ચલો આંગણામાં મનાવીએ – ગૌરાંગ ઠાકર

Female Cuckoo
(જરા ઝાડ જીવતું રાખજો……       …….૧૫-૦૪-૨૦૦૯)

(Photo: Dr. Vivek Tailor)

* * * * *

તમે વ્હાલ ઘરની દીવાલમાં, અમે બારસાખનાં તોરણો,
ચલો આંગણામાં મનાવીએ, હવે હેત–હૂંફનાં અવસરો.

હું તો માત્ર શ્વેત લકીર ને, તમે સાત રંગનો સાથિયો,
હું ભળી શકું બધા રંગમાં, મને બેઉ હાથે મિલાવજો.

ભલે જાય સૂર્ય કિરણ લઇ, તમે બાગથી ન જશો પ્રિયે,
હું તો રાતરાણીનું ફૂલ છું, તમે બસ સવાર સુધી રહો.

મને કોયલો એ કહી ગઈ, અમે રોજ આવી ટહુકશું.
તમે આસપાસ કમાડની, જરા ઝાડ જીવતું રાખજો.

હતું મૂલ્ય સ્વપ્નનું એટલું, અમે પાઇ પાઇ ચુકાવી છે.
અમે આંખ આંસુથી ધોઈ છે, કીધો બંધ આંખે ઉજાગરો

– ગૌરાંગ ઠાકર

7 replies on “ચલો આંગણામાં મનાવીએ – ગૌરાંગ ઠાકર”

  1. સુંદર ગઝલ! બીજો શે’ર કાબિલે-દાદ છે!
    સુધીર પટેલ.

  2. વાહ શું અનોખો છંદ, ચાલ અને રવાની! આછા અણસાર આપતા કલ્પનોથી આ ગઝલ નવી ભાત પાડે છે. આ ગઝલ વાંચીને ગનીચાચાની યાદ આવ્યા વગર રહે?

  3. સરસ ગઝલ ને છેલ્લો શેર લાજવાબ છે….અભિનદન….

  4. સરસ ગઝલ…
    ખાસ તો …હુ તો માત્ર સ્વેત લકીર..

  5. મને કોયલો એ કહી ગઈ, અમે રોજ આવી ટહુકશું.
    તમે આસપાસ કમાડની, જરા ઝાડ જીવતું રાખજો.

    વાહ.. મસ્ત ગઝલ

Leave a Reply to Pancham Shukla Cancel reply

Your email address will not be published. Required fields are marked *