તલવારનો વારસદાર – ઝવેરચંદ મેઘાણી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મજયંતી, ૨૮ ઑગસ્ટ ૨૦૧૨ ના અવસર એ એમનું આ ગીત….

સ્વર : અભેસિંહ રાઠોડ,રાધા વ્યાસ

.

ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે છે

મારા બાપુને બહેન બે બે કુંવરિયા
બે વચ્ચે પાડ્યા છે ભાગ
હાં રે બેની બે વચ્ચે પાડ્યા છે ભાગ
વીરાજી કેરી ભેટે ઝૂલે રે

મોટે માગી છે મો’લ મ્હેલાતો વાડિયો
નાને માગી છે તલવાર
મોટો મહાલે છે મો’લ મેડીની સાયબી
નાનો ખેલે છે શિકાર

મોટો ચડિયો છે કંઈ હાથી અંબાડિયે
નાનેરો ઘોડે અસવાર
મોટો કઢે છે રોજ કાવા કસૂંબલા
નાનેરો ઘૂમે ઘમસાણ

મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે
નાનો ડુંગરડાની ધાર
મોટો મઢાવે વેઢ વીંટી ને હારલાં
નાનો સજાવે તલવાર

મોટાને સોહે હીર-જરિયાની આંગડી
નાનાને ગેંડાની ઢાલ
મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર

મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં
નાનેરો ઝીંકે છે ઘાવ
મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો
નાનેરો સૂતો સંગ્રામ

મોટે રે માડી તારી કુખો લજાવી
નાને ઉજાળ્યા અવતાર
મોટાના મોત ચાર ડાઘુએ જાણિયાં
નાનાની ખાંભી પૂજાય

ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે છે

– ઝવેરચંદ મેઘાણી

14 replies on “તલવારનો વારસદાર – ઝવેરચંદ મેઘાણી”

  1. નાનપણ મ અને સ્કુલ ના દિવસો યાદ આવી ગયા .

  2. એકદમ મસ્ત અને સરસ કવિતા.. નાનપણ યાદ અપાવ્યું.

  3. આ કવિતા તો છઠા ધોરણ્મા હતી ત્યારે મોઢે કરેલી!

  4. ભેટે ઝુલેછે તલવાર આ કવિતા નિશાળમા હતા ત્યારે પાઠ્યપુસ્તકમા હતી.એશઆરામી મોટો ભાઈ અનેકર્મશીલ નાનાભાઈ વચેનો વિરોધ સરસ રજુ થયો છે.

  5. શ્રી મેઘાણીનું અતિ સુંદર અને પ્રખ્યાત કાવ્ય.

  6. જિન્દગેીનો જોમ્-જુસ્સો મેઘાનિ જ આન્ખો સમક્શ લાવે અને બલ આપે.

    એક ગેીત સમ્ભલાવશો?

    પાન્દદુ ખર્યુ ને ઝાદ રહ રહ રુવે…રસિક્ભાઈ ભોજકે કમ્પોઝ કર્યુ ,શાયદ ગાયુ પણ છે.

  7. થાય ચૈતન્યનો ચમત્કાર તો કરું કવિને અર્પણ…

    હીરાનો પારખનાર મળે સાચો જો ઝવેરી
    નવા નગરનું નિર્માણ અહીં તો થાય રૂપેરી
    પ્રાર્થના ને ધૈર્ય ભરી સાધના એ ઉડવા મળ્યું આકાશ
    આવેશ ને આતશ માં ભળે બુધ્ધિનો સરવાળો
    સંગંત ના સુફળે અહીં થાય સ્વપ્ન સિધ્ધિ
    અટ્પટાં સવાલોના જડબાંતોડ જવાબોમાં
    પાલખી માં બેસી ને આવી જો વાધણ…
    ત્યાગની ઉત્કટ ભાવના ને કપરું કર્તવ્યપાલન
    અનોખી મળે સજા સૌજન્યની કરે સુરક્ષા
    કલમ કિતાબ ને કારાવાસે વસે નિર્ભય નરવીર
    ઇન્સાફે પરોપકારનું પ્રદર્શન તો ન હોય
    સ્વદેશ સ્વાધિનતા જ સર્વોત્તમ સંપત્તિ
    સ્વાશ્રયનો સબક દેખાડી લૈ ભાષાની ખુમારી
    કવિતાનું કૌવત લઈ કર અનોખો કરિયાવર
    ગરવી ગુરૂદક્ષિણા જ સહાનુભુતિની સરવાણી
    સાહિત્ય સેવાના વ્રતધારી ને દંઉ પ્રસંશાની પુષ્પાંજલિ
    —-રેખા શુક્લ ….રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મજયંતી, ૨૮ ઑગસ્ટ ૨૦૧૨ ના અવસર પર મારુ આ કાવ્ય અભિનંદન સાથે રજુ કરુ છું…!!

  8. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી ને કોટિ કોટિ વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *