સુરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો – ગની દહીંવાલા

સુરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો
જાગો અતૃપ્ત જીવ કે ટપકી દિવસ પડ્યો

પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળના પંખીઓ
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો

વાવ્યા વિના લણાયો જગે ઝાંઝવાનો પાક
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો

માટીને મહેકવાની ગતાગમ નથી હજી
વરસાદ આંગણા મહીં વરસો વરસ પડ્યો

અંધાર આવું આવું કરે બારી બા’રથી
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ પડ્યો

સૂરજના મનના મેલ નિશાએ છતા થયા
ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો

કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે “ગની”
‘કોઇ અભાગી જીવ લઈને તરસ પડ્યો

3 replies on “સુરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો – ગની દહીંવાલા”

 1. અદભુત કહી શકાય એવી ગઝલ… સૂરજ-પ્રકાશ, રાત-અંધારું લઈને ચાલતી અર્થગહન રચના… દરેક શેર ધ્યાનાર્હ થયા છે..

 2. pragnaju says:

  સૂરજના મનના મેલ નિશાએ છતા થયા
  ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો
  કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે “ગની”
  ‘કોઇ અભાગી જીવ લઈને તરસ પડ્યો
  સદા બહાર ગઝલોમાં આ પંક્તીઓ ખુબ ગમી

 3. Jyotindra says:

  ઍક્ષેલ્લેન્ત્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *