કાગડાઓએ વાત માંડી – નિનુ મઝુમદાર

કાગડાઓએ વાત માંડી પણ સુણનારાનાં સાંસાં
નીંદમાં હોલો ટાપસી પૂરે બગલો ખાય બગાસાં

ચકલીઓએ ચીડિયા કર્યાં રોષમાં બોલ્યો મોર
વાર છે હજી ઊંઘવા દો ને પાછલી રાતને પ્હોર

પારેવડાંએ ચાંચ મારી ને ખેંચી કિરણ દોર
હંસલાઓએ હાર ગૂંથ્યો ને તેડવા ચાલ્યા ભોર

મરઘો મુલ્લાં બાંગ પુકારે જાગજો રે સહુ લોક
બંદગી કરે બતક ઝૂકી કોયલ બોલે શ્લોક

તીડ કૂદી કરતાલ બજાવે ભમરો છેડે બીન
કંસારી મંજીર લઈને ભજનમાં તલ્લીન

રાત ગઈ જ્યાં મૃત્યુ જેવી સહુનાં જાગ્યાં મન
પ્રાણને પાછો દિન મળ્યો છે દુનિયાને જીવન

-નિનુ મઝુમદાર

7 replies on “કાગડાઓએ વાત માંડી – નિનુ મઝુમદાર”

  1. હજી તો બે દિવસ જ થયા “પંખીઓએ કલશોર કર્યો ભાઈ” ગીતથી આમને જાણ્યા 55 મે વર્ષે. એટલું તો નુકસાન થયેલું જાણો. પણ, હવે આમને ખોળવા જ રહયા જ્યાંથી મળે ત્યાંથી..! નામ સાંભળેલું ખરું પણ એક નામ સિવાય કંઈ જ નહીં. અહીં “કાગડાઓએ વાત માંડી” એમનું બીજું મળી આવ્યું.. ને સભાન થઈ ગયો કે આ માણસ કેમ અજાણ્યા રહી ગયા મારાથી?? એમના જરૂર બીજા હશે. એમનો કેવો ઉછેર હશે ને આવા પ્રકૃતિમય કેમ કરીને હશે એ બધી તાલાવેલી છે જાણવાની..!! ફંફોસીશ. કંઈક તો જરુર મળી રહેશે.
    એમને ભાવપૂર્ણ વંદન..!!!

  2. હજી તો બે દિવસ જ થયા “પંખીઓએ કલશોર કર્યો ભાઈ” ગીતથી આમને જાણ્યા 55 મે વર્ષે. એટલું તો નુકસાન થયેલું જાણો. પણ, હવે આમને ખોળવા જ રહયા જ્યાંથી મળે ત્યાંથી..! નામ સાંભળેલું ખરું પણ એક નામ સિવાય કંઈ જ નહીં. અહીં “કાગડાઓએ વાત માંડી” એમનું બીજું મળી આવ્યું.. ને સભાન થઈ ગયો કે આ માણસ કેમ અજાણ્યા રહી ગયા મારાથી?? એમના જરૂર બીજા હશે. એમનો કેવો ઉછેર હશે ને આવા પ્રકૃતિમય કેમ કરીને હશે એ બધી તાલાવેલી છે જાણવાની..!! ફંફોસીશ. કંઈક તો જરુર મળી રહેશે.
    એમને ભાવપૂર્ણ વંદન..!!!

  3. આવી મજા કોઈ ભાષામા ના આવે.ાવાની મજાતો સન્સ્ક્રુત્ હીન્દી અને ગુજરાતીમાજ આવે.બહુજ સરસ રચના.

  4. “કીડીબાઈની જાન” અને પંચતંત્રની બાળ વાર્તાઓ યાદ આવી ગઈ..

  5. Thanks taહ્uko.com ….avi kavita jyare jyare vanchu tyare English medium ma bhanya no afsos thay.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *