આખા નગરની જલતી દીવાલોને… – મુકુલ ચોક્સી

Updated on September 27, 2010 – by Jayshree

April 2009 માં વિવેકના શબ્દોમાં એક ફિલ્મની કથા જેટલી Interesting વાત સાથે રજૂ થયેલ આ Lost and Found – મુકુલભાઇની ગઝલ – અને સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇનું સ્વરાંકન – આજે ફરી એકવાર સાંભળીએ..!! પણ હા – આજે સાથે એક બોનસ.. આ જ ગઝલ – કવિ શ્રી ના શબ્દોમાં પણ સાંભળીએ..!

ગઝલ પઠન – ડૉ. મુકુલ ચોક્સી

.

***************
Posted on April 29, 2009 – by Vivek

Mukul Choksi_Aakha nagar No jalti diwalo ne

(મુકુલ ચોક્સીની ગઝલ, શ્રી રાસબિહારી દેસાઈના હસ્તાક્ષરમાં)

(સ્વરાંકન તારીખ: ૦૫-૧૨-૧૯૯૯)

મનમોહન દેસાઈની ફિલ્મોની જેમ જ ખોવાયેલી કૃતિ પણ ક્યારેક જનેતા કવિનું સરનામું અદભુત ‘ક્લાઈમેક્સ’ સાથે શોધી કાઢે છે… નથી માનવું ? તો આ વાંચો…

મુકુલભાઈ એમની ગઝલો વિશે જણાવે છે કે ગઝલોનું એવું છે કે લખાતી હોય ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્ત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્ત્વની હોય છે. મુકુલભાઈ આ વાતને સો ટકા પ્રામાણિક્તાથી જીવતા આદમી છે. લખાઈ હોય ત્યારે સંઘરવાનું ચૂકી જવાયું હોય એવી મુકુલભાઈની આ અલગારીવૃત્તિની બે ઘટના અમે જાણી છે. આવી રચનાઓના ચમત્કારિક પુનર્જન્મની વાત પણ એવી જ રોચક હોય છે.

પહેલી ગઝલ હોટલ તાજ, સુરતના ગાયકે ગાઈ હતી અને મુકુલભાઈ ઊછળી પડ્યા હતા જેના વિશે વિગતે આપ લયસ્તરો પર જાણી શકો છો. અને બીજી ગઝલ આજે એક્સ્લુઝિવલી ‘ટહુકો.કોમ’ના વાચકો માટે. બે દાયકા પહેલાં લખીને ભૂલી જવાયેલ એક ગઝલ રાસબિહારી દેસાઈએ નવનીત સમર્પણના એક અંકમાં વાંચી હતી અને ડાયરીમાં ટપકાવી લીધી હતી. પાંચેક વર્ષ પહેલાં અમદાવાદ ખાતે ‘સમન્વય’ કાર્યક્રમનું સંચાલન મુકુલભાઈ પોતે કરી રહ્યા હતા અને રાસબિહારી દેસાઈએ આ ગઝલ ગાવાની શરૂઆત કરી ત્યારે આફરીન પોકારીને મુકુલભાઈએ વચ્ચે જ પૂછ્યું, ઉસ્તાદ, આ કોની ગઝલ છે? રા.દે.ને લાગ્યું કે મુકુલભાઈ મજાક કરે છે એટલે એમણે પણ ગાયકીની વચ્ચે જ માઈક પર જ એલાન કર્યું કે આ મુકુલભાઈની જ જૂની ગઝલ છે અને મુકુલભાઈને પણ ખબર નથી… લોકોને વાતમાં મજા પડી પરંતુ હકીકત એ છે કે સમયની ગર્તામાં ક્યાંક ખોવાઈ ગયેલી આ ગઝલના ગેયતા અને શીઘ્ર પ્રત્યાયનક્ષમતા ધરાવતા જે ત્રણ શેર રા.દે.એ ગાયા હતા એ જ આજે મુકુલભાઈ પાસે બચ્યા છે…

પણ જયશ્રીની જમાદારી અને ફળસ્વરૂપે મારી ઉઘરાણીને વશ થઈ રા.દે.એ પોતાના હસ્તાક્ષરમાં મુકુલભાઈની આ ગઝલ મોકલાવી આપી છે એ આખી ગઝલ ટહુકો પર આજે પ્રકાશિત થયા પછી જ મુકુલભાઈને ‘સરપ્રાઈઝ’ ભેટ તરીકે આપવામાં આવશે… છે ને મનમોહન દેસાઈની ફિલ્મ જેવી ‘લૉસ્ટ એન્ડ ફાઉન્ડ’ વાત ?

ખોવાયેલી ગઝલ ક્યારેક આ રીતે પણ આવી મળે છે…

સ્વર – સંગીત : રાસબિહારી દેસાઇ

This text will be replaced

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.

28 replies on “આખા નગરની જલતી દીવાલોને… – મુકુલ ચોક્સી”

 1. અદભૂત અશઆર…

  એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
  ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

  સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
  વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

  આ બે અશઆર ખાસ ગમ્યાં …

  અને સમયની ગર્તામાં ખોવાયેલ ગઝલ આ રીતે સાંપડે એ સાચે જ રોમાંચ જન્માવતી ઘટના કહેવાય…

 2. Wow!!! આ lost and found સરપ્રાઈઝ તો ખૂબ્બ જ મજ્જાનું લાગ્યું હોં…!

  ખોવાયેલી ગઝલ કદી એવી રીતે મળે,
  જાણે ભૂલું પડેલ અચાનક સ્વજન મળે !!

  કવિને મન કદાચ સ્વયં ‘સર્જકતા’નું જેટલું મહત્ત્વ હોય છે એટલું મહત્ત્વ ‘થયેલાં સર્જન’નું ક્યારેય નથી હોતું…! અને આવા કવિ જ્યારે મુકુલભાઈ હોય તો તો વાત જ શું કરવી…!!

 3. sanju vala says:

  વિવેકભાઈ, ઘણા સમયે મુકુલભઈ ની સરસ રચન જોવા મળી. આવી રચનઓ આપતા રહેજો. મુકુલને અભિનન્દન. તમને ય.

 4. Pinki says:

  મનમોહન દેસાઈની script જેવી જ વાત….. !!

  ખોવાયેલી ગઝલ આમ પણ મળે…

  સરસ ગઝલ !!

 5. priyjan says:

  મુકુલ ભાઈની ગઝલ ખૂબ જ સરસ છે અને કેટલાક શેર સાથે અનુભવ મળે પણ છે.

  પણ સૌથી મજની વાત તો એ છે કે મને પણ મુકુલ ભાઈની જેમ મરી લખેલી ક્રુતિ કયાં હોય તેની જરા પણ ખબર ન હોય અને અચાનક હાથ લગી જય !! મારા સિવય પણ કોઈની આવી આદત છે જાણી ને અનંદ થયો !!

  સ્પ્રેમ

 6. sharvari dixit says:

  I was delighted to hear Rasbhai’s voice while reading the contents of the story. That was the first treat. The story itself, was the second treat, and the fact that Rasbhai was able to say this to the poet himself, and announce it amidst the audience is the biggest treat of all.
  Wonderful, the heart of true artists..he who creates and forgets his creation…..and he who nurtures a creation he has found, enhances it, puts life into it, and returns it back to the one who created it.
  We are the beneficiaries of such acts of divinity.

 7. Tushar says:

  How can I download Gujarati Gazal OR where can I find Gujarati Gazal CD ?

 8. Kamlesh says:

  અદભૂત. અદભૂત…

 9. Vijay Bhatt (Los Angeles) says:

  વરસો પહેલા રાસભાઈ પાસે પ્રથમ આ ગઝલ સાંભળી ત્યારે…અને આજે પણ્…ખુબ જ ગમી…

 10. સરસ ગઝલ તો ખરી જ, સાથે-સાથે ખોવાઈને જડવાની વાત વણાઈ એ પણ એટલીજ રોમાંચક રહી.
  અભિનંદન
  અને આભાર ટીમ-ટહુકોનો, સરસ કિસ્સાને સ-ગઝલ ભાવકો/વાચકો માટે પ્રસ્તુત કરવા બદલ.

 11. Bhadresh Joshi says:

  Res Jayshriben,

  Can we have ” Paratham Prabhuji Sathe Prit Na Kidhi “, ?

  Thanks,

  :: Bhadresh Joshi

 12. marmi kavi says:

  ખૂબ સરસ

 13. Jayant Shah says:

  મજા આવે તો જામે ખુબ જામ્યુ.

 14. Ullas Oza says:

  ડૉ. મુકુલભાઈની સુંદર ગઝલ તેમના અને શ્રી રાસબિહારીજીના અવાજમા સાંભળવાની મઝા આવી ગઈ.
  આભાર.

 15. dipti says:

  સરસ ગઝલ…ખોવાઈને મળવાની વાત…How romantic!!!!

  એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
  ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે..

 16. આ રીતે એક-બે ગઝલો કવિની ક્યારેક વાંચવા મળે;
  પણ થાય બહુ જ સારું જો આખેઆખો ગઝલકાર મળે.

 17. thakorbhai kabilpore navasari says:

  આ ગઝલ ખોવાય જ કઇ રીતે?

 18. Mehmood says:

  એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
  ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.
  વાઊ……અદભુત કલ્પના..Time Machine જેવી અનુભુતિ થઇ..

 19. Anila Amin says:

  ખૂબજ સરસ ગઝલ,”વન્ઠી ગયેલો ગાન્ધીજીનો વાન્દરો અને ઘડિયાળ ઊધી
  ચાલવા માડે તો આ બન્ને ઉદાહરણો ખૂબજ ગમ્યા અને ખૂબજ સરસ્.

 20. ashalata says:

  ખુબ જ સરસ ગઝલ——

 21. Anant Vyas says:

  વાહ્! રાસભાઈ નો અવાજ ઘણા વર્ષો પછી સામ્ભળયો.તમને વન્દન!મુકુલભાઈની સુન્દર ગઝલ અને રાસભાઈનુ સરસ સ્વરાન્કન અને સ્વર….લાજવાબ જ હોય!

 22. Maheshchandra Naik says:

  સરસ શબ્દો અને સરસ ગાયકી, કવિશ્રી મુકુલભાઈ, શ્રી રાસભાઈને ભિનદન અને તમારો ખાસ આભાર આવી વિસરાયેલી રચનાને અમારા સુધી લઈ આવવા બદલ, અમને તો મુકુલભાઈ અમારા ‘હુરત’ના એટ્લે વિશેષ આનંદ………

 23. pragnaju says:

  વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
  બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

  એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
  ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

  સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
  વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.
  વાહ્

 24. ruchira says:

  ખુબ મઝા આવિ. સર ફિઝિક્સ લેતા ત્યારે પન એમને સામ્ભ્લ્યા કરતા.સર નમસ્તે.

 25. kantibhai kallaiwalla says:

  One of the best Ghazals of my choice

 26. makarand musale says:

  આવી ગઝલો લોસ્ટ એન્ડ ફાઊન્ડ થાય તો જલ્સો. ઈતિહાસ મા મજા પડી.

 27. shwetang modi says:

  મુકુલ કાકા અદભુત….. મારી પ્રિય રચના છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *