આછી જાગી સવાર – પ્રિયકાંત મણિયાર

આછી જાગી સવાર,
નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. – આછી

પારિજાતના શરણે ન્હાઈ
કોમલ એની કાય,
વ્યોમ આયને જેની છાઈ
રંગ રંગની ઝાંય;
ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર – આછી

લહર લહર સમીરણની વાતી
કેશ ગૂંથતી જાણે,
અંબોડામાં શું મદમાતી
અભ્ર-ફૂલને આણે;
કે જેનો ઊડતાં પંખીન કલરવ માંહી બહાર – આછી

ભુવનભુવનનાં ઉજ્જવળ રવિની
બિન્દી અહો લગાવી,
દિશા દિશાના મુખરિત કવિની
વાણી રહી વધાવી;
રંગમન્દિર જાવા જાણે સજી રહી સિંગાર – આછી

         – પ્રિયકાંત મણિયાર

3 replies on “આછી જાગી સવાર – પ્રિયકાંત મણિયાર”

  1. Jitesh Narshana says:

    ખરેખર સુંદર રચના

  2. જિતેન્દ્ર શાહ says:

    અતિ સુન્દર રચના

  3. શિવાની શાહ says:

    ખુબ તાજગીભર્યું સુંદર કાવ્ય ! કલ્પના ની પીંછીને શબ્દ-રંગોમા બોળીને એક સુકોમળ, લલિત પ્રભાતનું શબ્દચિત્ર આ કાવ્ય દ્વારા શ્રી મણિયારે ઊભું કર્યું છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *