Category Archives: ડૉ. મનોજ જોષી ‘મન’

અંદરથી અજવાળો ~ ડૉ. મનોજ જોશી ‘મન’

ટહુકોના સૌ વાચક-ચાહક-શ્રોતા મિત્રોને દિવાળીની અઢળક મબલખ શુભકામનાઓ..!! સાથે કવિ શ્રી ડો. વિવેક ટેલરની ચિત્ર કવિતા, અને કવિ શ્રી ડો. મનોજ જોશીની શબ્દ કવિતા!!

અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો,
યુગો યુગોથી મથે છે દિવો નોંધાવો કૈંક ફાળો !
અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો.

તદ્દન સહેલા સમીકરણથી જીવન આજે તાગો,
લાગણીઓને ગુણો હેતથી; વૈરભાવને ભાગો !
અહમ-અસૂયા બાદ કરીને કરો સ્નેહ સરવાળો !
અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો.

રંગોળીનાં રંગ ઉપાડી રાત-દિવસને આપો,
જાનીવાલીપીનાલાને અેક એક ક્ષણમાં સ્થાપો !
સફેદ રંગનો દિવસ દિલનાં પ્રીઝમમાંથી ગાળો !
અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો.

યુગો યુગોથી મથે છે દિવો નોંધાવો કૈંક ફાળો.

~ ડૉ. મનોજ જોશી ‘મન’
( જામનગર )

ગંભીર છો કે game કરો છો? – ડૉ.મનોજ જોશી ‘મન’

સાચું કહેજો,ગંભીર છો કે game કરો છો ?
બારી છોડી પડદાને કાં પ્રેમ કરો છો !

ખુદની ફરતે રેશમ વીંટે રેશમ-કીડો,
તમે એ કરતબ અદ્દલ એની જેમ કરો છો.

ડગલે-પગલે તમે કરો છો જે કંઇ વર્તન,
બીજા કરે તો તરત પુછો છો, “કેમ કરો છો?”

ક્ષણમાં ઓગળવાની ક્યાંથી વાત કરું હું ?
તમે ક્ષણોને click કરો છો, frame કરો છો !

એક પુરાવો આપો તો પણ માની લઈશું,
માણસ હોવાનો સદીઓથી claim કરો છો !

– ડૉ.મનોજ જોશી “મન”
(જામનગર)

આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના! – ડૉ. મનોજ જોષી ‘મન’

કવિ શ્રી મનોજ જોષીને એમના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! આજે માણીએ એમની કલમે લખાયેલું, અમારું ખૂબ જ ગમતું ગીત..! કાજલ ઓઝા લિખિત – અને વિરલ રાચ્છ દિગદર્શિત નાટક – સિલ્વર જ્યુબિલીનું આ title song.. જો કે ગીત એવું મઝાનું છે કે તમે નાટક નહીં જોયું હોય તો પણ માણવાની એટલી જ મઝા આવશે..

સ્વર – શૌનક પંડ્યા, જિગીષા ખેરડીયા
સ્વરાંકન – શૌનક પંડ્યા

ઉથલાવવાની રાતો; દિવસોને વાંચવાના,
ફાટેલ ક્ષણ લઇને; યુગોને સાંધવાના!
આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના!

સાચું બિછાનું અહીંયા કોને નસીબ થાતું?
ઇચ્છાઓ પાથરીને સપનાઓ ઓઢવાના…
આ જીંદગી જ…

જે આપણે ચહ્યું’તું એ આ કશું તો નહોતું,
જે આપણે ચહ્યું’તું એ ક્યાં જઇને ગોતું
ખોટી પડી હકીકત સાચા પડ્યા બહાના…
આ જીંદગી જ….

શું આપણી ભીતરથી ધ્રુસકે ને ધ્રુસકે રોતું?
શું આપણી ભીતરથી ઉખડ્યું છે મૂળસોતું!
મુળિયા વગરના સંબંધ કાયમ ઉછેરવાના…
આ જીંદગી જ….

નજદીક સાવ તો પણ અંતર વચાળે અંતર
નજદીક સાવ તો પણ રસ્તા રહ્યા સમાંતર
રસ્તાઓ જ્યાં અલગ ત્યાં પગલા શું જોડવાના?…
આ જીંદગી જ….

ખુદને અને પરસ્પર મળતા’તા બેઉ નોખું
સહવાસ લાગે ઝળહળ બળતા’તા બેઉ નોખું.
પોતે સળગતા હો એ બીજું શું ઠારવાના?…
આ જીંદગી જ….

સરખા હતા એ દ્રશ્યો જોતા’તા બેઉ નોખું
વાતાવરણ તો એક જ, શ્વસતા’તા બેઉ નોખું,
અંદરથી સાવ નોખા, બહારે શું તાગવાના?…
આ જીંદગી જ….

રાતો ભરે છે હીબકા દિવસો રડે છે છાના,
હસતી ક્ષણોના ખાલી ફોટા જ પડવાના!
આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના!

– ડૉ. મનોજ જોષી ‘મન’