Category Archives: હનીફ સાહિલ

ગઝલ – હનીફ સાહિલ

મારા સર્વે ગુમાનથી આગળ,
તીર કોઈ નિશાનથી આગળ.

ત્યાં હતું શહેર એક વસાવેલું,
મારા ઉજ્જડ મકાનથી આગળ.

થાય છે એવી તીવ્ર ઇચ્છા કે,
જઈને રહીએ જહાનથી આગળ.

હોય પંખી ભલે ને પીંજરમાં,
પણ છે દૃષ્ટિ ઉડાનથી આગળ.

શક્ય છે હો જમીન જેવું કંઈક,
દૂર આ આસમાનથી આગળ.

સાથ આપે તને તો લઈ ચાલું,
આ ધરા આસમાનથી આગળ.

દિલ ને દુનિયાની હકીકતથી હનીફ,
છે ગઝલ દાસ્તાનથી આગળ.

– હનીફ સાહિલ

મોકલું – હનીફ સાહિલ

આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું,
આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું.

તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,
રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું.

તુજને ગમે તો મોકલું ખાલીપણાના ફૂલ
અથવા વળાંકે ઊભેલો વિશ્વાસ મોકલું.

વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.

– હનીફ સાહિલ

કોણ છે ? – હનીફ સાહિલ

બંધ દરવાજાની ભીતર કોણ છે ?
હું જો બાહર છું તો અંદર કોણ છે ?

લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે ?

કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે ?

કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?

કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે જે અનુત્તર, કોણ છે ?

– હનીફ સાહિલ

સાંજ – હનીફ સાહિલ

હનીફ સાહિલની ગઝલના આ ફક્ત 2 શેર છે, પણ ગમી ગયા એટલે અહીં રજૂ કરું છું. જો તમારી પાસે ગઝલના બાકીના શેર હોય તો મોકલશો ને ? 🙂

રસ્તે વેરણ છેરણ યાદો
સાંજ પડ્યાની પળ સળગે છે

સંકેલી લઉં કિસ્સાને પણ
ક્યાંય સમયના સળ સળગે છે