ગ્લૉબલ કવિતા : ૯૦ : સમર્પણ – ચેસ્વાફ મિવોશ

Dedication

You whom I could not save
Listen to me.
Try to understand this simple speech as I would be ashamed of another.
I swear, there is in me no wizardry of words.
I speak to you with silence like a cloud or a tree.

What strengthened me, for you was lethal.
You mixed up farewell to an epoch with the beginning of a new one,
Inspiration of hatred with lyrical beauty;
Blind force with accomplished shape.

Here is a valley of shallow Polish rivers. And an immense bridge
Going into white fog. Here is a broken city;
And the wind throws the screams of gulls on your grave
When I am talking with you.

What is poetry which does not save
Nations or people?
A connivance with official lies,
A song of drunkards whose throats will be cut in a moment,
Readings for sophomore girls.
That I wanted good poetry without knowing it,
That I discovered, late, its salutary aim,
In this and only this I find salvation.

They used to pour millet on graves or poppy seeds
To feed the dead who would come disguised as birds.
I put this book here for you, who once lived
So that you should visit us no more.

– Czesław Miłosz
(English Translation from Polish by poet himself)

સમર્પણ

તું જેને હું બચાવી નથી શક્યો
સાંભળ મને.
આ સરળ વક્તવ્યને સમજવાની કોશિશ કર કેમકે બીજી વાર કહેતાં મને શરમ આવશે.
હું સોગંદ ખાઉં છું, મારામાં શબ્દોની કોઈ જાદુગરી નથી.
હું તારી સાથે વાત કરું છું વાદળ અથવા વૃક્ષ જેવા મૌનથી.

જે મને મજબૂતી બક્ષે છે, તારા માટે ઘાતક હતું.
તેં વિદાયને ભેળવી દીધી નવયુગની શરૂઆતવાળા એક યુગ સાથે,
નફરતની પ્રેરણાને લયાન્વિત સૌંદર્ય સાથે;
આંધળા બળને પરિપૂર્ણ આકાર સાથે.

અહીં એક ખીણ છે છીછરી પૉલિશ નદીઓની. અને એક તોતિંગ પુલ
શ્વેત ધુમ્મસમાં ચલ્યો જતો. અહીં એક તૂટ્યું શહેર છે;
અને પવન ફેંકે છે સીગલોની ચિચિયારીઓને તારી કબર પર
જ્યારે હું તારી સાથે વાત કરી રહ્યો છું.

એ કવિતા જ શું છે જે બચાવી નથી શકતી
દેશોને કે લોકોને?
સત્તાવાર જૂઠાણાંઓ સાથે આંખમીંચામણાં,
એક ગીત દારૂડિયાઓનું જેમના ગળાં પળવારમાં જ કાપી લેવાશે,
બીજા વર્ગની છોકરીઓ માટેનું વાંચન.
એ કે મારે સારી કવિતા જોઈતી હતી મારી જાણ બહાર,
એ મેં શોધી કાઢ્યું, મોડેથી, એનું લાભદાયક લક્ષ્ય,
આમાં અને માત્ર આમાં જ હું મોક્ષ શોધી શક્યો.

એ લોકો કબરો પર બાજરી નાંખતા હતા અથવા ખસખસના દાણા
મૃતકોને ખબડાવવા માટે જેઓ પક્ષીઓના છદ્મવેશમાં આવશે.
હું તારા માટે, જે કદી જીવંત હતો, અહીં એક પુસ્તક મૂકું છું,
જેથી તું અમારી મુલાકાતે કદી નહીં આવે.

– ચેસ્વાફ મિવોશ
(અનુ. વિવેક મનહર ટેલર)

जो शहीद हुए हैं उनकी, ज़रा याद करो कुरबानी…

કારગિલમાં યુદ્ધ ફાટી નીકળ્યું. જાનની બાજી લગાવીને ભારતીય જવાનોએ પાકિસ્તાની સેનાઓને પાછળ ખદેડી મૂકી. આખો દેશ હરખપદુડો થઈ ગયો. ઠેરઠેર શહીદો માટે સન્માન સમારંભો યોજાયા. શહીદોના પરિવારો માટે નાણાં ઉઘરાવાયા. અને બીજા દિવસે ચાની ચુસ્કી ભરતાં-ભરતાં અખબાર હાથમાં લઈને સહુ પોતપોતાની જિંદગીમાં જોતરાઈ ગયા. સરહદની વાત કરવી અને સરહદ પર જવું એ બેમાં ફરક છે.

‘લોહી વહાવો સરહદ જઈને તો અર્થ છે કંઈ,
ગણગણ શું કરવું બાકી, ઘરમાં રહીને જનગણ?’

સરહદ પર જાન ન્યોછાવર કરનાર અને ઘરે બેસીને તાળીઓ પાડનારની કોઈ સરખામણી નથી. શહીદોને આપવામાં આવેલી મોટામાં મોટી અંજલિ પણ નાનામાં નાની જ છે. પ્રસ્તુત રચનામાં ચેસ્વાફ મિવોશ એક તરફ શહીદોને અભૂતપૂર્વ અંજલિ આપવાનું ભગીરથ કાર્ય કરે છે તો બીજી તરફ સાચી કવિતાની વિભાવના પણ સફળતાપૂર્વક આપે છે.

ચેસ્વાફ મિવોશ. ૩૦-૦૬-૧૯૧૧ના રોજ તે સમયના રશિયન સામ્રાજ્ય હેઠળના સેટેનિઆઈ અને હાલના કેડાઈનિઆઈ, લિથુઆનિયા ખાતે જન્મ. પૉલિશ, લિથુઆનિઅન, રશિયન, અંગ્રેજી તથા ફ્રેન્ચ ભાષાના જાણકાર. પણ સર્જન પૉલિશ ભાષામાં કર્યું. એ પોતે કહેતા: ‘હું એ લિથુઆનિઅન છું જેને લિથુઆનિઅન થવાનું સોંપાયું નહોતું. સોળમી સદીમાં પણ મારો પરિવાર પૉલિશ ભાષા બોલતો હતો, જે રીતે ઘણા પરિવારો ફિનલેન્ડમાં સ્વીડિશ બોલે છે અને આયર્લેન્ડમાં અંગ્રેજી. એટલે હું લિથુઆનિઅન નહીં, પૉલિશ કવિ છું. પણ લિથુઆનિઆના ભૂપૃષ્ઠો તથા કદાચ આત્માએ મને કદી તરછોડ્યો નથી.’ યુવાનીમાં નાસ્તિકતા તરફ પગલાં ભરીને પાછળથી ફરી કેથોલિક પંથ તરફ પરત વળ્યા. સ્નાતક થયા. કાયદો ભણ્યા. રેડિયોમાં નિષ્ફળ નોકરી કરી. માત્ર ૨૩ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ આપ્યો. એ સમયે એની કવિતાઓને સમયાતીત કવિતાઓ કહીને નવાજવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધના ગાળામાં પૉલેન્ડમાં હૉલોકૉસ્ટ વખતે એમણે કેટલાક યહૂદીઓને રક્ષણ પૂરું પાડ્યું હતું. ઇઝરાઈલે એમને આ બાબતે સન્માન્યા પણ હતા.

૧૯૪૫માં પૉલેન્ડમાં રાજદૂત બન્યા. પણ પોતાની ડાબેરી વિચારધારા તથા અન્ય કેટલાક કારણોસર ૧૯૫૧માં એમણે દેશમાંથી ભાગી છૂટીને પેરિસમાં રાજકીય આશ્રય લેવો પડ્યો. પાબ્લો નેરુદાએ એમને ‘ભાગેડુ માણસ’ કહી વખોડ્યા હતા. પૉલેન્ડમાં એમના સાહિત્ય પર પ્રતિબંધ મૂકાયો હતો પણ ચોરીછૂપીથી એ ખૂબ વેચાતું-વંચાતું. ૧૯૮૦માં એમને સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું. નોબેલ પારિતોષિકે એમને તથા એમના સાહિત્યને ત્રણ દાયકાના છૂટાછેડા પછી ફરી માતૃભૂમિને ચૂમવાની તક આપી. ૧૯૬૦માં અમેરિકા પહોંચ્યા. બે દાયકા સુધી ભાષા-સાહિત્યના પ્રોફેસર તરીકે કામ કર્યું. ૧૯૭૦માં અમેરિકન નાગરિકત્વ લીધું. બે વાર લગ્ન કર્યા. બે વાર વિધુર થયા. નેવુના દાયકામાં પોલેન્ડ સરકારે એમને ક્રેકૉ શહેરમાં ફ્લેટ આપ્યો એ બાદ તેઓ અમેરિકા અને પૉલેન્ડની વચ્ચે વિભાજીત જિંદગી જીવ્યા. ૧૪-૦૮-૨૦૦૪ના રોજ પૉલેન્ડ ખાતે ૯૩ વર્ષની જૈફ વયે નિધન. એમના મૃત્યુસમારોહનો એ પૉલેન્ડ અને કેથોલિક સંપ્રદાયના વિરોધી તથા સમલૈંગિક સંબંધોના હિમાયતી હોવાના આક્ષેપો સાથે ખૂબ વિરોધ થયો પણ પૉપ જોન પૉલ બીજાએ મિવોશે ચર્ચમાં કરેલ કબૂલાતોના આધારે આ વિરોધ શાંત પાડ્યો.

મૂળ પૉલિશ ભાષામાં લખેલી આ કવિતાનો અંગ્રેજી અનુવાદ કવિએ જાતે જ કર્યો છે. કવિતાનું શીર્ષક ‘સમર્પણ’ એક જ શબ્દમાં ભાવની સઘનતા ભણી ઈશારો કરે છે. શીર્ષક પરથી કાવ્યનો વિષય શું હોઈ શકે એ સાફ થતું નથી પણ આ સમર્પણ કોઈપણ ક્ષેત્રનું હોઈ શકે છે એટલું સમજાય છે. અનિયમિત પંક્તિસમૂહથી બનેલ છ વિભાગમાં વહેંચાયેલી આ કવિતામાં છંદ અને પ્રાસની ગેરહાજરી છે. વીસમી સદીના અંતભાગથી આજદિન સુધી અંગ્રેજી કવિતામાં છંદના બંધનોથી આઝાદ થઈને મુક્તવિહાર કરવા તરફનું વલણ વધુ જોવા મળે છે. પ્રસ્તુત રચના પણ એનો જ એક ભાગ છે. બીજાપુરુષ એકવચન અથવા બહુવચનમાં કાવ્ય કહેવાયું છે. અંગ્રેજી ભાષામાં ‘You’ સંબોધન એક વ્યક્તિ માટે વપરાયું છે કે અનેક માટે એ સમજાવી શકવાની સગવડ નથી. આપણે ત્યાં એ વાત ‘તું’ અથવા ‘તમે’થી એ વાત તરત જ સાફ થઈ જાય છે. પ્રસ્તુત કવિતામાં આવતો આ ‘યુ’ એક વ્યક્તિ છે કે એકાધિક એ આખી રચનામાંથી સ્પષ્ટ થતું નથી. કવિતામાં ત્રીજા અંતરામાં ‘કબર’ એકવચનમાં વપરાયું છે અને કાવ્યાંતે કબર પર મૂકવામાં આવતું ‘પુસ્તક’ પણ એકવચનમાં વપરાયું હોવાથી સમજી શકાય છે કે પ્રસ્તુત રચનાનો ‘યુ’ એ ‘તું’ જ હોઈ શકે છે, ‘તમે’ નહીં.

કવિતાની શરૂઆત ‘તું’થી થાય છે. અર્થાત્ વાત કોઈ પણ હોય, મહત્ત્વ સામાનું વધુ છે, પોતાનું નહીં. તું કહીને સંબોધન કર્યા બાદ કવિ તરત જ કહે છે કે જેને હું બચાવી શક્યો નથી. ઓહ! મતલબ એ વ્યક્તિ જેની સાથે કાવ્યનાયક વાત કરી રહી છે, એ હવે બચી નથી. મૃત્યુની કાલિમા કવિતાની પ્રથમ પંક્તિથી જ મંડરાવા માંડે છે. પ્રથમ પંક્તિ વાંચતાવેંત શીર્ષકના ‘સમર્પણ’ સાથે તરત જ પુનઃસંધાન થતું અનુભવાય છે. નાયક કોઈકને બચાવી શકતો હતો પણ કોઈક કારણોસર બચાવી શક્યો નથી એના માટે સમર્પણની ભાવના ધરાવતો લાગે છે. પોતે સાંભળનારને બચાવી શક્યો ન હોવાના નિખાલસ એકરારનામા બાદ તરત જ નાયક ‘સાંભળ મને’ કહીને પોતે જે કહેવા જઈ રહ્યો છે એ વાત ખૂબ જ અગત્યની હોવા નીચે અંડરલાઇન કરે છે. ધ્યાનથી આ વાત એટલા માટે સાંભળવાની જરૂર છે કેમકે પોતાને આ વાત ફરીવાર કહેવાની થશે તો શરમ આવનાર છે એ કહેનાર જાણે છે. બીજું, પોતાની વાતમાં કશું જ જટિલ નથી, એ નિતાંત ‘સરળ વક્તવ્ય’ જ છે એમ કહ્યા પછી નાયક ‘સમજવાની કોશિશ કર’નો ઈશારો કરીને વાત સરળ ન હોવા તરફ આડકતરો નિર્દેશ પણ કરી જ દે છે. સીધું બોલીને પણ સીધું ન બોલવું, દિશા બતાવીને પણ દિશા ન બતાવવી એ કોઈપણ કવિતાના ઉપયોગી સાધન છે. કવિ હંમેશા જે કહેતો હોય છે એનાથી અનેકગણું વિશેષ એ જે કહેતો નથી એમાં કહેતો હોય છે. કવિતાની બે પંક્તિની ખાલી જગ્યામાં ન લખાયેલી કવિતા ઘણીવાર લખાયેલી કવિતા કરતાં વધુ સશક્ત હોય છે. એટલે જ કવિ ધ્યાન આપીને સાંભળવાનું ફરમાન પણ કરે છે.

બીજા પુરુષ એકવચનમાં વાત કહેવાઈ હોઈ વાંચનાર કે સાંભળનારને નાયક પોતાની સાથે જ વાત કરતો હોય અને નાયક પોતાને કેમ બચાવી શક્યો નથી એની કેફિયત શરમસાર થઈને સરળ શબ્દોમાં આપવા માંગે છે એવું વાચક તરત જ અનુભવી શકે છે. પરિણામે દરેકને આ કવિતા પોતાની હોવાનું પણ અનુભવાય છે. નાયક વળી સોગંદ ખાઈને કહે છે કે એની પાસે શબ્દોની કોઈ જાદુગરી નથી જેનાથી એ તમને ભરમાવી શકે. સોગંદ ખાઈને જે કબૂલાતનામુ મૂકવામાં આવી રહ્યું છે એની સરળતા પર આપણે ભરોસો મૂકવાની તૈયારીમાં જ હોઈએ એ જ ઘડીએ નાયક કહે છે કે હું તારી સાથે વાત કરું છું વાદળ અથવા વૃક્ષ જેવા મૌનથી. લો, ઊંચકીને પટક્યાને એક જ ક્ષણમાં કવિએ આકાશમાંથી ધરતી પર! શબ્દોની માયાજાળ વગરની સરળ ભાષાનો તો સમૂચો જ છેદ ઊડી ગયો. એક તો નાયક વાત કરે છે ને તે વળી મૌનથી. ને મૌન પણ કેવું!? વૃક્ષ અને વાદળ જેવું. વૃક્ષ અને વાદળ બંને પરોપકારી છે. બંને કશું પણ બોલ્યા વિના પોતાની જાત નિચોવી આપે છે. પણ બંનેનું મૌન પથ્થર જેવું છે. કવિ પથ્થરિયાળ મૌનના બદલે વાદળિયાળ કે વૃક્ષિયાળ મૌનનો પ્રયોગ કરે છે એ વાત સૂચક છે, કેમકે કવિતાના અંતે સમજાય છે કે કવિનું આ સમર્પણ એ વાંઝિયું સમર્પણ નથી, ફળદ્રુપ સમર્પણ છે.

કવિતામાં આગળ વધતા પહેલાં હવે આખી કવિતા વાંચી જવી જરૂરી થઈ પડે છે કેમકે એ વિના કવિ શેના વિશે વાત કરી રહ્યા છે એ સમજવું જરા દોહ્યલું છે. પહેલા અંતરામાં જેને બચાવી શકાયું હોત એવા કોઈકના મૃત્યુ વિશે કવિ સરળ શબ્દોમાં કંઈક કબૂલાત કરવા માંગે છે એમ સમજાય છે પણ બીજા અંતરામાં આ સરળ વાત ખૂબ જટિલ બની જાય છે. બીજા અંતરામાં આવતા ‘ઘાતક’, ‘નવયુગ’, ‘નફરત’ અને ‘ઘાતક બળ’ અસ્પષ્ટ રહે છે જ્યાં સુધી ત્રીજા અંતરામાં આવતા ખીણ, પુલ, તૂટેલા શહેર અને કબર એના પર પ્રકાશ નથી પાડતા. ત્યાં સુધી પહોંચ્યા બાદ સમજાય છે કે આ વાત યુદ્ધની વાત છે, યુદ્ધની તબાહીની વાત છે, યુદ્ધમાં માર્યા ગયેલા કોઈક સ્વજનની કે મિત્રની વાત છે અથવા એના રૂપમાં યુદ્ધના ખપ્પરમાં હોમાઈ ગયેલા દેશવાસીઓ તરફની અનુકંપાની વાત છે. યુદ્ધના કાવ્યો તો અનેક લખાયા પણ મિવોશની કવિતાઓ સાવ અલગ છે. ખ્યાતનામ વિવેચક કાઝીમિઅર્ઝ વાય્કાના મતે મિવોશ પોતાના સમસામયિકો તથા પ્રતિદ્વંદ્વી કવિઓથી ખૂબ ઊંચે ઊઠ્યા હતા. વાય્કાએ એમ પણ કહ્યું હતું: ‘દુન્યવી ચીજોની ક્રૂર ક્ષણભંગુરતા બાબતમાં જાગરુકતાની સાથોસાથ ગમે એવી હોવા છતાં દુનિયા માટે ખૂબ ઊંડી લાગણી તેઓની કવિતામાં નજરે ચડે છે.’

યુદ્ધ માણસને કે શહેરને નહીં, એક સંસ્કૃતિને, એક યુગને તહસનહસ કરી નાંખે છે. યુદ્ધમાં જે વસ્તુ એક જણને ફાયદો કરે છે એ બીજાને નુકશાન કરતી હોય છે. જે કોઈકને મજબૂતી બક્ષે છે, એ જ વાત બીજા માટે પ્રાણઘાતક પણ હોઈ શકે. જેના પર ગોળી કે બૉમ્બ વરસે છે એ દુનિયા છોડી જાય છે. જે પાછળ રહી જાય છે એનું હૃદય આઘાતો જીરવીને કાઠું બને છે. નાયક પાસે મૃતક સામે બચાવી ન શક્યો હોવાના વસવસાની કબૂલાતની સાથોસાથ મીઠી ફરિયાદ પણ છે. એ કહે છે કે તેં તારી વિદાયને સાદી વિદાય બનાવી રાખવાના બદલે યુગપરિવર્તન સાથે સાંકળી દીધી. એક નવા યુગની શરૂઆત થતી હોય એવા આખેઆખા યુગ સાથે તેં એને ભેળવી દીધી. પોતાના માણસો, ઘર ને નગરનો સંહાર જોઈને બચેલાઓને સંહારકારો સામે નફરતની પ્રેરણા મળે એના બદલે તેં આખી ઘટનાને લયાન્વિત સૌંદર્ય આપી દીધું છે, દુશ્મનોએ વાપરેલા આંધળા બળથી વિનાશનો જે આકાર અવતર્યો એને પરિપૂર્ણ બનાવી દીધો છે કેમકે આ શૂન્ય છે અને શૂન્ય વિના સર્જન શક્ય નથી. કાગળ સંપૂર્ણપણે કોરો થાય તો જ નવું લખાણ માંડી શકાય.

૧૯૩૭માં મિવોશ વૉરસૉ આવ્યા અને રેડિયોમાં જોડાયા જેમાંથી પોતાની વિચારધારાના કારણે એમને પાણીચું પકડાવવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ પૉલેન્ડમાં નાઝી કબજા હેઠળના વૉરસૉમાં રહેતા હતા. બીજા વિશ્વયુદ્ધનો મોટાભાગનો સમય તેઓએ યુનિવર્સિટી લાઇબ્રેરીમાં ઘરપાલ તરીકે અને ભૂગર્ભ પ્રેસ માટે લખવામાં વીતાવ્યો હતો. હિટલરના હુકમથી નાઝી સૈનિકો દ્વારા વૉરસૉના થઈ રહેલા કચ્ચારઘાણ વેળાએ પૉલિશ ગૃહસેનાને મદદ કરવાના બદલે દૂરથી બાઇનોક્યુલરથી તમાશો જોતી રહેલ અને શહેર તબાહ થઈ ગયા પછી જ શહેરમાં પ્રવેશેલી રશિયન સેના સામે એમને ભારે ગુસ્સો હતો. યુદ્ધ દરમિયાનના અને માતૃભૂમિ ગુમાવવાના મિવોશના અનુભવોએ એમના સાહિત્ય પર પ્રબળ અસર છોડી હતી. જો કે યુદ્ધકાળની કવિતાઓની પુનરાવૃત્તિ વેળાએ એમણે લખ્યું: ‘વ્યક્તિઓના અંગત અનુભવો બાજુએ ધકેલાઈ ગયા છે, અથવા, કદાચ, અનન્યતઃરૂપથી કોઈ અંગત અનુભવો છે જ નહીં: દરેક આનંદ, દરેક યાતના એક વ્યક્તિની કંઈક સામાન્ય અને વ્યાપકને જ પ્રતિબિંબિત કરે છે; ‘હોવું કે ન હોવું’ પહેલાં તો રાષ્ટ્રના, નહીં કે વ્યક્તિગત અસ્તિત્વને સંબદ્ધ છે.’

નાયક આપણને હવે જેની સાથે વાર્તાલાપ થઈ રહ્યો છે મૃતક ઉપરથી બાઇનોક્યુલર હટાવીને આપણને ઘટનાસ્થળ ઉપર લઈ આવે છે. યુદ્ધ પછી સૂકાવા આવેલી નદીઓ સામેની ખીણમાં વહી રહી છે. એક તોતિંગ પુલ નજરે ચડે છે પણ એનો બીજો છેડો સફેદ ધુમ્મસમાં ઓગળી ગયો છે. પૉલેન્ડના લોકોને રશિયન સેના પાસે નાઝીઓના દમન સામેના પોતે કરેલા પ્રતિકારમાં જે મદદની આશા હતી એ વિશાળ આશા તોતિંગ પુલના પ્રતિકથી રજૂ થાય છે અને રશિયન સેનાએ સેવેલ નપુંસક મૌન આશાના પુલના સફેદ ધુમ્મસમાં ખોવાઈ જવાવાથી તાદૃશ થાય છે. આમ તો સફેદ રંગ શાંતિનો, આશાનો રંગ છે પણ અહીં સોવિયેટ લોકોની ચામડી અને બરફાચ્છાદિત ભૂમિખંડનો નિર્દેશ કવિને અભિપ્રેત હશે એમ અનુભવાય છે. નાયક મૃતક સાથે વાત કરે છે ત્યારે દૂર સીગલો ચિચિયારીઓ કરે છે જેને પવન મૃતકની કબર પર લાવી પટકે છે.

અહીં સુધી અસામાન્ય ભાષામાં સામાન્ય ભાસતી કવિતા અહીંથી સામાન્ય ભાષામાં અસામાન્યનું સ્વરૂપ લે છે. જે દેશોને કે લોકોને બચાવી શકતી નથી એ કવિતાને કવિ કવિતા ગણવા નનૈયો પરખાવે છે. એલેક્ઝાન્ડરે થીબ્સને બરબાદ કરવાનો હુકમ આપતી વખતે કવિ પિન્ડારના ઘરને કોઈપણ પ્રકારનું નુકશાન ન પહોંચાડવાનો હુકમ આપ્યો હતો એ ઘટના યાદ આવે છે. કવિના ઘરને બચાવવાનું એક કારણ એલેક્ઝાન્ડરનો હૉમરની કવિતાઓ વિશેનો પૂજાભાવ હતો તો કદાચ કવિઓ જ સમાજ અને સંસ્કૃતિના સાચા ઘડવૈયા છે એ સમજણ એનું બીજું કારણ હતી. મિવોશ કહે છે કે જે કવિતા યુદ્ધ અટકાવી સીમાઓ અને સીમાવાસીઓને સંરક્ષણ આપી શકતી નથી એ કવિતાઓ કવિતા નહીં, પ્રમાદ માત્ર છે. એ કવિતાઓ સત્તાવાર જૂઠાણાંઓ સામેનાં આંખમીંચામણાં છે, જેમના ગળાં પળવારમાં કાપી લેવામાં આવશે એવા દારૂડિયાનું અલ્પજીવી ગીત છે અથવા ઉતરતી કક્ષાની છોકરીઓ માટેનું વાંચન માત્ર છે. પોતાને પોતાની જાણ બહાર ઉત્તમ કવિતા જોઈતી હતી એ નાયકને મોડેથી સમજાયું છે. કવિઆનું લાભદાયી સન્માન્નીય લક્ષ્ય શું હોઈ શકે એ કવિને રહી રહીને સમજાયું છે અને એ લાભદાયી લક્ષ્ય છે દેશની અને દેશવાસીઓની સુરક્ષા. દેશની રક્ષા કરવી એ જ સાચી કવિતા છે અને આ કવિતામાં જ સાચો મોક્ષ રહેલો છે. ઈસુથી થોડા વર્ષો પૂર્વે થઈ ગયેલા રોમન કવિ હોરસે કહ્યું હતું: ‘Dulce et decorum est pro patria mori.’ અર્થાત્ પોતાના દેશ માટે મરી ફીટવું મીઠું અને ઉપયુક્ત છે. (એક આડવાત, આ Patria પરથી જ Patriot-દેશભક્ત શબ્દ ઊતરી આવ્યો છે.)

પાશ્ચાત્ય સંસ્કૃતિમાં વાયકા છે કે મૃતકો પક્ષી બનીને પોતાની જ કબર ઉપર ફરી આવે છે એટલે લોકો કબર ઉપર બાજરી કે ખસખસના દાણા નાંખે છે, જે પક્ષીરૂપે પરત ફરેલા મૃતકો ચણી શકે. કવિ દાણા નાંખવાના બદલે એક પુસ્તક મૃતકની કબર પર મૂકે છે, જેથી કરીને એ કદી પાછો નહીં આવે. અહીં મૃતકનો મોક્ષ થઈ ગયો છે એ ભાવના વધુ બળકટ છે, નહીં કે મૃતકથી હર હાલમાં છૂટકારો મેળવવાની. પુસ્તક એ જીવનની કવિતાનું પ્રતિક છે. મૃતક દેશ માટે શહીદ થયો છે. એણે દેશ માટે જાન આપ્યો છે. અને એણે કુરબાની આપી છે એટલે જ નાયક જીવંત છે. આ કુરબાની એ જ સાચી કવિતા છે. સોરેન કિઅર્કગાર્ડ કહી ગયા: ‘આતતાયી મરી જાય છે અને એનું રાજ ખતમ થઈ જાય છે, શહીદ મરી જાય છે અને એનું રાજ શરૂ થાય છે.’ મહાત્મા ગાંધીએ પણ કહ્યું હતું: ‘એ લોકો મારા શરીરને પીડી શકશે, મારા હાડકાં તોડી શકશે, મને મારી પણ નાંખી શકશે. એ લોકો મારા મૃતદેહને જ પામી શકશે, મારી આજ્ઞાંકિતતાને નહીં.’ યુદ્ધમાં શત્રુઓ શરીરનો જ નાશ કરી શકે છે, દેશપ્રેમીઓના હોંસલાનો નહીં, દેશના આત્માનો નહીં. છેક અહીં સુધી પહોંચ્યા પછી કવિતાનું શીર્ષક ‘સમર્પણ’ શા માટે છે એ સમજાય છે. શીર્ષકથી માંડીને કવિતા તરફ ફરી એકવાર હવે જેમ-જેમ નજર કરતાં જઈશું એમ-એમ કવિતાના અર્થો અને આયામો બદલાયેલ પણ દેખાશે… મરનારને પોતે બચાવી નથી શક્યો એ વાત ફરી વાર કહેવામાં નાયકને શરમ કેમ આવે છે એ પણ તરત સમજાય છે…

દેશ માટે શહીદ થઈ ગયેલાઓ માટે આવી સાવ અનૂઠી શ્રદ્ધાંજલિઓ બહુ ઓછી જોવા મળે છે. દેશની સરહદો પર બીજાની બંદૂકોથી પોતાના લોહીથી જે લોકો શહીદીની કવિતાઓ લખી જાય છે એ લોકો જ ખરા અર્થમાં મોક્ષ પામે છે. આપણી આવતીકાલ માટે એ લોકો પોતાની આજ ખર્ચી નાંખે છે. આપણા બુઢાપા માટે એ લોકો પોતાની યુવાની દાવ પર લગાવી દે છે પણ આપણે એમની કબરો પર જઈને બે ક્ષણ ગંભીરતાનું મહોરું લગાવીને હાથ જોડી દીધા પછી તરત જ આપણી હાહાહીહીમાં જોતરાઈ જતાં હોઈએ છીએ. કવિ પ્રદીપની અમર રચના આવા શહીદો માટેની ઉત્તમ શબ્દાંજલિ ગણી શકાય: ‘ऐ मेरे वतन के लोगो, ज़रा आंख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी, ज़रा याद करो कुरबानी|’ યુદ્ધ હંમેશા વિનાશ જ લઈને આવે છે એ જાણવા છતાં દુનિયાની કોઈ પ્રજા કોઈ સમયગાળામાં યુદ્ધ વિના રહી શકી નથી. યુદ્ધ ન થાય એ ઉત્તમ પરિસ્થિતિ છે પણ યુદ્ધ થાય તો સીમા પર શહીદ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય એ ઉત્તમોત્તમ છે. શહીદની વિદાય એ નવયુગની એંધાણી છે. શહીદની વિદાય નફરતને પણ લયાત્મક સૌંદર્ય બક્ષે છે. શહીદ આંધળા ઝનૂન સામે નવી દુનિયાને પરિપૂર્ણ આકાર બક્ષે છે. આલ્ફ્રેડ ટેનિસન એમની એક કવિતામાં સોંસરો પ્રશ્ન પૂછે છે: ‘એમની કીર્તિ ક્યારે ઝાંખી પડશે?’ જવાબ છે, यावत् चन्द्रौदिवाकरौ। જ્યાં સુધી આકાશમાં ચંદ્ર અને સૂર્ય રહેશે ત્યાં સુધી શહીદોની કીર્તિ રહેશે. ‘ફોર ધ ફૉલન’ કવિતામાં લૉરેન્સ બિન્યન લખે છે:

એ લોકો ઘરડાં નહીં થાય, જે રીતે આપણે બચી ગયેલાં ઘરડાં થઈશું:
વય એમને થકવી નહીં શકે, નહીં કે વર્ષો નિંદી શકશે.
સૂર્ય અસ્તાચળે જશે ત્યારે અને સવારે
આપણે એમને યાદ કરીશું.

2 replies on “ગ્લૉબલ કવિતા : ૯૦ : સમર્પણ – ચેસ્વાફ મિવોશ”

  1. well don work..
    brings
    not only wonder..but also..
    deep slumber.
    Even if I wish..
    I can’t absorb freshness because…
    I’m full of staleness.
    All listen..when u talk…
    but i only..When u not…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *