કંચન કાયા ઘડેલા ડોલે રે દીવડા – જયંતી જોષી

સ્વર : સુમન કલ્યાણપુર
સંગીત : જયંતી જોષી

diya.jpg

.

કંચન કાયા ઘડેલા ડોલે રે દીવડા,
તેજુના ભર્યા રે ભંડાર
ટમકંતા મલકંતા સોહે રે સોહામણા,
જાણે વરણાગી વણઝાર!

કાચા રે કોડિયે જાણે કાયા એની મલકે,
છાયા રે ભાળીને ઓલ્યા અન્ધારા સરકે.
અજવાળી અવનીને અજવાળે અમ્બરને,
અજવાળે અન્તર પગથાર.
…કંચન કાયા ઘડેલા.

જમુનાના જળના એ ઝૂલતા ઝૂલણિયા,
તરતા તરંગે કરતા દેવના દરશનિયા.
શીતલ સમીર લહેરે લહેરાતા લાડકડા,
ઝબકંતા હીરલા શા હાર.
…કંચન કાયા ઘડેલા.

——————————–

કવિતા એ કવિના જીવનની કોઈ ઘટના, કોઈ દૃશ્ય, કોઈ ચિંતનના પરિપાકરૂપે સરજાતી લાગણી હોઈ શકે. કવિએ કયું દૃશ્ય કે ઘટના જોઈ, કે કયું ચિંતન કર્યું એની અન્દર આપણે ઝાંખી કરીએ તો આપણને કવિતાને ભેટવાનું મન થાય, નહીં તો કેમ છો, સારું છે કહી આપણે કવિતાને જાકારો દઈ બેસીએ. આપણે કવિતાને ભેટવું છે, એને પામવી છે.

જીવનની સન્ધ્યાટાણે પત્નિ સાથે તીરથે નીકળેલા કવિ, જમુના નદીકિનારે સૂર્યાસ્ત હમણાં જ થયો છે એવે સમયે એક દૃશ્ય જુએ છે. સન્ધ્યાનો સમય છે, ફેણ ચઢાવી નાગ ડરાવે એમ દૂરદૂરનાં અન્ધારાં જાણે હમણાં જ આ પૃથ્વીને અન્ધારાથી ઘેરી વળશે એવું લાગે છે. એવામાં મન્દિરમાં ઘંટનાદ સાથે સન્ધ્યા આરતી શરૂ થાય છે. ભાવુક બહેનો જમુનાનાં શાન્ત જળમાં પાંદડાના પડિયામાં દીવા મૂકી તરતા મૂકે છે. અને ચારેકોર આછું અજવાળું પ્રસરે છે. પ્રૌઢાવસ્થાએ પહોંચેલા કવિ પણ આ બધું જોતાં જોતાં પોતાના ભવિષ્યનું ચિંતન કરતા હોય છે ત્યાં એમની નજર એમની પત્નિ પર પડે છે. કવિપત્નિ પોતાના હાથમાં એક દીવડો લઈને આવે છે, પોતાના ભરથારને એ દીવાની આરતી આપે છે, એક મીઠું હસે છે અને દીવાને જમુનાજળમાં વહેતો મૂકે છે. ચિંતિત કવિને જાણે એ દીવા અને પત્નિના જીવનદીપમાંથી એક શક્તિનો સંચાર થયો હોય એમ ચિંતા ખંખેરી સ્ફૂર્તિથી ઊભા થઈ જાય છે…અને સ્ફૂરે છે આ કાવ્ય!! હવે વાંચીએ કાવ્યના શબ્દો..

સ્ત્રીને આપણી સંસ્કૃતિએ નારી તું નારાયણી કહી છે. સ્ત્રીમાં નારાયણી શક્તિ છે અને એટલે જ કહે છે કે યત્ર નાર્યસ્તુ પૂજયતે રમન્તિ તત્ર દેવાઃ સ્ત્રી શું ભોગ માટે છે, કે પછી ઉપયુક્તતા કે companyના sales અને advertizing માટે છે? ના, સ્ત્રી તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ પૂજનીય છે. એ ભોગ્ય કે ત્યાક્ત્ય નહીં , પણ પૂજ્ય છે. જેને market value છે એવી modelને bodyguardની જરૂર પડે, મન્દિરની દેવીને રક્ષણની જરૂર નથી એમ સ્ત્રીને રક્ષણની જરૂર નથી, એ મુક્ત છે. “શીતલ સમીર લહેરે લહેરાતા લાડકડા” એવી સ્વતન્ત્ર છે. સ્ત્રી એ એક “કાચા રે કોડિયે જાણે કાયા એની મલકે” એવો દીવડો છે. સ્ત્રીની અન્દર “તેજુના ભર્યા રે ભંડાર” એવું તેજ છે, કે જેનાથી તો “છાયા રે ભાળીને ઓલ્યા અન્ધારા સરકે” એવાં સઘળાં અન્ધારાંનો નાશ થાય છે. સ્ત્રીમાં “કંચન કાયા ઘડેલા” જેવો કાંચનગુણ છે. સોનાની જેમ જ સ્ત્રી શુદ્ધ, તેજસ્વી અને અમૂલ્ય છે. આવી સ્ત્રી ફક્ત અવની નહીં પરન્તુ અમ્બર પણ અજવાળે છે, એની એક અમીદૃષ્ટિ માણસના અન્તરને અજવાળે છે. અને એટલે જ ભગવાનને પામવા માટે પુરૂષ કરતાં સ્ત્રી વધારે એનાથી નજીક છે- “તરતા તરંગે કરતાં દેવના દરશનિયા”!!

અને ધન્ય છે એ જીવ જેણે પોતાની પત્નિને આ ભાવ અને દૃષ્ટિકોણથી જોઈ છે. કવિની પણ આ જ feelings હોઈ શકે, જ્યારે જ્યારે પોતે મૂંઝવણમાં હતા ત્યારે ત્યારે જીવનભર પત્નિના પ્રેમમાંથી જેને માર્ગ મળ્યો છે, જેને ધ્યેય મળ્યું છે, જેને જીવનની એકએક વસ્તુ અને ઘટનાઓનો અર્થ મળ્યો છે એ કવિને પત્નિના જીવનદીપમાં આ કાવ્યની સ્ફૂરણા મળે છે.

દીવાળીમાં આપણે દીવા તો પ્રગટાવ્યા જ, સાથે સાથે ઘરમાં તેજથી ભરેલ, સોહામણો, ટમકંતો, મલકંતો, લાડકડો, હીરલા શા હાર જેવો જે જીવનદીપ છે, જે ઘરની લક્ષ્મી છે એનું પણ પૂજન કરીએ, એના પ્રત્યે મેં કેટલો ભાવ વધાર્યો એવો ચોપડાનો હિસાબ કરીએ એ આપણી દીવાળી!

8 replies on “કંચન કાયા ઘડેલા ડોલે રે દીવડા – જયંતી જોષી”

 1. Tarun Mehta says:

  I didn’t realize you change your front page so often .. I need to check in more frequently for your “flavor of the day!”

  Excellent rendition from Suman Kalyanpur .. a terrific singer!

  Thanks.

 2. Sheela Sheth says:

  Shree Jayantibhai Joshi was my music teacher at Bhagini Samaj at Bombay during 1955-56 year. It was nice to see his Kavita. Really appreciated it. If you know how is he doing now? Please let me know. Thanks. Sheela

  • Ajay Mistry says:

   શીલાબેન,તમારો આ પ્રતિભાવ અહી વાંચ્યો.જયંતીભાઈ જોશી મારા મોટા ફોઈ ના જમાઈ થતા હતા.એઓના અવસાન ને તો ઘણા બધા વર્ષો વહી ગયા.કઈ સાલ એતો યાદ નથી પણ એમના પત્ની કોકીલાબેન જોશી જે મારા મોટા ફોઈ ના મોટા દીકરી હતા.એમના અકાળે અવસાન થયા પછી એઓ પણ ઝાઝુ જીવ્યા નહિ.એમને એક દીકરી છે પણ એના વિષે મને કઈ માહિતી નથી મારી પાસે અત્યારે.પણ મારી છેલ્લી જાણ પ્રમાણે મુંબઈ ના ખાર પરા માં રહે છે.આશા રાખું છું કે આટલી માહિતી પુરતી છે.

 3. manvantpatel says:

  સુઁદર શબ્દરચના !

 4. Nilima says:

  Dear Jayshreeben,
  Happy Diwali and Happy New Year. As usual you have post best song. Everything goes so well together (swar,shabd,rachana). Sweetest song for ear just like sweet methai for mouth-hear again and again,eat again and again. Thank You for providing this song.
  Nilima

 5. Himanshu says:

  આભાર, આવી સુન્દર્ ગીતરચનાનો આસ્વાદ આપવા માટે..

 6. Monal says:

  કેટલું મધુર ગીત! આભાર!

 7. Rashmi says:

  Beautiful Kavita. Very sweet voice. Like to here again & again. The best part is explanation, without that, good only for ears, but with meaning, lot more enjoyable. You can feel the song after reading & understanding it. Thanks for the song & meaning with it. May be when ever it is possible, it will be good idea, People will appreciate more.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *