ગ્લૉબલ કવિતા : ૪૫ – (નાનકડું ચિનાર) – અજ્ઞાત (ઇજિપ્ત)

The Little sycamore

The Little sycamore she planted
prepares to speak – the sound of rustling leaves
sweeter than honey.
On its lovely green limbs
is new fruit and ripe fruit red as blood jasper,
and leaves of green jasper.
Her love awaits me on the distant shore.
The river flows between us,
crocodiles on the sandbars.s
Yet I plunge into the river,
my heart slicing currents,
steady as if I were walking.

O my love, it is love
That gives me strength and courage,
Love that fords the river.

– Unknown Egyptian
(Eng. Translation: Sam Hamill)


નાનકડું ચિનાર

નાનકડું ચિનાર, જે તેણીએ રોપ્યું હતું
બોલવાની તૈયારીમાં છે – પાંદડાઓનો મર્મરાટ
મધથીય મીઠો.

એના પ્યારા લીલા અંગો પર
છે કાચાં ફળ અને પાકાં ફળ લાલ જાણે કે લાલ માણેક,
અને પાંદડાઓ જાણે કે લીલા માણેક.

દૂર પેલે કાંઠે એનો પ્રેમ મારી પ્રતીક્ષામાં છે.
નદી વહી રહી છે અમારી વચ્ચે,
મગરો રેતીની પથારી ઉપર.

તોય હું નદીમાં ઝંપલાવું છું,
મારું હૃદય પ્રવાહોને કાપતું, સ્થિર
જાણે કે હું ચાલતો ન હોઉં.

ઓ મારા પ્યાર, એ પ્યાર જ છે
જે મને તાકાત અને હિંમત આપે છે,
પ્યાર જે નદીમાં રસ્તો કાપે છે.

– અજ્ઞાત (ગ્રીક)
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)

પ્રણયનો મારગ છે શૂરાનો…

ચાંદો એની પખવાડિક રજા પર હતો ને મેઘલી અમાસની રાતે આગિયા જેટલો પ્રકાશ પાથરનાર તારાઓ પણ વાદળોમાં છૂપાઈ ગયા હતા. પાદર-જંગલમાં અટવાતો-અથડાતો એ નદીના કિનારે આવી ઊભો. એક તો માથે સાંબેલાધાર વરસાદ કોઈએ સમ દીધા હોય એમ અટકવાનું નામ નહોતો લેતો ને નદી પણ પૂર આવ્યું હોય એમ બે કાંઠે વહેતી હતી. પરિણામની પરવા કર્યા વિના એણે નદીમાં ઝંપલાવ્યું ને તરવાના બદલે તણાવા માંડ્યો. ક્યાંકથી એક લાકડું હાથ ચડી ગયું તે પકડી લઈ માંડ સામા કિનારે પહોંચ્યો ને ચાલતો-લંગડાતો એના ઘર સુધી આવી પહોંચ્યો. કાળીડિબાંગ રાતના આવા કારનામા દરવાજો ખટખટાવવા જેટલા ઉજળા તો ક્યાંથી હોવાના? એની બારી કઈ છે એ ખબર હતી એટલે બારીમાંથી લટકતું દોરડું પકડીને એ ઉપર ચડી ગયો. પ્રિયાએ પહેલાં તો એને બાથમાં લીધો ને પછી કઈ રીતે આવી શકાયું એનો ઇતિહાસ પૂછ્યો. દોરડું? એની આંખો ચાર થઈ ગઈ… બારી પાસે જઈ જોયું તો સાપ લટકતો હતો. નદીમાં સહારો લીધો એ લાકડું પણ શબ હતું એ સમજાયું… પત્નીએ ધિક્કારમિશ્રિત ગુસ્સામાં સંભળાવ્યું કે હાડ-ચામના આ દેહ પ્રત્યે તમને જેટલી પ્રીતિ છે એનાથી અડધી પણ રામ માટે હોત તો આ ભવસાગર પાર કરી ગયા હોત. યુવકને લાગી આવ્યું અને આપણને સંતકવિ ગોસ્વામી તુલસીદાસ પ્રાપ્ત થયા.

પાંચસો વર્ષ પહેલાંની ભારતમાં ઘટેલી આ ઘટનાનું આલેખન પાંત્રીસસો વર્ષ પહેલાં ઇજિપ્તના કોઈ કવિ કરી ગયા હતા એમ કોઈ આપણને કહે તો? ન ફેસબુક, ન વૉટ્સ-એપ, ન ઇન્ટરનેટ, ન ફોન – પ્રત્યાયનના કોઈપણ સાધનસુવિધા વિના પાંચ હજાર કિલોમીટર અને ત્રણ હજાર વર્ષોનો અવરોધ વટાવીને આકાશ-ધરતી જેવી બે ભિન્ન સંસ્કૃતિ કોઈ એક જગ્યાએ ભેગી મળતી જોવા મળે તો એ ક્ષિતિજનું નામ સાહિત્ય જ હોવાનું. કવિતા પણ કેવી સંતર્પક ! એક શબ્દ વધારાનો નહીં. એક વાક્ય આમથી તેમ ખસેડી શકાય એમ નહીં. શૂન્ય ગ્લૉબલાઇઝેશનના જમાનામાં બીજા કોઈ પણ સાહિત્યની જાણકારીના અભાવમાં લખાયેલી આ કવિતાની મૌલિકતા વિશેનો વિચાર જ રૂંવાડા ખડા કરી દે છે.

૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં ચિનાર વૃક્ષ નીચે બેઠેલો કોઈ કવિ મગરમચ્છથી છલકાતી નદીમાં ઝંપલાવીને પોતાની પ્રિયા સાથે સાયુજ્ય પામવા એ જ રીતે કૂદ્યો હશે જે રીતે તુલસીદાસે રત્નાવલીને પામવા માટે ઝંપલાવ્યું હશે. સ્થળ કે સમય ભલેને બે દૂ…રના અંતિમો પર કેમ ન હોય, પ્રેમ અને પ્રેમને પામવાની રીત તો અનાદિકાળથી સરખી જ રહી છે. જેમ ઝાડને ફળ કેમ વિકસાવવું એ શીખવવું નથી પડતું તેમ મનુષ્યને પ્રેમ અને પ્રેમમાં સાહસ કરવાનું શીખવવું નથી પડતું. પ્રેમ એ રક્તસંસ્કાર છે. પ્રેમ મનુષ્યનો શૌર્યસંસ્કાર પણ છે. પ્રેમની જનોઈ જાણે કવચ-કુંડળ ન હોય એમ પ્રેમી દુનિયા આખી સામે બાથ ભીડતા ખચકાતા નથી. આપણે ભલે એમ કહીએ છીએ કે પ્રેમમાં માણસ ‘પડે’ છે કે ‘ડૂબે’ છે પણ આપણે એ પણ જાણીએ છીએ કે પ્રેમમાં જે જેટલો વધુ પડે છે કે ડૂબે છે એ જ જિંદગીમાં એટલો ઊઠે છે કે તરે છે.

જેમ આપણે ત્યાં કામદેવ એમ ગ્રીક પુરાણકથાઓમાં ઇરોઝ પ્રેમ અને કામનો દેવતા ગણાય છે. કામદેવની જેમ જ એ પણ તીર-કામઠાં રાખે છે અને બાણ છોડીને ઘાયલ કરે છે, પ્રેમમાં પાડે છે. ઇરોઝ તોફાની પ્રકૃતિનો દેવતા છે. ન કરવાના કામ કરે છે ને કરાવે પણ છે. પ્રેમ તો સફર છે, ઇરોઝ રાહબર છે, મંઝિલ સમ્-ભોગ છે. ૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં થઈ ગયેલ આ કવિ તો ઇરોઝ કે કામદેવને જાણતો નથી, એને જાણ નથી કે ઇરોઝ એની પાસે શું કરાવી રહ્યો છે, એ તો માત્ર એના દિલની લાગણીઓનો જ વશવર્તી ગુલામ છે ને એટલે જ એ આંધળુકિયા કરવા પર મજબૂર છે.

નાયક કદાચ નદીના આ કાંઠે ચિનાર વૃક્ષની નીચે ઊભો છે, એ વૃક્ષ પ્રેયસીએ જાતે જ રોપ્યું હતું એટલે નાયકને મન એની કેટલી કિંમત હશે એ સહજ સમજી શકાય છે. આ વૃક્ષ પ્રેમનું પ્રતીક પણ છે. હજી એ નાનકડું છે એટલે પ્રેમ પણ તાજો-તાજો જ હશે. વૃક્ષ પર પાંદડાં અને કાચાં-પાકાં ફળ આવી ચૂક્યાં છે મતલબ પ્રેમ નવો ખરો પણ એટલો પણ નહીં, પરિપક્વ છે, ફળ આપી શકે એટલો પુખ્ત છે. નાયિકા તો સામા કાંઠે બહુ દૂર છે એટલે નાયકને નાયિકાના વરદહસ્તે રોપાયેલ ચિનારવૃક્ષ બોલવાની તૈયારીમાં હોય એમ લાગે છે. પાંદડાઓનો મર્મરધ્વનિ મધમીઠો નહીં, મધથીય મીઠો લાગે છે. ઝાડની ડાળીઓ પણ ‘બોલકણું’ ઝાડ સજીવ ન હોય એમ ઝાડના અંગોપાંગ જેવી નજરે ચડે છે અને વળી એ પ્યારી પણ લાગે છે. ફળ લાલ માણેક જેવા લાગે છે અને પાંદડાં લીલા માણેક જેવા. વાહ રે પ્રેમ! વાહ રે પ્રેમના ચશ્માં!

પ્રેમ હંમેશા પરીક્ષા માંગે છે. એટલે જ બે પ્રેમીઓના મિલનની વચ્ચે નદી અવરોધ થઈને વહી રહી છે અને આટલું અપૂરતું હોય એમ આ નદી વળી મગરોથી ભરી પડી છે ને કેટલાક તો નદીકાંઠે રેતીમાં ચામડી શેકવા માટે પડ્યા છે. (કવિએ નદીમાંના મગરો વિશે કશું કહ્યું નથી પણ સમજી શકાય છે કે કિનારા પર મગરો હશે તો પાણીમાં તો હોવાના જ!) મગર એ પ્રેમીઓને નડતા સંકટોનું પણ પ્રતીક છે. સામા કાંઠે જવા માટે નાયક પાસે માત્ર હાથ-પગની હોડી ને હિંમતના હલેસાં જ છે. માયા એંજેલો કહે છે, ‘કોઈને પ્રેમ કરવા માટે તમારામાં હિંમત હોવી જરૂરી છે, કેમકે તમે બધુ જ દાવ પર લગાવી દો છો, બધું જ.’ અહીં પણ બધું જ દાવ પર લગાવવું પડે એવી નોબત આવી ઊભી છે. નદી તો તરીને પણ પાર કરી શકાય પણ ભૂખ્યાડાંસ મગરમચ્છોનું શું? શેક્સપિઅર કહી ગયા, ‘પ્રેમ આંખથી નહીં, મનથી જુએ છે, એટલે જ પાંખાળા કામદેવને આંધળા ચીતર્યા છે.’ જ્યોફ્રી ચૌસરે ૧૪૦૫ની સાલમાં જગપ્રસિદ્ધ ‘કેન્ટરબરી ટેલ્સ’માં વેપારીની વાર્તામાં કહ્યું હતું, ‘કેમકે પ્રેમ હંમેશા આંધળો છે અને જોઈ નથી શકતો’ (For love is blynd alday, and may nat see) (જો કે આ વાક્ય શેક્સપિઅરને એટલું ગમી ગયું કે એમણે ‘ટુ જેન્ટલમેન ઑફ વેરોના’, ‘મર્ચન્ટ ઑફ વેનિસ’ અને ‘હેનરી ૫’માં –એમ વારંવાર વાપર્યું છે અને લોકો આ વાક્ય એમનું જ હોવાનું માને છે.)

આંધળો પ્રેમ નદી કે મગર કે મોતને જોતો નથી, એ માત્ર મિલનની ભરપૂર પળોની સંભાવનાના દિવાસ્વપ્ન જ જોઈ શકે છે. લાઓ ત્ઝુ કહે છે કે, ‘તમારા માટેની કોઈની અનહદ ચાહના તમને તાકાત આપે છે, અને કોઈને માટેની અનહદ ચાહના તમને હિંમત આપે છે.’ અહીં તો પ્રેમ બંને પક્ષે છે અને એટલે નાયક ન માત્ર તાકાત, હિંમતથીય ભરપૂર છે. એ ન આજુ જુએ છે, ન બાજુ, બસ ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ના ન્યાયે કે નર્મદની જેમ ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે’ કરીને ઝંપલાવી જ દે છે. અને સાહસના પડખે તો ખુદ ઈશ્વર પણ આવી ઊભો રહે છે. મગરભરી નદીના પ્રવાહોને એનું હૃદય, એનો ઉમંગ, એનો જુસ્સો એવી રીતે કાપી રહ્યું છે જાણે એ પાણી પર ચાલતો ન હોય!

‘દરેક ડાહ્યા માણસનો દીકરો જાણે છે કે મુસાફરી પ્રેમીઓના મિલનમાં પરિણમે છે.’ (શેક્સપિઅર) પ્રિયામિલનની ઉત્તેજનાનો શિકાર નાયક પણ ડાહ્યો છે, એટલે જ આ જોખમી મુસાફરીએ નીકળી પડ્યો છે. આમેય, ‘હિંમતનું કાર્ય હંમેશા પ્રેમનું કાર્ય છે.’ (પાઉલો કોએલો) અને પ્રેમ જ તાકાત અને હિંમત બંને આપે છે. નદીમાં રસ્તો જે કાપી રહ્યો છે એ હકીકતમાં નાયક નથી, પ્યાર પોતે જ છે. ફરહાદ જ પહાડ ખોદીને દૂધની નદી લાવવા જેવું આકાશકસુમવત્ કામ કરી શકે. રોમિયો-જુલિયેટ, ક્લિઓપેટ્રા-એન્થનીની જેમ પ્રેમીઓ જ એકબીજા પર જાન ન્યોછાવર કરી શકે. પ્રેમની તાકાત મનુષ્યમાત્રની સમજ બહારની છે અને એટલે જ મનુષ્ય પ્રેમમાં પડવાનું છોડી શકતો નથી.

જાપાનીઝ કવયિત્રી ઇઝુમી શિકિબુ (ઈ.સ. ૯૭૦-૧૦૩૦) ખૂબ મજાની વાત કરે છે: ‘જ્યારે હું તારા વિશે વિચારું છું, દલદલમાંના આગિયાઓ ઉત્થાન પામે છે, જે રીતે આત્માના ઘરેણાં શાશ્વત ઝંખનામાં લુપ્ત થઈ જાય છે, મારા શરીરને ત્યાગીને!’ આમ, પ્રેમ મનુષ્યને ઉર્ધ્વગામી બનાવે છે. સંસારના કીચડમાંથી એ આગિયાનો પ્રકાશ થઈને ઊંચે ઊઠતા શીખવે છે. પ્રેમ શીખવે છે દેહાતીત થઈ જતા. બે શરીર જ્યારે એક થાય છે ત્યારે બે આત્મા શરીર ત્યજીને ઊંચે ઊઠે છે અને સાયુજ્ય પામે છે. સમ્-ભોગની ચરમસીમાએ સાચું આત્મીય સંધાન પણ સધાતું હોવાથી જ કામકેલિની પરાકાષ્ઠાએ મનુષ્ય ઈશ્વરની સૌથી વધુ નજીક હોય છે. પ્રેમ જ શીખવે છે કે મગરભરેલી નદીને કેવી રીતે પાર કરવી. પ્રેમ જ ગાંડીતૂર નદી પાર કરતી વખતે પણ જમીન પર ચાલતાં હોઈએ એવો આરામદાયી અહેસાસ કરાવે છે. ઇસુથી છસો વર્ષ પહેલાં થઈ ગયેલી સેફો આજ વાત કરે છે, ‘ઇરોઝ ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હચમચાવે છે.’ પ્રેમ મનુષ્યના ‘હું’પણાને ઝંઝોડી નાંખે છે અને હોવાપણાને કબ્જે કરી લે છે. પ્રેમની કેદમાં આવ્યા પછી મનુષ્યની આંખો સામેથી દુનિયા આખી ઓઝલ થઈ જાય છે. ખલિલ જિબ્રાન કહે છે, ‘જ્યારે પ્રેમ ઇશારો કરે, એને અનુસરો, ભલે એના રસ્તાઓ આકરા અને સીધા ચઢાણવાળા હોય. એમ ન વિચારો કે તમે પ્રેમને દિશા ચીંધી શકશો, જો એ તમને લાયક ગણશે, તો એ તમને દિશા ચીંધશે. પોતાની જાતને પરિપૂર્ણ કરવાથી વિશેષ પ્રેમની બીજી કોઈ ઇચ્છા નથી.’

2 replies on “ગ્લૉબલ કવિતા : ૪૫ – (નાનકડું ચિનાર) – અજ્ઞાત (ઇજિપ્ત)”

  1. વારંવાર એક જ વખાણ શું કરવા,
    પણ ખરેખર એક શ્વાસે- અરે! શ્વાસ થંભાવી વાંચી ગયો!
    આટલા રસપૂર્વક કોઈ વાર્તા વાચ્યાનું પણ મને યાદ નથી!
    ‘કરવી ગમે ન કોને, રસની ને રસિકાની વાતડી!’ એ ન્યાયે
    પ્રણય મીમાંસક શૈલી પ્રવાહમાં એવો તણાયો
    કે શ્વાસ લેવાનું ચૂકી જ ગયો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *