ભીનો ભીનો કાગળ લઇ – ભગવતીકુમાર શર્મા

સ્મરણ લીલું -શ્રી રાસબિહારી દેસાઈ(સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇના સ્મરણ સાથે શ્રી અમર ભટ્ટની પ્રસ્તુતિ)

એક અને માત્ર એક રાસભાઈ
અમુક વ્યક્તિઓ લગભગ રોજ યાદ આવે. એમાંની એક તે રાસભાઈ. 23 જૂન એમની જન્મતારીખ. કાવ્યસંગીત ગુરુ તરીકે ને ગુજરાતી કાવ્યસંગીતના પાયામાં રહેલ ગાયક તરીકે તો એ યાદ આવે જ પણ આજે એમને સ્વરકાર તરીકે યાદ કરું છું. મારી પાસે એમણે કવિ ભગવતીકુમાર શર્માનું આ ગીત ગવડાવ્યું.-

‘ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ચીતરવા બેઠા
પીંછી બદલે પાંપણ લઇ વરસાદ ચીતરવા બેઠા

આકુળ વ્યાકુળ ધરતીના આ લૂ ઝરતા નિઃશ્વાસ
ચાતકની કરપીણ તરસનો તગતગતો ઇતિહાસ
ભૂરું ભૂરું અંધારું કોકરવરણો અંજવાસ
રામગિરિના યક્ષનો ચીતર્યો વસમો વિયોગવાસ

લીલીસૂકી અટકળ લઇ વરસાદ ચીતરવા બેઠા
આંસુઓના પુદ્દગળ લઇ વરસાદ ચીતરવા બેઠા

ટહુકાની વચ્ચે ચીતરી મઘમઘ માટીની મ્હેંક
મંદાક્રાન્તા વડે આળખી શબ્દ-છંદની ઠેક
સમીર ચીતર્યા, પર્ણ પર્ણની ચીતરી મર્મર ગહેંક
વણખીલેલા મેઘધનુષની ચીતરી કલ્પિત રેખ

પળ બે પળની ઝળહળ લઇ વરસાદ ચીતરવા બેઠા
જીવવું મરવું કોમળ લઇ વરસાદ ચીતરવા બેઠા’

કવિ: ભગવતીકુમાર શર્મા
સ્વરકાર: રાસબિહારી દેસાઈ
ગાન: અમર ભટ્ટ

વરસાદની વાત છે એટલે મલ્હારનો આધાર તો હોય પણ ગીતમાં રહેલો વિષાદનો ભાવ- પૅથોસ- એમણે મલ્હારના સ્વરો,ખાસ કરીને બંને નિષાદ – કોમળ અને શુદ્ધ -,અદ્દભુત રીતે પ્રયોજીને વ્યક્ત કર્યો છે. એ એમની સ્વરકાર તરીકેની આગવી સૂઝ પણ દર્શાવે છે. 12 સપ્ટેમ્બર 2012ના દિવસે આ ગીત સ્ટુડિયોમાં મેં ગાયું. એ પહેલા જ ટૅકમાં ઑકે થયું એનો રાસભાઈને થયેલો આનંદ અને એમનો એ ‘વૉર્મ હગ’-હજી ભુલાતા નથી.
અદમ ટંકારવીનો શેર છે:
‘સ્મરણ લીલું કપૂરી પાન જેવું
હવામાં ચોતરફ લોબાન જેવું ‘
રાસભાઈનું સ્મરણ લોબાનની જેમ મઘમઘે છે.
રાસભાઈને સૂરવંદન.
-અમર ભટ્ટ

3 replies on “ભીનો ભીનો કાગળ લઇ – ભગવતીકુમાર શર્મા”

  1. કોઈ ચિત્ર સામે ના હોવ છતાં શબ્દ ચિત્ર દ્વારા સાથે એનાં અંગ ઉપાંગો નજર સમક્ષ
    ખડાં કરી આપી કવિએ તો કમાલ કરી. સાથે રાસ બિહારીભાઈના સ્વરે તો હ્રદયને તરબતર- ભીનું ભીનું કરી દીધું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *