જિંદગી – વેણીભાઇ પુરોહિત

લગભગ 4 મહિના પહેલા ટહુકો પર આ ગઝલ રજુ કરી હતી, ત્યારે ખબર ન હતી કે બીજા પણ 4 શેર છે એમાં. આજે માણો આ સુંદર ગઝલ સંપૂર્ણ સ્વરૂપે. જો કે ગઝલ એવી સરસ છે કે ફરી ફરી વાંચવી ગમશે જ.

જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી
ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

જોઇ લેવું આપણે, જોનારને પણ છૂટ છે
આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી

ભાનભૂલી વેદનાઓ વલૂરી નાખવી
જ્વાલા ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી

જામમાં રેડાય તેને પી જવાનું હોય છે
ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી

કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું
થોડુંક રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી

ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન
જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી

એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઇ
ફૂંક સૂરીલી અને બંસી બેસૂરી રાખવી

બાજ થઇને ઘૂમવું અંદાજની ઊંચાઇ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી

————————–
* દડમજલ – અટક્યા વગરની સફર,
* ફિતૂરી – બળવાખોર,
* ઘૂરી = એકાએક વિચાર આવતાં આવતો આવેશ કે ઊભરો, એવો જુસ્સો કે ઉત્સાહ. ઉધામો, તરંગ
* તાસીર = ખાસિયત, ટેવ, સ્વભાવ

10 replies on “જિંદગી – વેણીભાઇ પુરોહિત”

  1. રાધિકા , આ સોન્ગ “નસિબ નિ બલિહારિ” મુવિ નુ છે.

  2. tamari pase aa geet ni audio chhe? “savario re maro savario hu to khobo mangu ne dai de dario” mane ena lekhak, ke biji kasi j mahiti nathi..hu tamara jawab ni rah joish. radhika

  3. આ ગઝલ વારંવાર વાંચવાનું મન થાય છે,
    રાત-દિવસને તો પૂરા થવાનું હોય છે,
    વાત ને મુલાકાત ‘અવિ’ અધૂરી રાખવી.
    આભાર

  4. આ ગઝલના બે શેર જ મને ખબર હતા અને એ બંને મારા ઓલટાઈમ ફેવરીટ રહ્યા છે. મુક્તકની જેમ હું એ બે શેર સાથે જ લલકારતો રહું છું અને જ્યારે અંદરથી ઢીલાશ અનુભવું છું ત્યારે મોટેથી અંદર જ લલકારું છું અને પુનર્ચેતના પામું છું. વાત ઈશ્કની છે પણ ગઝલનો અંદાજ-એ-બયાઁ એટલો પ્રબળ છે કે મડદામાં જાન લાવી દે. પણ એ બીજો બીજો શેર ક્યાં ગયો?

    જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
    થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

    બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,

    ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.

  5. ફાંકડી ગઝલ
    ઓડિયો મળી શકે જયશ્રી?
    આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *