મનોજ પર્વ ૦૫ : કોઈ કહેતું નથી

‘મનોજ પર્વ’ – ર માં જ્યારે એમની અષાઢ ગઝલ પ્રસ્તુત કરી’તી ત્યારે કહ્યું હતું ને કે પહેલા વસંત પછી અષાઢ.. અને વચ્ચે આવતા ઉનાળાની વાત પછી ક્યારેય..!! તો આજે એ જ ઉનાળાની વાત..

ખરેખર તો આખી ગઝલ નહીં, પરંતુ ફક્ત પહેલો શેર ઉનાળાને લગતો છે..! અને ગુજરાતી ગઝલમાં જ્યાં ગુલમ્હોરની વાત આવે ત્યાં આ શેરનો ઉલ્લેખ ના હોય એવું ભાગ્યેજ બને, એટલો પ્રચલિત છે આ શેર..!

તો સાંભળીયે શ્યામલ-સૌમિલની જોડી પાસે આ ગઝલ.. અને સાથે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં આસ્વાદ..!

સ્વર – સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી

This text will be replaced

.

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પૂછું છું બારને-બારીને-ભીંતને
લાલ નળિયા-છજાં-ને વળી ગોખને-
રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો
મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી
જરઝવેરાત સહુ એમનું એમ છે;
તે છતાં લાગતું સઘળું લૂંટી અને
ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

સાવ સૂની બપોરે ઘડી આવીને
એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક
શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં
ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયા
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ
ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

જિંદગીના રૂપાળા ચહેરા ઉપર
ઉઝરડા ઉઝરડા સેંકડો ઉજરડા
કોણ છાના પગે આવી મારી ગયું
ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પાછલી રાતની ખટઘડી એ હજી
એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-
ઝૂલણા છંદમાં નિત પલળતો
પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ એ કરાવેલા આ ગઝલના આસ્વાદની એક ઝલક :

જે વહી ગયું છે, પ્રાયઃ લુપ્ત થઇ ચૂક્યું છે તે વ્યતીત વર્તમાન ક્ષણે પણ એવું એવું તાજું, એવું ને એવું જીવતુંજાગતું કેમ અનુભવાતું નથી એવિ તીવ્ર પ્રશ્ન કાવ્યાનુભવરૂપે પ્રગટ થાય ને આપણે ક્વચિત્ અન્યને ક્વચિત્ સ્વને પૂછીએ કે ક્યાં ગયું એ બધું? કશો જ ઉત્તર ન મળે પૂછતાં જ રહીએ છતાં. તો પ્રશ્નની અન્-ઉત્તરતા અવશભાવે સ્વીકારીએ ને કહીએ – ‘કોઇ કહેતું નથી !’

લાલઘૂમ તાપમાં મ્હોરતો ગુલમ્હોર, જે મસ્તીનો તોર તે બીજા શેરમાં રાત દિ’ ટોડલે બેસી ગ્હેકતા મોરમાં રૂપાંતરિત થઇ, બારી, બાર, ભીંત, લાલ નળિયાં, છજાં તથા ગોખને પૂછવા પ્રેરે છે – ક્યાં ગયો તે મોર? ને કોઇ કહેતું નથી. ગુલમ્હોરનું ચક્ષુરમ્ય છતાં અગતિશીલ પ્રતિરૂપ ગતિશીલ ચારુતાના વધુ જીવંત પ્રતિરૂપ મોરમાં પ્રગટ થાય છે. પેલો ક્યાં ગ્યોનો મૂળ પ્રશ્ન છ છ પદાર્થોને પુછાઇને, ઘૂંટાતો ઘૂંટાતો વધુ વ્યાપક તથા બહુપરિમાણી બને છે.

છ શેર સુધી ઘૂંટાતું ભાવસંવેદન ગઝલના અંતિમ શેરમાં સ્વયં કવિએ પણ પ્રથમથી ન કલ્પ્યું હોય એવું અપૂર્વ રૂપ ધારણ કરી પ્રશ્નમાલિકાના ચરમ પ્રશ્નમાં વિરમે છે. અહીં પ્રાસ તરીકે પ્રયોજાય છે સમયવાચક પ્હોર, પ્રથમ પ્હોર. તે પણ ‘ઝૂલણા છંદમાં નીત પલળતો’ તે. સમયચક્ર તો નિત્યની જેમ ચાલ્યા કરે છે. ‘પાછલી રાતની ખટઘડી’ એ જ ને એવી જ છે હજી. અહીં કૃતિમાં પ્રથમ વાર જ સ્થળવિષેશનો નિર્દેશ થયો, ‘એ તળેટી અને દામોદર કુંડ પણ – ‘ને છતાં નરસિંહના પ્રભાતિયાથી નિત પરિપ્લાવિત થતો પ્રથમ પ્હોર ક્યાં ગયો તે પ્રશ્નના ઉત્તરમાં કોઇ કંઇ જ કહેતું નથી.

આ ગઝલ માત્ર મનોજની ગઝલમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી ગઝલપ્રવાહમાં મહત્વનું અને માતબર સ્થાન ધરાવે છે. નિઃશેષપણે કશુંક જતું રહ્યાંના, કાળગ્રસ્ત થયાંના અવસાદને અનેક રીતે ઘૂંટતી અને અંતે તો એક પ્રકારની નિર્ભાતિમાં નિર્વહણ પામતી આ ગઝલ આપણી ગઝલનું એક કાયમી કંઠાભરણ બની રહેવા સર્જાયેલી ગઝલ છે.

15 replies on “મનોજ પર્વ ૦૫ : કોઈ કહેતું નથી”

 1. બહુ સરસ રચના છે.
  અસ્વાદ પણ સરસ છે.ઘણા પ્રશ્નો હોય છે,જવાબ મળતા નથી હોતા,
  સમય વહી જાય છે ,યાદો રહી જાય છે.

 2. neetakotecha says:

  જિંદગીના રૂપાળા ચહેરા ઉપર
  ઉઝરડા ઉઝરડા સેંકડો ઉજરડા
  કોણ છાના પગે આવી મારી ગયું
  ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

  આપણા જેને કહીયે એ જ મારતા હોય.ને આપણને ખબર પણ ના પડે…

 3. neetakotecha says:

  મરો કહેવનો મતલબ છે કે આપણે જેને પોતાના માનતા હોઈયે એ જ ઉજરડા
  પાડતા હોય છે અને આપણને ખબર પણ પડતી નથી…

 4. Vijay Bhatt( Los Angeles) says:

  આગ તો અપ્ને હી લગાતે હૈ…
  ઓઉરો તો સીર્ફ ્ હ્વા દેતે હૈ…..

 5. Pradip Bhatt says:

  સરસ..

  વર્ર્શા-રાનિના રાજમા લિલ્લોચમ થઇ રહેતો
  ઓલો કાચિન્દો ક્યારે પિલ્લો-પત્તાક થયો ને
  પિલ્લા પાનોમા ..તે ક્યા ગયો કોઇ કેહ્તુ નથિ

 6. મનોઅજભાઈની એક ઉત્કૃષ્ટ રચના… આસ્વાદ પણ એવો જ સરસ..

 7. Kamlesh says:

  સાવ સૂની બપોરે ઘડી આવીને
  એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
  આંખમાં આંસુ આંજી અચાનક
  શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું ન

  સરસ..બહુ સરસ રચના

 8. મનોજ ભાઈ ની ગઝલ જેટલી વાર વાચી છે ત્યારે નવી જ લાગી છે,મનોજ ની કલમ થકી ગુજરાતી ગઝલ ઉજળી બની છે, કદાચ મનોજે ‘અચાનક ‘ગીત ગઝલ સગ્રહ બાદ કઈ ન લખ્યુ હોત તો પણ આજ જેટ્લા અમર છે એટલા જ અમર હોત એ બાબતમા કોઈ બે મત નથી, મનોજ જેવો શકિત શાળી કવી યુગમા એકાદ જ પેદા થાય છે…

 9. Maheshchandra Naik says:

  સરસ શબ્દો એટલે જ મનોજભાઈ!!!!!

 10. sapana says:

  સાવ સૂની બપોરે ઘડી આવીને
  એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
  આંખમાં આંસુ આંજી અચાનક
  શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

  વાહ્. વાહ બસ વાહ

  સપના

 11. M.D.Gandhi,U.S.A. says:

  લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
  તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
  આ નગરની વચોવચ હતો એક
  ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

  સરસ મજાનું ગીત છે.

 12. varsha says:

  સરસ ગિત ચે ….ખોવાયેલા કદિ મલતા નથિ યાદ આવેચે બસ ખુસિ કે ગમ બનિ ને રસતા કદિ કોઇના સથિ બન્તા નથિ બે કિનારા કદિ મલતાનથિ

 13. D. T. PATEL says:

  બહુ સરસ

 14. Dhiren Avashia says:

  ગુલ મહોર ખોવાયો કે મનોજ…? રસાસ્વાદ માટે બાપુને અભિનંદન..

 15. વાહ મજા મજા. અદભૂત શબ્દો અને એવું જ સ્વરાંકન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *