અમારા Bay Area (California) માં આજકલ મેઘરાજાએ મહેર કરી છે… આપણા દેશ જેવો ધમધોખાર વરસાદ તો નથી, પણ ધીરે ધીરે (અને ખૂબ ઠંડી લગાડતો) વરસાદ આખરે આવ્યો ખરો… તો એ જ ખુશીમાં આજે આ એક મઝાનું વરસાદી ગીત…
(ઘૂમરાતા વાદળ…. Grand Canyon, Arizona – Aug 31, 2008)
* * * * *
બળબળતી ધરતી થઇ પળમાં જળથી માલામાલ !
ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ !
જળ ખોબામાં, ખોબો જળમાં, જળમાં જળ લ્હેરાય
સાત વરસનું ચોમાસું લ્યો છલક છલક છલકાય
નેહ આભનો વરસે છે થઇ ફોરો ફોરો ફાલ !
પલળીએ ચાલ !
ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ !
અરસ પરસની આંખોમાં વાદળ ઘૂમરાતાં હોય
અરસ-પરસની હેલીમાં હૈયાં ભીંજાતા હોય
કોણ વધુ ભીંજાણું? મનમાં ઊઠે એક સવાલ !
પલળીએ ચાલ !
ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ !
આવ, હાથ લંબાવ, છટાથી મેઘાને બોલાવ
આંખોથી વીજળી ચમકાવી હોઠ જરા મલકાવ
મેઘો મત્ત બની જાશે ચૂમીને તારા ગાલ !
પલળીએ ચાલ !
ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ !
એક છલોછલ ચોમાસું ને બીજી તારી કાય
કોણ કેટલું વરસ્યું એનું તારણ કેમ કઢાય?
કોસ ગયો તૂટી કે ફૂટી ગઇ છે આજ પખાલ?
પલળીએ ચાલ !
ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ !