ગ્લૉબલ કવિતા : ૧૯૦ : સ્પર્શવિલાસ – વીરુ પુરોહિત

હજારો અળસિયાં નીકળી જમીનથી જાણે,
ફૂલોની જાજમે આળોટી રહી સુખ માણે!
હતી લજામણી; પણ સ્પર્શસુખે ખૂલી’તી,
હું એ ઉન્માદી અવસ્થામાં ભાન ભૂલી’તી..
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

નદીમાં છું અને મત્સ્યો કરે છે ગલગલિયાં,
કે મારી ભીતરે શિશુઓ કરે છે છબછબિયાં!?
ફરે છે બેઉ હથેળીનાં મૃદુ પોલાણે –
ફફડતું ચકલીનું બચ્ચું કે હૃદય; તું જાણે!
આવી અસમંજસે હું ઊભી’તી…
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

મને તો થાય છે અંગૂરનાં ઝૂમખાં શી લચું;
કહે તો સ્પર્શ પર તારા, હું મહાકાવ્ય રચું!
‘કુમારસંભવમ્’ પેટારે પૂરી તાળું દે!
બધા ભૂલી જશે ‘વસંતવિલાસ’ ફાગુને!
હું એવા તોરમાં વળુંભી’તી…
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

નથી વાળી શકાતું મનને બીજી કોઈ વાતે;
સ્મરું છું એ ક્ષણો હું જ્યારે મુગ્ધ એકાંતે–
ઊઠી રહી છે તારી મ્હેક મારાં અંગોથી,
‘ને સતત ભીતરે ઘેરૈયા રમે રંગોથી!
હું પછી ઉત્સવ બની ચૂકી’તી…
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

– વીરુ પુરોહિત

પ્રથમ ચુંબન… પ્રથમ સ્પર્શ… પ્રથમનો જાદુ…

પ્રથમ ચુંબન! શબ્દદ્વય સાંભળતાંવેંત જ શરીર આખામાં એક અજબ સિહરન ફરી વળે છે. પહેલા ચુંબનની અનુભૂતિ કોને યાદ ન હોય? હજારો ચુંબનો, આલિંગનો અને સંવનન ભેગાં મળીને પણ પ્રથમ ચુંબનના રોમાંચને ઝાંખો નથી કરી શકતાં. પ્રથમ એ પ્રથમ. પ્રથમની તો વાત જ ન્યારી… પ્રથમ બધામાં સરતાજ. પ્રથમનું પુનરાવર્તન કદી સંભવ બનતું નથી, અને એટલે જ કવિઓ પ્રથમ ચુંબનના ગીતો ગાતા થાકતા નથી. વીરુ પુરોહિતનું આ ગીત પણ આવા જ અનનુભૂતાનુભવની વાત લઈ આવ્યું છે.

‘સ્પર્શવિલાસ’ શીર્ષક વાંચતાં જ શૃંગારરસના ફુવારામાં ભીંજાવાની મનોકામના થાય. પણ ગીત માત્ર સ્પર્શસુખમાં વિલસવા માટેનું નથી. ગીતમાં કાલિદાસના ‘કુમારસંભવમ્’ની સાથે ‘વસંતવિલાસ’ નામના ફાગુ કાવ્યનો પણ ઉલ્લેખ છે. આશરે પંદરમી સદીના મધ્યકાલીન ગુજરાતમાં કોઈક અજ્ઞાત કવિ કે જનસમૂહના હાથે રચાયેલ ‘વસંતવિલાસ’ નામક ફાગુકાવ્ય વસંતઋતુ આવતાં પિયુપ્રતીક્ષામાં રત પ્રોષિતભર્તૃકાની પીડા, પ્રિયતમના આગમન અને ઉભયના મિલનના વર્ણનનું કાવ્ય છે. કવિએ ‘વસંતવિલાસ’ને નજર સમક્ષ રાખીને સ્પર્શ અને પ્રથમ ચુંબનની સમીક્ષા કરતા આ ગીતનું શીર્ષક ‘સ્પર્શવિલાસ’ આપ્યું છે, જે યથોચિત કવિકર્મની સાહેદી પુરાવે છે.

ગુજરાતીમાં પ્રમાણમાં જૂજ ખેડાતા નઝમ કાવ્યસ્વરૂપ પર કવિએ પસંદગીનો કળશ ઢોળ્યો છે. ચાર-ચાર પંક્તિના ચાર બંધ અને ધ્રુવપદ સાથે સાંકળી રચતી ટૂકવાળી ઈમારત ચણવા માટે કવિએ અ-અ-બ-બ પ્રકારે ચુસ્ત (‘તાળું દે/ ફાગુને’ ને બાદ કરતાં) પ્રાસાવલિની ઈંટો વાપરી છે. ચારેય બંધની તમામ કડીઓમાં કવિએ ‘લગા લગા લલગાગા લગા લગા ગાગા/લલગા’ બહર પ્રયોજી છે અને ટૂકની કડીઓમાં ગાલગા ગાલલગા ગાગાગા બહર વાપરી છે. કવિ જો કે પ્રાસમાં દાખવ્યું છે એવું ચુસ્ત વલણ છંદની બાબતમાં દાખવ્યું નથી એટલે ઘણી જગ્યાએ છંદ કાચો પડતો જણાય છે. મુખબંધને બાદ કરતાં ટૂકની ત્રણેય કડીઓમાં છંદ અલગ-અલગ નજરે ચડે છે. નઝમ જો કે ગઝલ કરતાં ગીતની વધુ નજીકનો કાવ્યપ્રકાર હોવાથી છંદ કરતાં લય અહીં વધુ મહત્ત્વનો ગણાય અને કાવ્યપાઠ કરતાં લય ખોટકાતો અનુભવાતો ન હોવાથી કૃતિની પ્રવાહિતા જોખમાતી જણાતી નથી.

આપણી ભાષામાં ઉત્તમ કહી શકાય એવી નઝમ ઓછી જ જડે છે. એમાંય આ કવિતા તો સાવ અલગ તરી આવે છે. પ્રથમ ચુંબનનો આવેગ જેમણે પૂર્ણતયા માણ્યો હશે એવા ભાવકોને તો આ કવિતા વાંચવી શરૂ કરતાવેંત શરીરમાં અજબ રણઝણાટી શરૂ થતી અનુભવાશે, જે કવિતા પત્યા બાદ પણ ક્યાંય સુધી ચાલુ રહેશે… માય ગૉડ! ઉમાશંકરના ‘ક્યાં છે કવિતા’ સવાલનો શાશ્વત ઉત્તર બની શકે એવી આ કૃતિ છે. આશ્ચર્ય થાય, પણ આવી મજાની નઝમ આપનાર કવિની કારકિર્દીની શરૂઆત ગઝલોથી થઈ હતી. ૧૩ ઑગસ્ટ, ૧૯૬૮ની રાત્રે વિશળવાવ પોલિસ ચોકીની સામે થાંભલા નીચે સિગારેટના ખુલ્લાં ખોખાં ઉપર શ્યામ સાધુએ કવિને ગઝલસ્વરૂપ બાબત શિક્ષણ આપ્યું હતું. બીજા જ દિવસે કવિએ મજાની ગઝલ રચીને એમની પાસેથી દાદ પણ મેળવી. પરંતુ ગઝલથી શરૂ થયેલી સર્જનયાત્રા કવિની જાણ બહાર ગીત તરફ વળી ગઈ. આજે એમની પ્રમુખ ઓળખ ગીતકવિ અને હાલ, ઉદ્ધવગીતોના કવિ તરીકે પ્રસ્થાપિત થઈ છે.

પ્રથમ ચુંબનની અનુભૂતિના સેંકડો કાવ્યોમાં સર્વોપરિ સિદ્ધ થાય એવું સર્વાંગસંપૂર્ણ આ કાવ્ય છે. પુરુષ કવિએ પ્રથમ ચુંબનનો ઓચ્છવ માણી રહેલી નાયિકાના સ્ત્રીગત મનોભાવો આત્મકથનાત્મક શૈલીમાં આબાદ ઝીલ્યા છે. પરકાયાપ્રવેશ વિના સૂક્ષ્માતિસૂક્ષ્મ નારીસંવેદનોને આમ આકારવું શક્ય જ ન બને. પ્રિયતમે નાયિકાને પહેલવહેલીવાર ચૂમી છે, પણ એનો નશો કડીએ-કડીએ શબ્દે-શબ્દે અસ્ખલિત છલકાઈ રહ્યો છે. સાવ અળસિયાં જેવા તુચ્છ જીવથી શરૂ થતી અભિવ્યક્તિ ક્યાં-ક્યાં જઈને ઉત્સવની કક્ષાએ પહોંચે છે એ ખાસ જોવા જેવું છે. ક્યારના જમીનની અંદર સંતાઈ રહેલાં હજારો અળસિયાં અચાનક એકીસાથે બહાર આવીને ફૂલોની રેશમી જાજમ પર આળોટવાનું સુખ માણી રહ્યાં હોવાની વાતથી નઝમની શરૂઆત થાય છે. સામાન્યરીતે વરસાદની ઋતુમાં દર પાણીથી ભરાઈ જતાં શ્વાસ લેવા માટે અળસિયાં સેંકડો-હજારોના ઝુડમાં જમીનમાંથી એકસાથે બહાર આવે છે. એકમેક પર આળોટી, ચડી-ઊતરી પુનઃ જમીનમાં પોતાનો માર્ગ કરવા અંધાધુંધી મચાવતા ઢગલેબંધ અળસિયાંઓની સમૂહરમત જેમણે જોઈ હોય એ જ આ અનુભૂતિ સાચા અર્થમાં સમજી શકે. પણ આ જમીન પર તો ફૂલોની જાજમ પથરાયેલી છે. મતલબ, એવો પ્રબળ, આકસ્મિક અને અભૂતપૂર્વ રોમાંચ થયો છે, જે ઉત્તેજનાની સાથોસાથ મખમલી અહેસાસ પણ દઈ રહ્યો છે. આ ઉત્તેજના, આ રુંવે-રુંવે અચાનક રેલાઈ વળેલ રેશમી સંવેદન પ્રથમ ચુંબનનું પરિણામ છે એ વાત તો છેક મુખબંધ પૂર્ણ થાય ત્યારે ખૂલે છે. ત્યાં સુધી તો પ્રેમગીતોમાં આ પહેલાં કદી જોવા-સાંભળવા ન મળ્યું હોય એવા આ અભૂતપૂર્વ કલ્પનનું લખલખું જ આપણે તો અનુભવવાનું છે. કવિની અન્ય એક રચનામાં પણ નાયિકા ફૂલોની સેજ પર આળોટવાનું સ્પર્શસુખ માણે છે:

પવન અલકલટ વંછેરે, તો ભ્રમ થાતો કે એ છે;
શમણે આવી રોજ શામળો બાહુપાશમાં લે છે!
ખર્યાં ફૂલ ધરતી પર ભાળી, થાય; બિછાવી સેજ;
આળોટું ઘેલી થઈ ત્યાં તો સુગંધ પામું એ જ!
સ્ત્રીની ચાલચલણ શું જાણો?
તમે પુરુષ છો, કેવળ ચાલો તમે પાઘડીપને!-
– જો કે કવિમાંનો પુરુષ માત્ર પાઘડીપાને ચાલતો હોય એમ લાગતું નથી. સ્ત્રીનાં ચાલચલણ અને મનાંકનો કવિ આબાદ પકડી શકે છે એની પ્રતીતિ ‘સ્પર્શવિલાસ’ કરાવે છે. ગીતમાં બીજું પ્રતીક છે લજામણીનું. નાયિકા કહે છે, હું તો લજામણી હતી. ‘હતી.’ મતલબ? હવે નથી રહી! લજામણી તો શરમાવાનું-સંકોરાવાનું પ્રતીક. લજામણી તો અડતાવેંત બીડાઈ જાય… પણ આકસ્મિક અનરાધાર સ્પર્શસુખના ઘોડાપૂરમાં તણાઈ જવાના કારણે આ લજામણી સ્વભાવગત, જાતિગત ભાન-સાન ભૂલી, ઉન્માદી અવસ્થાનો ભોગ બને છે, અને સ્ત્રીસહજ શરમાઈ-સંકોચાઈ જવાના બદલે ઊલટું ખૂલી-ખીલી ઊઠે છે. વાહ! સ્પર્શનો, પ્રથમ ચુંબનનો આ નશો છે. જે ઘડીએ પ્રિયતમે નાયિકાને ચૂમી, એ ઘડીએ લજામણી લજામણી મટીને મજામણીમાં રૂપાંતરણ પામે છે અને આકંઠ રતિરાગનું ગાન કરે છે. રામધારી સિંહ ‘દિનકર’ની કાલિદાસ કૃતિમાં પણ એક ચુંબનથી કુમારીનું નારીમાં રૂપાંતરણ થતું દર્શાવાયું છે:

प्रथम स्पर्श से झंकृत होती वेपथुमती कुमारी,
एक मधुर चुम्बन से ही खिलकर हो जाती नारी।

કવિના મતે કાવ્યની ભાષા ‘પ્રેમની ભાષા’ છે, અને એટલે જ એમનાં ગીતોમાં પ્રેમ કેન્દ્રસ્થાને નજરે ચડે છે. પ્રથમ ચુંબનની વાત કરતી વેળાએ કવિની અન્ય રચના પણ યાદ આવે: ‘ભમરાના ગુંજારવ થાતાં,/અમે સફાળાં દોડી જાતાં;/રમણે ચડતું વસંતઋતુએ શ્યામે ચૂમ્યું મુખ!’ પ્રથમ ચુંબનની વાત જ અનોખી. સિદ્ધાર્થ નવલકથાના લેખક હરમને હેસ કહે છે: ‘પ્રથમ ચુંબન સમયે મને લાગ્યું કે મારી અંદર કંઈક પીગળ્યું છે, જેણે મને અત્યંત નજાકતથી ચોટ પહોંચાડી છે. મારી તમામ લાલસાઓ, મારાં તમામ સ્વપ્નો અને મીઠી પીડાઓ, ઠેઠ ભીતર સૂઈ રહેલા બધા જ રહસ્યો જાગી ઊઠ્યા, દરેક વસ્તુ બદલાઈ ગઈ, જાદુઈ થઈ ગઈ અને બધું જ સમજાઈ ગયું.’

પ્રથમ ચુંબનના કારણે ફેલાઈ વળતી સિહરનનો અનુભવ સ્પર્શસુખની ઊંડી નદીમાં ગરકાવ હોઈએ અને સેંકડો માછલીઓ શરીરે ગલગલિયાં કરતી હોય એવો છે. અથવા નાયિકા પોતે જ જળાશય બની ગઈ હોય અને બાળકો પોતાની અંદર છબછબિયાં કરતાં હોય એમ એને લાગે છે. સરવાળે ચુંબનની ભીનપ એ ગતિશીલ ક્રિયાશીલ ભીનપ હોવાનું સમજાય છે. હૈયું જાણે કે હાથમાં આવી ગયું છે. અનુભૂતિ જ એવી તીવ્રત્તમ હતી કે છાતીના પિંજરામાં કેદ રહેવું એના માટે સંભવ જ નહોતું. પણ પોતાની હથેળીઓના નાજુક પોલાણમાં જે ફડફડી રહ્યું છે એ ચકલીનું બચ્ચું છે કે પોતાનું હૈયું એ અસમંજસથી એ મુક્ત નથી. પોતે તો ઉન્માદી અવસ્થામાં ક્યારનુંય ભાન ભૂલી ચૂકી છે, એટલે વાસ્તવિક્તા સાથે એને મુખામુખ હજી થવુંયે નથી એટલે ‘તું જાણે’ કહી જવાબદારીનો અંચળો નાયકના સિરે એ પહેરાવી દે છે.

અક્ષુણ્ણ ચુંબનનો રોમાંચ આગળ વધે છે. નાયિકાને નાજુક લતા પર દ્રાક્ષના ઝૂમખાંની જેમ લચી પડવાનું મન થાય છે. અને ખુશીની મારી નાયિકા તો સમરકંદો બુખારા લૂંટાવી દેવાના તોરમાં વળુંભી રહી છે. કહે છે કે તું કહેતો હોય તો હું તારા આ સ્પર્શ ઉપર હું મહાકાવ્ય રચું. અને મહાકાવ્ય પણ કેવું, તો કે ‘કુમારસંભવ’ને પેટારે પૂરીને તાળું મારી દેવાનું મન થાય અને ‘વસંતવિલાસ’ને પણ બધા ભૂલી જાય એવું. કાલિદાસનું ‘કુમારસંભવ’ આપણાં અમર શૃંગારકાવ્યોમાં શિરમોર છે. કાલિદાસે શિવપાર્વતીના સંભોગશૃંગારનું એમાં અમર્યાદ વર્ણન કર્યું છે. ઉમાશંકર જોશીના મતે ‘કુમારસંભવ દ્વારા કાલિદાસે લગ્નજીવનનો આદર્શ રજૂ કર્યો છે… શિવપાર્વતીના વિવાહમાં હિંદની પરમ દામ્પત્યભાવના મૂર્ત થયેલી છે.’ વસંતવિલાસની વાત તો આપણે શરૂમાં કરી. આવા ઉત્તમોત્તમ શૃંગારકાવ્યોથી ચડી જાય એવી કવિતાઓ નાયિકાના મનમાં આકાર લઈ રહી છે. આ છે પ્રથમનો ચમત્કાર!

હવે મન ક્યાંય વાળ્યું વળતું નથી. એકાંત પણ પહેલાં જેવું એકલું નથી રહ્યું, મુગ્ધતાનો પાશ એને ચડી ગયો છે. મુગ્ધ એકાંતની ક્ષણોમાં નાયિકા આ અનુભવને સ્મરે છે અને પ્રિયજનની મહેંક એના અંગાંગથી ફૂટે છે. અન્યત્ર કવિએ ગાયું છે: ‘ફળ એ મીઠાં હોય અતિ, જેને કરકોલે સૂડો!’ મનનો સૂડો સ્પર્શસુખના ફળ એકાંતમાં કરકોલી રહ્યો છે. નાયિકા સાક્ષાત્ ઉત્સવ બની ચૂકી છે અને પોતાની ભીતર ઘેરૈયાઓ રંગોની છોળથી ધૂળેટી મનાવી રહ્યા હોવાનું મેઘધનુષ સર્જાઈ રહ્યું છે. અળસિયાં જેવા તુચ્છ જીવથી શરૂ થયેલી કવિતા એવી રસાળ રીતે કથકના ઉત્સવમાં પરિણમવા સુધીની ગતિ કરે છે કે ભાવકને આફરીન આફરીન પોકારવાની ફરજ પડે. પ્રથમનું માહાત્મ્યગાન ગાતું આવું જ એક અંજનીગીત –‘પડઘા’: વિવેક મનહર ટેલર- અંતે માણીએ:

એ પહેલું પહેલું આલિંગન,
એ હળવું માથા પર ચુંબન,
હજી સુધી તન-મનમાં કંપન
પડઘાયે રાખે…

સુધ-બુધ જાયે, આવે, જાયે,
હું ખુદને જડતી ના ક્યાંયે,
ફરી ફરી ઇચ્છું છું આ યે-
ફરી મને ચાખે.

જગ આખું લાગે છે પોકળ,
ખુશબૂથી પણ કોમળ કોમળ
મારા આ તન-મનની ભોગળ
કોણ હવે વાખે ?

2 replies on “ગ્લૉબલ કવિતા : ૧૯૦ : સ્પર્શવિલાસ – વીરુ પુરોહિત”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *