
પ્રભુ, મારી અંધારી રાત્યું ને દેજો તારલા જી,
મારી અંજવાળી રાતડીને ચાંદ,
કે ઊજળા દિનોને દેજો ભાણ જી.
પ્રભુ, મારી ફોરમને દેજો એનાં ફૂલડાં જી,
મારા વગડાને દેજો એનાં ઝાડ,
કે ધરંતીને દેજો એનાં આભ જી.
પ્રભુ, મારી ચણને દેજો રે ચણનાર જી,
મારાં પાણીડાંને દેજો એના તીર,
કે સમદરને દેજો એના લોઢ જી.
પ્રભુ, મારા આંગણાંને દેજો એનાં બાળુડાં જી,
મારા ગોંદરાને દેજો રે તળાવ,
કે ગાવડીને દેજો એના દૂધ જી.
આજે ગુજરાતી સારસ્વત પરિચય બ્લોગ ઉપર 100માં સારસ્વત તરીકે કવિ શ્રી સુંદરમ્ ની જીવનઝાંખી મૂકાઇ છે.



September 21st, 2006 at 1:53 pm
[...] # પ્રભુ દેજો : ત્રિપદીઓ [...]