પલળીએ ચાલ ! – વિજય રાજ્યગુરુ

અમારા Bay Area (California) માં આજકલ મેઘરાજાએ મહેર કરી છે… આપણા દેશ જેવો ધમધોખાર વરસાદ તો નથી, પણ ધીરે ધીરે (અને ખૂબ ઠંડી લગાડતો) વરસાદ આખરે આવ્યો ખરો… તો એ જ ખુશીમાં આજે આ એક મઝાનું વરસાદી ગીત…

(ઘૂમરાતા વાદળ…. Grand Canyon, Arizona – Aug 31, 2008)

* * * * *

બળબળતી ધરતી થઇ પળમાં જળથી માલામાલ !
ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ !

જળ ખોબામાં, ખોબો જળમાં, જળમાં જળ લ્હેરાય
સાત વરસનું ચોમાસું લ્યો છલક છલક છલકાય
નેહ આભનો વરસે છે થઇ ફોરો ફોરો ફાલ !
પલળીએ ચાલ !
ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ !

અરસ પરસની આંખોમાં વાદળ ઘૂમરાતાં હોય
અરસ-પરસની હેલીમાં હૈયાં ભીંજાતા હોય
કોણ વધુ ભીંજાણું? મનમાં ઊઠે એક સવાલ !
પલળીએ ચાલ !
ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ !

આવ, હાથ લંબાવ, છટાથી મેઘાને બોલાવ
આંખોથી વીજળી ચમકાવી હોઠ જરા મલકાવ
મેઘો મત્ત બની જાશે ચૂમીને તારા ગાલ !
પલળીએ ચાલ !
ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ !

એક છલોછલ ચોમાસું ને બીજી તારી કાય
કોણ કેટલું વરસ્યું એનું તારણ કેમ કઢાય?
કોસ ગયો તૂટી કે ફૂટી ગઇ છે આજ પખાલ?
પલળીએ ચાલ !
ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ !

2 replies on “પલળીએ ચાલ ! – વિજય રાજ્યગુરુ”

  1. મજાનું વરસાદી ગીત… વંચાતુ નથી, સીધું ગવાઈ જ જાય છે… અને ગાતા ગાતા પલળવાનું મન થઈ ગયું પણ અહીં અમારા ધોળા વરસાદમાં તો પલળવાનો વિચાર સુદ્ધાં નઈ કરાય…! 🙂

  2. mukesh parikh says:

    બહુ જ સરસ ગીત. આવતીકાલે અહિયાં હિમવર્ષા (૩”-૬”) ની આગાહી છે. સમય ને અનુરૂપ ગીત. ઊર્મિ એ લખ્યુ છે તેમ પલાળી દીધા…

    ‘મુકેશ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *