Autobiography of Eve
Wearing nothing but snakeskin
boots, I blazed a footpath, the first
radical road out of that old kingdom
toward a new unknown.
When I came to those great flaming gates
of burning gold,
I stood alone in terror at the threshold
between Paradise and Earth.
There I heard a mysterious echo:
my own voice
singing to me from across the forbidden
side. I shook awake—
at once alive in a blaze of green fire.
Let it be known: I did not fall from grace.
I leapt
to freedom.
– Ansel Elkins
ઇવની આત્મકથા
કશું જ પહેર્યાં વિના સિવાય કે સાપની કાંચળીનાં
જૂતાં, મેં એક ચીલો ચાતર્યો, એ જૂના
સામ્રાજ્યમાંથી નીકળીને નૂતન અજ્ઞાત તરફ જતા
પ્રથમ આમૂલ માર્ગનો.
જ્યારે હું સળગતા સોનાંના એ મહાન
પ્રજ્વલિત દ્વારો પાસે આવી હતી,
ત્યારે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેની
સીમા પર ભયભીત એકલી ઊભી હતી.
ત્યાં મેં એક ગૂઢ પડઘો સાંભળ્યો:
મારો પોતાનો જ અવાજ
મને જ ગાઈ સંભળાવતો પ્રતિબંધિત
બાજુએથી. હું ઝબકીને જાગી-
એકાએક જ હરિત અગનજ્વાળાઓમાં જીવિત.
સૌને વિદિત થાય: હું પતન નહોતી પામી સન્માનથી.
મેં છલાંગ ભરી હતી
આઝાદીની.
– એન્સેલ એલ્કિન્સ
(અનુ.: વિવેક મનહર ટેલર)
આજની સ્ત્રીની આત્મકથાનું પહેલું સુવર્ણ પ્રકરણ…
આઝાદી અને ગુલામી આમ તો પરસ્પર બિલકુલ વિરોધી શબ્દો જ છે પણ બંનેનું મૂળ એક જ છે. બંનેની જનેતા એક જ છે. અને એ છે આપણું મન. હાથ-પગમાં બેડીઓ નાંખી દેવાથી કોઈ ગુલામ થઈ જતું નથી અને બેડીઓ તોડી નાંખવાથી કોઈ આઝાદ પણ નથી થઈ જતું. ગુલામી હોય કે આઝાદી- બંને શારીરિક અવસ્થા ઓછી અને માનસિક અવસ્થા વધારે છે. તમારું મન જે ઘડીએ કોઈની સામે ઘૂંટણિયા ટેકવી દે છે એ ઘડીએ ખુલ્લા આકાશ નીચે પણ તમે એના ગુલામ બની જાવ છો અને જે ઘડીએ મન મુક્તિની આલબેલ પોકારી ઊઠે એ ક્ષણે તમે ભલે હજારો સાંકળોમાં જકડાયેલ કેમ ન હો, અને આભ-ઊંચી દીવાલોમાં કેદ કેમ ન હો, તમે આઝાદ છો. પિંજરામાં રહેવાની ટેવ પડી ગઈ હોય એ પંખી પિંજરાનો દરવાજો ખુલ્લો મૂકી દેવામાં આવે તો પણ ઊદી શકતું નથી. પ્રાણીસંગ્રહઅલયમાં જીવવા તેવાઈ ગયેલા સિંહને જંગલમાં શિયાળ પણ હંફાવી દે છે. તો સામા છેડે અઅંદામાનની કાલા પાણીને જેલ પણ સાવરકર જેવા નવયુવાનને દરિયો લાંઘતા રોકી શકતી નથી ને ફાંસીનો માંચડો પણ ભગતસિંહના ઈરાદાઓને કચડી શકતો નથી. અમેરિકન યુવા કવયિત્રી એન્સેલ આઝાદીની આવી અવસ્થાનું સાવ નાનકડું પણ અર્થગંભીર કાવ્ય રજૂ કરે છે.
એન્સેલ એલ્કિન્સ. અલાબામા, અમેરિકા ખાતે જન્મ. સ્નાતક અને અનુસ્નાતક સુધીનો અભ્યાસ. ૨૦૧૫માં જ એમનો પ્રથમ કાવ્યસંગ્રહ બ્લુ યૉડેલ પ્રગટ થયો હતો. આ સંગ્રહની કવિતાઓને ‘વૉશિંગ્ટન પોસ્ટ’ પાવરહાઉસ પોએમ્સ કહીને ઓળખાવે છે. ટૂંકા ગાળામાં જ ઘણા બધા પારિતોષિક તથા માન-અકરામથી તેઓ નવાજાયાં છે. હાલ ૩૬ વર્ષની વયે યુનિવર્સિટી ઑફ નોર્થ કેરોલિના ખાતે વિઝિટિંગ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સર્જનાત્મક લેખન શીખવે છે. એમના પોતાના કહેવા મુજબ એમની કવિતાઓ ‘વંશીય હિંસા અને અલગાવના જટિલ સ્થળના રૂપમાં દક્ષિણની સાથોસાથ પારિવારિક પ્રેમની પણ છનબીન કરે છે.’ લખતી વખતે એકાંત અને શાંતિ એમની પ્રાથમિક જરૂરિયાત છે. પોતાના પતિની હાજરી પણ એમને ખલેલ લાગે છે.
ઇવની આત્મકથા’ શીર્ષક આપણને બે જ શબ્દોના વિમાનમાં બેસાડીને ક્ષણાર્ધમાં જ મનુષ્યજાતના અસ્તિત્વની પ્રથમ પળોના દેશમાં લઈ જાય છે. ઇવ એ સંસારની પ્રથમ સ્ત્રી હતી. હિબ્રૂ બાઇબલ તથા જૂના કરારની ‘બુક ઑફ જિનેસિસ’માં માનવોત્પત્તિ બે અલગ આયામોથી વર્ણવાઈ છે. પહેલામાં આદમ અને ઇવ એવા નામકરણ વિના ઈશ્વરે માનવજાતનું સર્જન કર્યું એમ કહેવાયું છે તો બીજામાં ઈશ્વર ધૂળમાંથી આદમનું સર્જન કરી એને ઈડનના બગીચામાં રાખે છે. એને સૂચના હોય છે કે સારા-નરસાના જ્ઞાનવૃક્ષને બાદ કરતાં એ બાગમાંના બધા જ વૃક્ષના ફળો ખાવા આઝાદ છે. આદમને ‘કંપની’ આપવા ઈશ્વર ઇવનું સર્જન કરે છે. બંને એટલા નિર્દોષ છે કે પોતાની નિર્વસનતા પરત્વે બિલકુલ બેખબર છે. પણ એક સાપના છટકામાં ફસાઈને ઇવ જ્ઞાનવૃક્ષનું ફળ તોડે છે અને આદમને પણ એ ખાવા પ્રેરે છે. ફળ ખાવાથી જ્ઞાનની સાથોસાથ સાર-અસારનો ખ્યાલ પણ આવ્યો અને બંનેના જીવનમાં શરમનો સંચાર પણ થયો. ઈશ્વરાજ્ઞાની અવહેલના બદલ બંનેને બાગમાંથી ખદેડીને પૃથ્વી પર મોકલી આપવામાં આવ્યાં અને આમ મનુષ્યજાતનું સર્જન થયું. બસો-પાંચસો વર્ષ પહેલાં નહીં, પણ સાવ તાજેતરમાં, આ એકવીસમી સદીમાં જ, ૨૦૧૪માં થયેલા સર્વેક્ષણ મુજબ મનુષ્ય-ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક તથ્યોથી બિલકુલ વાત કરતું આદમ-ઇવનું આ કથાનક સાચું જ છે એમ અમેરિકા જેવા અગ્રગણ્ય દેશની અડધાથી વધુ વસ્તી દૃઢતાપૂર્વક માને છે! બાઇબલથી વિપરિત ઇસ્લામમાં આદમ અને હવ્વા બંનેને પાપમાં સરખા ભાગીદાર બતાવાયા છે અને એમનું પાપ માત્ર એમના પૂરતું જ સીમિત રહે છે, નહીં કે આખી માનવજાતનું. અસંખ્ય કળાકારો અને સાહિત્યકારો આદમ અને ઇવને પોતાની દૃષ્ટિથી જોવા-જાણવા-મૂલવવાની યથેચ્છ કોશિશ કરતા આવ્યા છે, કરતા રહેશે.
અહીં પણ એકવીસમી સદીના બીજા દાયકામાં યુવા કવયિત્રી ઇવને ઇતિહાસ અને વર્તમાનના સંધિકાળ પર લાવીને વિચારે છે. આમ તો આત્મકથા પાનાંના પાનાંઓ ભરીને હોય, પણ આ કવિતા છે. કવિતા સદીઓનું કામ ક્ષણમાં કરી શકવાનો કમાલ ધરાવે છે. સાવ નાની અમથી કવિતામાં કવયિત્રી ઇવની લગભગ સર્વાંગસંપૂર્ણ જ કહી શકાય એવી બળવત્તર આત્મકથા આલેખે છે. માત્ર સોળ જ પંક્તિની આ આત્મકથા ૧૩/૦૧/૦૨ પંક્તિઓના બિલ્કુલ અસમાન ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. કવિતામાંથી ઇવની આઝાદીનો સૂર પ્રગટતો હોવાથી કવયિત્રી પણ છંદ અને પ્રાસના બંધન ફગાવીને આઝાદ અછાંદસ કાવ્ય લઈને આવે છે. ૨૦૧૨ની સાલમાં રશિયામાં ૧૧ સ્ત્રીઓએ શરૂ કરેલા રૉક બેન્ડે તત્કાલિન પ્રમુખ પુટિનના નેજામાં સરમુખત્યારશાહી જેવી ભાસતી ખોખલી લોકશાહી, ચર્ચની રૂઢિચુસ્ત નીતિઓના વિરોધમાં અને સ્ત્રીત્વના સન્માનમાં જાહેરમાં અનધિકૃત ઉત્તેજક ગેરિલા (છાપામાર) પ્રદર્શનો કર્યાં, જેના પરિણામસ્વરૂપ ત્રણ સ્ત્રીઓને કેદ પણ કરવામાં આવી અને એમના પર કેસ ચલાવવામાં આવ્યો, જે કેસે ‘બેન્ડ પુસી રાયટ’ના નામે વિખ્યાત થયો અને આખી દુનિયાનું ધ્યાન એ તરફ ખેંચાયું હતું. એન્સેલ આ કવિતા વિશે કહે છે કે, ‘આ બેન્ડ પુસી રાયતના કેસનો અભ્યાસ કરતી વખતે, મે વેસ્ટના નાટકો અને મેર્લિન ડિટ્રિચ-ક્લેરા બૉની ફિલ્મો જોતી વખતે, મેં આ કવિતા લખવી શરૂ કરી, જે સેક્સ, લાલસા, વિદ્રોહ અને કહેવાતી પતિતાઓનું ગીત હતું. પણ મુસદ્દા પર મુસદ્દા ઘડવા છતાં કવિતા હાથતાળી આપતી રહી. લાંબા અંતરાલ બાદ, ન્યૂયૉર્કની હૉટલમાં આદુ ખાઈને મચી પડી ત્યારે અચાનક ખ્યાલ આવ્યો કે મારે પ્રવર્તમાન સ્ત્રીઓ વિશે નહીં પણ ઇવ વિશે લખવાનું છે. આખી કવિતા તોડીમરોડી નાંખીને સેંકડો વાર અલગ અલગ રીતે પંક્તિઓ ગોઠવી અને સારી છોકરી અને ખરાબ છોકરી વચ્ચેની મહત્ત્વપૂર્ણ ક્ષણની નાડ પકડવા માટેના પ્રયાસમાં વાક્યવિન્યાસ અને ધ્વનિઓ સાથે રમતી રહી.’ કવિતા કવિ પાસેથી કેવી સાધનાની અપેક્ષા રાખે છે એ આ કસરતની કબૂલાત પરથી સમજી શકાય છે. સૂંઠના ગાંગડે ગાંધી થવા માંગતા કવિઓ માટે આ સચોટ દીવાદાંડી ગણી શકાય.
ઇવ આપણી સમક્ષ નિર્વસ્ત્ર આવે છે. આ ઇવની આત્મકથા છે એટલે વસ્ત્રોનો અભાવ સમજી શકાય છે, પણ અહીં વસ્ત્રોનો સંપૂર્ણ અભાવ પણ નથી. એણે આખા શરીર પર ભલે એકપણ કપડું કેમ ન પહેર્યું હોય, પગમાં સાપની કાંચળીમાંથી બનાવેલ જૂતાં જરૂર પહેર્યાં છે. એન્સેલ સમજણપૂર્વક જૂતાંને કાવ્યની પ્રથમ પંક્તિથી અલગ કરીને બીજી પંક્તિમાં ગોઠવે છે. પ્રથમ પંક્તિમાં આવતી નિર્વસનતા અને સાપ આપણને સંસારની પ્રથમ સ્ત્રી સાથે સાંકળે છે તો બીજી પંક્તિમાં જૂતાંનો ઉલ્લેખ આપણને આજની સ્ત્રી સાથે મુખામુખ કરી આપે છે. નાની અમથી અપૂર્ણાન્વયની પ્રયુક્તિથી કવિ સમયના બે છેડાના અંતિમોને કેવા સાંધી આપે છે! પરિણામસ્વરૂપ કાવ્યનાયિકા ઇવ એ પ્રથમ સ્ત્રી મટીને પ્રથમ સ્ત્રીથી શરૂ કરીને આજ સુધી પૃથ્વીના પટ પર ભ્રમણ કરી ચૂકેલી અને આજ પછી ભ્રમણ કરવા આવનારી તમામ સ્ત્રીઓની પ્રતિક બની રહે છે. ઇવ કોઈ એક સ્ત્રી બનવાના બદલે સાક્ષાત્ નારીશક્તિ બનીને આપણી સામે આવે છે. અને આ ચમત્કાર કવયિત્રી માત્ર સવા લીટીમાં જ કરી બતાવે છે. આ જ શબ્દની સાચી શક્તિ છે. આ જ કવિની પ્રતિભાનો ખરો કમાલ છે. શબ્દની આ શક્તિથી નાવાકેફ અને આવી પ્રતિભાની કમાલ ન ધરાવતા મિત્રોની કવિતા સપાટી ભેદીને ભીતર સુધી કદી પહોંચી જ ન શકે.
આદમ-ઇવની વાર્તામાં સાપ ખલનાયકનું કામ કરે છે. શેતાન બોલતા સાપના રૂપમાં આવીને ઇવને ફળ ખાવા લલચાવે છે અને આદમને પણ ખવડાવવા માટે ઉકસાવે છે. આ કારણોસર કાવ્યનાયિકા ઇવ સાપની ત્વચાનો જૂતાં તરીકે ઉપયોગ કરે છે. કવયિત્રી શેતાનને એનું સાચું સ્થાન બતાવે છે. ઈશ્વર આદમ અને ઈવને ઈડનના બગીચામાંથી ખદેડીને પૃથ્વી પર ધકેલે છે. એ જ વાતને દેશનિકાલની સજાની કાલિમાથી લીંપવાના બદલે જૂના સામ્રાજ્યમાંથી નીકળતા નવા અને અજ્ઞાત પ્રદેશ તરફ લઈ જતા માર્ગ પર મુસાફરી આદરીને નવો જ ચીલો ચાતરવાની હિંમત સાથે સાંકળી લઈને કવયિત્રી નવો જ આયામ બક્ષે છે. કવયિત્રી અહીં ‘બ્લેઝ્ડ અ ફૂટપાથ’ શબ્દસમૂહ પ્રયોજે છે. અંગ્રેજીમાં આમ બ્લેઝનો અર્થ આગ લગાડવી થાય છે પણ ‘ટુ બ્લેઝ અ ટ્રેઇલ’ મહાવરાનો મતલબ (પાછળ આવનારાઓ માટે) રસ્તો સાફ કરવો અથવા નવો ચીલો ચાતરવો થાય છે. અઢારમી સદીમાં સૈનિકો ઝાડ-ઝાંખરા બાળીને રસ્તો બનાવતા હતા એને ‘ટુ બ્લેઝ અવે’ કહેવાતું હતું જેમાંથી પછી ‘ટુ બ્લેઝ અ ટ્રેઇલ’ રૂઢિપ્રયોગ બન્યો જેનો અર્થ હતો ઝાડી-ઝાંખરા સાફ કરીને નવો રસ્તો બનાવવો અથવા વૃક્ષો પર હથિયાર વડે નિશાનીઓ કરીને પાછળ આવનારાઓ માટેનો માર્ગ સુનિશ્ચિત કરવો. ઇવ તો પહેલો જીવ હતી એટલે એ તો જે મર્ગ પર જાય એ સંસાર માટે નવો જ હતો પણ આ વાત આજની ઇવની છે. આજની ઇવે પણ શેતાનને પગે બાંધી દઈને જે રસ્તે કોઈ ગયું નથી, જે રસ્તો ક્યાં દોરી જનાર છે એનું જ્ઞાન પણ નથી એ ‘ફનાના પંથ પર આગેકદમ’ કર્યા છે. આ આમૂલ પરિવર્તનનો માર્ગ છે અને અહીં કશુંય પહેરીને જવાનું નથી. દુનિયાએ આપેલું બધું જ ત્યાગી દીધા પછી જ આ માર્ગ પર કદમ મંડાશે એ નક્કી છે અને આપણી ઇવ આ વાત જાણે છે.
ઇવ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેની સીમા પર આવી ઊભી છે. સ્વર્ગનો ત્યાગ કરીને પૃથ્વી તરફ મહાભિનિષ્ક્રમણ કરવાની આ ક્ષણ છે. બાઇબલ અને કુરાનમાં તો આદમ સાથે હતો, અહીં ઇવ સાવ એકલી ઊભી છે એટલે ભયભીત પણ છે. જેને આપણે જાણતા નથી એનો જ આપણને ડર હોય છે. ઈશ્વર હોય, અંધારું હોય કે મૃત્યુ હોય- આજદિન સુધી કોઈને એનો સાક્ષાત્કાર થયો નથી એટલે જ એ ડરાવે છે. સ્વર્ગના મહાન દ્વારો સળગતા સોનાથી પ્રજ્વલિત છે. દ્વાર સ્વર્ગના છે કે પૃથ્વીના, એ કવયિત્રીએ કહ્યું નથી પણ સળગતા સોનાના દ્વારમાંથી નીકળીને ઇવ લીલી આગમાં જીવંત પહોંચે છે એ પરથી અને દુનિયાના દરેક સંપ્રદાયે સ્વર્ગનો જે રીતે મહિમાગાન કર્યો છે એ જોતાં સ્વર્ગના દ્વાર જ સોનાના હોઈ શકે એમ સહજ અનુમાન કરી શકાય. સોનુ મૂલ્યનું, સ્વર્ગના એશોઆરામ તથા સમૃદ્ધિનું અને આગ એ ભડભડતી ઇચ્છાનું, પુરુષોની ઈર્ષ્યાનું પણ પ્રતિક છે. ઇવ બધા સ્થાપિત મૂલ્યો, એશોઆરામ, સુખસમૃદ્ધિનો ત્યાગ કરીને અને ભડભડતી ઇચ્છાઓ અને જમાનાની આગ ઓકતી ઈર્ષ્યાઓને અવગણીને જે રાહ પર કોઈ આજ સુધી ગયું નથી એ રાહ પર સાવ એકલી જ ઝંપલાવે છે. એ એકલી છે, ભયભીત છે પણ પાછી પાની નથી કરતી એ વાત એની આત્મકથાનું સૌથી મહત્ત્વનું પ્રકરણ છે.
સ્વર્ગ અને પૃથ્વીના સીમાડા પર એક રહસ્યમય પડઘો એને સંભળાય છે. દુનિયાના સ્થાપિત ઈશ્વરોએ સ્ત્રીઓ માટે વાડાઓ બાંધી રાખ્યા છે. સમાજ આ હોય કે તે, આજનો હોય કે કાલનો, પુરુષોએ સ્ત્રીઓ માટે લક્ષ્મણરેખાઓ દોરી જ રાખી છે. દુનિયાના તમામ શાસ્ત્રો પુરુષોએ લખ્યા, તમામ ધર્મોનું નિર્માણ પુરુષોએ કર્યું, તમામ ધર્મોના વડાસ્થાને પુરુષો જ બેઠા છે, તમામ મુખ્ય ઈશ્વરો પણ પુરુષ જ છે, તમામ કાયદાઓ પુરુષોએ ઘડ્યા, ને તમામ ઇતિહાસો પણ પુરુષોએ જ લખ્યા છે. માટે સ્ત્રીઓનું સ્થાન હંમેશા બીજા ક્રમનું જ રહ્યું. આદમનું સર્જન કર્યા પછી ઇવનું સર્જન પણ બીજા ક્રમે થયું અને એ પણ આદમની પાંસળીમાંથી. આમ, બહુ સરળતાથી સ્ત્રીને પુરુષનો એક નાનો અમસ્તો હિસ્સો જ હોવાની ખાતરી કરાવી દેવામાં આવી. જોન મિલ્ટનના સુપ્રસિદ્ધ મહાકાવ્ય ‘પેરેડાઇઝ લૉસ્ટ’માં બહુ ક્રૂર પૌરુષી શબ્દોમાં લખ્યું છે: ‘તે (આદમ) માત્ર ભગવાન માટે, તેણી (ઇવ) એના(આદમ)માં રહેલા ભગવાન માટે’ છે. બાઇબલમાં ઈશ્વર ઇવને સજા આપતાં કહે છે, ‘હું તારી પ્રસુતાવસ્થાની તકલીફો ખૂબ વધારી દઈશ; તારે દર્દ ભોગવીને બાળકોને જન્મ આપવાનો છે, અને તારી ઝંખના તારા પતિ માટે જ હશે, અને એ તારા પર આધિપત્ય ભોગવશે.’ કોઈ સ્ત્રીએ બાઇબલ લખ્યું હોત તો? સ્ત્રીઓ ધર્મની, શાસ્ત્રોની, ઈશ્વરની, ઇતિહાસની રચયિતાઓ હોત તો? સ્ત્રીઓ ધર્મગુરુઓ હોત તો? કાયદા ઘડનારી હોત તો?
પણ આ થયું નથી. પુરુષપ્રધાન સમાજોએ સ્ત્રીઓ માટે ચારે તરફ માર્ગદર્શિકાઓની કાંટાળી વાડ બાંધી જ રાખી છે. ઇવ આવા જ કોઈ પ્રતિબંધિત પ્રદેશમાંથી એના પોતાના અવાજનો રહસ્યમયી પડઘો સાંભળે છે. આ પડઘો ગૂઢ એટલા માટે છે કે એ પ્રતિબંધિત વિસ્તારોમાંથી, જ્યાં એણે હોવું ન જોઈએ ત્યાંથી ઊઠ્યો છે અને અહીં સુધી આવ્યો છે. એ પોતે પોતાના માટે ગાઈ રહી છે. એ પોતે જ પોતાની માર્ગદર્શિકા છે. બુદ્ધનું મહાવાક્ય ‘अप्प दीपो भव।’ (તું તારો દીવો થા) યાદ આવે. આજ વાત ભોગીલાલ ગાંધી પણ કહી ગયા:
રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
તું તારા દિલનો દીવો થા ને! ઓ રે! ઓ રે! ઓ ભાયા!
માણસ જ્યારે પોતાનો અવાજ સાંભળી શકે છે ત્યારે એ સાચા અર્થમાં જાગે છે. જમાનાની માર્ગદોરી પર ચાલ્યા કરીશું ત્યાં સુધી નવો માર્ગ જડવાનો નથી, નવો ચીલો ચાતરી શકાવાનો નથી. આપણી અંદરથી જે પડઘો ઊઠે છે એ પડઘો સાંભળવાના કાન પ્રાપ્ત થશે એ ઘડી એ જાગવાની ઘડી છે, એ ઘડી વણખેડેલી ભોમકાઓ સર કરવાની શરૂઆતની ઘડી છે. ઇવ ઝબકીને સફાળી જાગી ઊઠે છે. એ પોતાને લીલી અગનજ્વાળાઓની વચ્ચે જીવિત જુએ છે. લીલો રંગ હરિયાળીનો, જીવનનો, આશાનો, તાજગીનો રંગ છે. લીલો રંગ ઈર્ષ્યાનો અને કામલોલુપતાનો પણ રંગ છે. સ્ત્રીઓના સંદર્ભમાં લીલો રંગ ફળદ્રુપતા પણ નિર્દેશે છે. ટૂંકમાં સ્વર્ગની નિર્જીવ સોનાની આગમાંથી નીકળીને ઇવ જિંદગીની લીલીછમ આગમાં જીવંત જાગૃતિમાં પહોંચે છે. આ એણે કંડારેલો માર્ગ છે. પુરુષોએ ચીંધેલા માર્ગથી ઉફરા ચાલીને આ ચીલો એણે સ્વર્ગ જેવી સુખમાયાઓનો ત્યાગ કરીને ચાતર્યો છે. આ માર્ગ એણે આવનારી પેઢીઓની તમામ સ્ત્રીઓ માટે પ્રશસ્ત કર્યો છે…
કવિતાનો મુખ્ય ભાગ અહીં ખત્મ થાય છે. એ પછીની કવિતા માત્ર એક પંક્તિ અને અંતે બે જ પંક્તિ –એમ બે સાવ ટબૂકડા પણ બળુકડા ભાગોમાં વહેંચાયેલ છે. ઇવ સિંહગર્જના કરે છે. સૉરી, સિંહણગર્જના કરે છે એમ કહેવાનું હોય. ઇવ કહે છે, આ વાતની બધાને જાણ થવા દો કે હું સન્માનના ઉચ્ચાસનેથી પતન નહોતી પામી. પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન થયેલું જોઈને ઈશ્વર ગુસ્સે ભરાયા હતા. આમ તો ગુસ્સો કરવો અને બદલો લેવો એ મનુષ્યનું અને સાચા અર્થમાં તો મનુષ્યમાં રહેલા શેતાનનું કામ છે. ઈશ્વર તો સૌનો પિતા છે અને મા-બાપ સંતાનની નાદાની કે ભૂલ પર સાચા અર્થમાં કદી ગુસ્સો ન કરે, અને બદલો તો કદી ન લે. પણ પરમપિતા પરમેશ્વર આદમ-ઇવની ભૂલને નજરઅંદાજ કરવાના બદલે એમને સ્વર્ગનિકાલો આપીને સજા ફરમાવે છે. આપણે આજે પણ આ ભૂલને ‘મૂળ પાપ’ (ઓરિજિનલ સીન) કહીને ઈશ્વરને ‘જસ્ટિફાય’ કરવાનું મૂળ પાપ કરીએ છીએ. પણ ઇવ આજે જાહેરમાં આ વાતને ડંકે કી ચોટ પર રદિયો આપે છે. એ અવમાનિત થઈ હોવાની કે પતિતા હોવાની વાતનો સરેબજાર નનૈયો ભરે છે. એન્સેલ ‘ફૉલ ફ્રોમ ગ્રેસ’ રૂઢિપ્રયોગ પ્રયોજે છે. ઢગલાબંધ નવલકથાઓ, સંગીતના આલ્બમ, અનેક ગીતો અને ત્રણેક જેટલી ફિલ્મો આ રૂઢિપ્રયોગ પરથી બની ચૂક્યાં છે. આ રૂઢિપ્રયોગનો સીધો અર્થ સામાજિક સ્થિતિ, માન અને પ્રતિષ્ઠા ગુમાવવી થાય છે. પણ એન્સેલ બાઇબલના ‘ફૉલ ઑફ મેન’ તરફ પણ નિશાન તાકે છે. આદમ અને ઇવના ઈશ્વર પરત્વેની નિર્દોષ આજ્ઞાંકિતતામાંથી ગુનાહિત અવજ્ઞામાં થયેલા પરિવર્તન માટે આ રૂઢિપ્રયોગ વપરાય છે. ગ્રેસનો એક અર્થ ઈશ્વરકૃપા પણ થાય છે. પણ ઈવ પોતે ઈશ્વરકૃપાથી કે પોતાના મૂળ સન્માનથી ચ્યુત થઈ હોવાનો સાફ ઈનકાર કરે છે.
પોતે સ્વર્ગમાંથી અજ્ઞાત રસ્તા પર શા માટે આવી ચડી એ વાતનો ઉત્તર આપતાં કાવ્યાંતે ઇવ કહે છે કે મેં તો છલાંગ ભરી હતી આઝાદીની. આખરે, નવા મિલેનિયમની પહેલી નવીનકોર સદીમાં ૧૮ વર્ષની પુખ્ત વયે પહોંચેલી ટીનએજર ઇવ સર્પત્વચાની પરીકથાઓ અને બંધનો જે એનું ચિત્રણ પરાપૂર્વથી ‘સેકન્ડ સેક્સ’ તરીકે કરતાં આવ્યાં છે, એ તમામને ફગાવીને પોતાની આઝાદીના મહેરામણમાં લાં…બી ફર્લાંગ ભરી રહી છે એ વાત આદિ સ્ત્રીની આત્મકથાના પ્રતિક વડે કવયિત્રી અહીં સફળતાપૂર્વક કહી શક્યાં છે. શીર્ષક વાંચીએ ત્યારે તો આપણને એમ જ થાય કે ઇવની આત્મકથા એટલે તો એ જ જૂની વાર્તા જે આપણે બાળપણથી બરાબર જાણીએ છીએ. પણ કવિનું મુખ્ય કામ જ જાણીતાને અણજાણ્યું બનાવવાનું અને અણજાણ્યાને જાણીતું બનાવી દેવાનું છે. હજારો સદીઓથી કહેવાતી-સંભળાતી આવેલી વાર્તાને પણ એ સાવ નવા જ કલેવર પહેરાવીને બિલકુલ મૌલિક અંદાજે-બયાં સાથે રજૂ કરે છે ત્યારે ‘અરે, આ તો આપણે જાણીએ જ છીએ’નો આપણો ભ્રમ ભાંગીને કડડડભૂસ થઈ જાય છે. આદમ અને ઇવની મહાગાથા કહેતા મહાકાવ્ય ‘પેરેડાઇઝ લૉસ્ટ’ના નવમા પુસ્તકમાં જ્ઞાનવૃક્ષનું ફળ ખાધા બાદની ઇવની એકોક્તિ યાદગાર છે. એ પહેલવહેલીવાર ‘આઝાદી’ શબ્દોચ્ચાર કરે છે. અને જ્ઞાનફળ ન ખાવા માટેની ઈશ્વરની આજ્ઞા કેટલી ખોટી છે એનું પૃથક્કરણ પણ કરે છે. એ કદાચ બતાવવા માંગે છે કે પોતે પણ આદમ-સમોવડી જ છે, ઊતરતી નથી. મહાકાવ્યની આ એ ક્ષણ છે, જ્યારે ઇચ્છા ગુનો સાબિત થાય છે. પણ એન્સેલની ઇવની આ આત્મકથા આજની સ્ત્રીઓની આત્મકથાનું પ્રથમ સુવર્ણ પ્રકરણ છે. આજની ઇવ એની નાનકડી આત્મકથામાં સમાજની ઠેકેદાર બની બેઠેલી આખી પુરુષજાતને છડેચોક સંભળાવે છે કે ઇવ હવે સ્વર્ગના કપોળકલ્પિત સ્વપ્નાંઓ અને પુરુષોના સોનાનાં સળગતાં પાંજરાઓમાંથી બહાર જીવંત હરિયાળી દુનિયામાં નવીનકોર આઝાદીનો કૂદકો મારી ચૂકી છે… સ્ત્રી તમારા સમોવડી બનવા નથી ઇચ્છતી, એણે તો આઝાદ થવું છે… એ આઝાદ થઈ ચૂકી છે…
ઈવની આત્મકથા કાવ્યમાં જે અદ્ભુત ગુઢ વાતો કવયત્રિએ કરી છે,તે વાતોને વિવેકભાઈએ મારા જેવા વાચકોને રસપ્રદ શૈલીમાં વિસ્તારપુર્વક સમજાવીને એક મોટી સેવા કરી છે.ખુબ મઝા આવી.ડો.વિવેક્ભાઈને અભિનન્દન !
ખૂબ ખૂબ આભાર, જનાબ…