Category Archives: ગંગા સતી

કલેજા અમારા એણે વીંધી નાખ્યાં – ગંગા સતી

સ્વર : ઐશ્વર્યા મજુમદાર
સંગીતકાર : ગૌરાંગ વ્યાસ

કલેજા અમારા રે વીંધી રે નાખ્યાં બાઈજી
છાતી મારી ફાટ ફાટ થાય રે .
છૂટાં છૂટા તીર અમને ન મારીયે બાઈજી
મેંથી સહ્યાં નવ જાય જી.

બાણ રે વાગ્યા ને રૂંવાડા વીંધાણા
મુખથી કહ્યાં નવ જાયજી.
આપોને વસ્તુ મુને લાભ જ લેવાને
પરિપૂર્ણ કરોને કાય રે.

બાણ તમને પાનબાઇ વાગ્યાં નથી ને
બાણ રે વાગ્યાં ને હજુ વાર રે,
બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહ રે દશા મટી જાય જી .

બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈજી
પરિપૂર્ણ વચનમાં વર્તાય જી,

ગંગાસતી રે એમ બોલિયા પાનબાઇ
પૂર્ણ અધિકારી કહેવાય જો.

– ગંગા સતી

વીજળીને ચમકારે – ગંગા સતી

જુનની ૧૪, ૨૦૦૬ માં પહેલા મુકેલી ગંગા સતીનું આ ભજનની ઓડીયો રેર્કોડીંગ….

vijali ne chamkare

સ્વર : દમયંતી બરડાઈ
સંગીત : સી.અર્જુન
ગુજરાતી ફિલ્મ : ગંગાસતી (૧૯૭૯)

સ્વર : દિપ્તી દેસાઇ
સંગીત : ગૌરાંગ વ્યાસ
આલ્બમ : શ્રધ્ધા

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે….

ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય….

ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ !
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત….

ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ….

– ગંગા સતી

જેનાં મન નવ ડગે – ગંગા સતી

.

મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે,
ભલે ભાંગી પડે ભરમાંડ રે,

વિપત પડે પણ વણસે નહીં
સોહી હરિજનનાં પરમાણ રે, .. મેરુ તો ડગે

ચિત્તની વ્રુત્તિ સદા નિર્મળ રાખે ને,
કરે નહીં કોઇની આશ રે

દાન દેવે પણ રહેવે અજાચી ને
રાખે વચનમાં વિશ્વાસ રે, .. મેરુ તો ડગે

હરખ ને શોકની જેને ન આવે હેડકી ને
આઠે પહોર રહેવે આનંદ જી

નિત્ય રહે સતસંગમાં ને
તોડી દીધા માયા કેરા ફંદ રે, .. મેરુ તો ડગે

સંગત કરો તો તમે એવાની કરજો ને
ભજનમાં રહેજો ભરપૂર રે

ગંગા સતી એમ બોલિયાં રે,
જેના નયણોમાં વરસે સાચાં નૂર રે, .. મેરુ તો ડગે

શ્રી ચેતનભાઇ ગઢવી ના કંઠે આ સુંદર ભજન સાંભળો.

( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ભજન અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD “લોકસાગરનાં મોતી” માથીં આ ભજન લેવાયું છે. )