Category Archives: RJ દેવકી

RJ દેવકી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ધોવા નાખેલ જીન્સનું ગીત - ચંદ્રકાન્ત શાહ
મારે ફરી એકવાર શાળાએ જવું છે....મારે ફરી એકવાર શાળાએ જવું છે….

જાણે આપણી જ વાત હોય એવી આ બાળ કવિતા….તો આજે સાંભળો, દેવકીના ગળચ્ટ્ટા મધઝબોળ્યા અવાજમાં!!

કાવ્ય પઠન – RJ દેવકી (Red FM, અમદાવાદ)

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે ,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને ,
સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર….

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી ,
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી…
મરચુ મીઠું ભભરાવેલ ,
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે ,

કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,
અનપેક્ષીત રજાના આનંદ માટે…
મારે ફરી એકવાર….

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં ,
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને ,
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.

તો ભાગી જવાની મોજ અનુભવવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દીવાળીના વેકેશનની રાહ જોતાં ,
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી ,

હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી ,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા…
મારે ફરી એકવાર….

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં ,
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં ,
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં ,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.

બચપણ પ્રભુની દેણ છે
તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે…
મારે ફરી એકવાર….

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું…
આજે જયારે મોટો થયો છે કે “તૂટેલા સ્વપ્નો” અને “અધુરી લાગણીઓ” કરતા
“તૂટેલા રમકડા” અને “અધૂરા હોમવર્ક” સારા હતા…
આજે સમજાય છે કે જયારે “બોસ” ખીજાય એના કરતા
શાળા માં શિક્ષક “અંગુઠા” પકડાવતા હતા એ સારું હતું…

આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે “પીઝા” મા નથી આવતો…
ફક્ત મારેજ નહી આપણે બધાને ફરી સ્કુલે જવું છે .
ખરું ને ?

ધોવા નાખેલ જીન્સનું ગીત – ચંદ્રકાન્ત શાહ

જાણે આપણી જ વાત હોય એવી આ કવિતા… બ્લ્યુ જીન્સ કોણે ન પહેર્યું હોય, વારંવાર… વારંવાર.. ધોયા વગર.. ! અને જ્યારે ધોવા નાખો અને ખીસ્સા તપાસો તો શું મળે? સાંભળો, દેવકીના ગળચ્ટ્ટા મધઝબોળ્યા અવાજમાં!!

કાવ્ય પઠન – RJ દેવકી (Red FM, અમદાવાદ)

ધોવા નાખેલ જીન્સ…

 

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
સાંભળીને તેં મને આપેલ
કે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડે
એમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઇક

મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
ચાખીને તેં મને આપેલ
કે ચગળી શકું જો તને આખ્ખેઆખ્ખી તો કેવું લાગે
એ બહાને મેં પોતે જ ચાખેલ એવું કંઇક

રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઇચછાથી
પંખીનાં ટોળાંનાં ટોળાંએ વરસોથી કાંતેલું
ડેનિમ આકાશ
જરા વેતરીને, માપસર કાતરીને, સ્ટોનર્વાશ ધોઈ કરી
લેઘરના દોરાથી ડબ્બલ સીલ્વેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ

પહેલવ્હેલી વાર તારો હાથ મારા હાથે પકડેલ
ત્યારે કોઈ નહિ ક્યાંય સુધી કશું બોલેલ
અને દુનિયા આખી એવી નરવસ થયેલ
પછી હથેળીનો પરસેવો આપણે લૂછેલ
એના ડાઘા દેખાય મારા જીન્સ ઉપર આજે પણ એવા અકબંધ
લેઘરના દોરાથી ડબ્બલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ

મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
દરિયાનો તળિયે કોઈ છીપલાંની વચ્ચેથી હું તને મળીશ
એમ માની તેં દરિયો ઉલેચેલ
કે દરિયાને તારો અવતાર એક ધારી
હું દરિયાના પાણીને ગટગટાટ પી ગયેલ એવું કંઇક

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
કે એવું કંઇક
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
કે એવું કંઇક
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
કે એવું કંઇક

ગોઠણથી સ્હેજ સ્હેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય
એક દૂર દૂર લંબાતો રસ્તો
ડામરના રસ્તા પર સાંભળી શકાય પછી કાવાસાકીનો કલશોર
અને દેખી શકાય ટાઇટ ક્લોઝ-અપમાં
બાઇક ઉપર સાવ મને ભીંસીને બેઠેલી તું
પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીઝાતી, તારાંઆં વીઝાતો હું

કાઉબૉયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું
ઝીણી વ્હિસલ તારા કાનમાં વગાડવી
ને ઢિચકાંવ ઢિચકાંવ તને ચૂમવું
રોજ તને રફટફ ચાહવું
કે મળવાને અશ્વોની જેમ દોડી આવવું
એ બધું તો મારે સ્વભાવગત
ઉપરથી તારા ફેંકાયેલા લેસ્સોમાં હંમેશા વીંટાતો, ખીંટાતો હું
પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીઝાતી, તારાંઆં વીઝાતો હું

મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો
ઇચ્છામાં હોય એક આઇ.એસ.આઇ માર્કવાળું
કે એગમાર્ગ છાપ
મને ફિટોફિટ થાય
તને અપટુડેટ લાગે
બહુ બૅગી ન હોય, એવું આપણું જ મળવું

વાતોમાં હું જે ન બોલ્યો હોંઉં
એમાંથી યાદ હોય જેટલું તને
કે તારી આંખોથી જસ્ટ લાઇક ધેટ
મેં જે ચોરી લીધેલ હોય એ બધું

પ્રસંગોમાં આપણને રસ્તાની વચ્ચોવચ્ચેથી
કોઈ બેલ્ટનું બક્કલ મળે એમ એક અમથું મળેલ
એક ડેનિમ આકાશના જ ચંદરવા નીચે રચેલ
એક આંખોથી સ્ટેર કરી, હોઠ વડે ઊજવેલ, એવું કંઇક

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
કે એવું કંઈક
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
કે એવું કંઇક
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
કે એવું કંઇક
મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો
કે એવું કંઇક

મળે ધોવા નાખેલ કોઈ લીવાઇઝના જીન્સમાંથી
વાંકીચૂકી વળેલ ચિઠ્ઠીઓ
ડિઝાઇનર લેબલનાં બિલ્સ
થોડા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓ
ફિલ્લમની અડધી ટિકીટો
ને-ગીત એક સિગારેટના ખાલી ખોખા પર લખેલ
આવું કંઇક

– ચંદ્રકાન્ત શાહ