવિતા માટે.

 18. પિયુષ એમ. સરડવા says:

  આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
  એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
  આ ખૂબ સરસ શેર છે.

 19. સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
  બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.

  આવા મર્મ સ્પર્શી ગઝલ ના સર્જક શ્રી રમેશ પારેખ ને ભાવ પૂર્વક શ્રધ્ધાનજલી.

 20. Kinjal MAkwana says:

  અદભુત !સુંદર… મઝા આવિ ગઈ…. આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ, એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા… બહુ જ સરસ રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *