Category Archives: હેમાંગ જોશી

ભલા માણસ – હેમાંગ જોષી

હાર યા જીત છે ભલા માણસ,
એ જ તો બીક છે ભલા માણસ

જો, કશે દ્વાર પણ હશે એમાં,
છોડ, એ ભીંત છે ભલા માણસ

કોઈ કારણ વગર ગમે કોઈ,
એ જ તો પ્રીત છે ભલા માણસ

ફક્ત છે લેણદેણનો સંબંધ,
નામ તો ઠીક છે ભલા માણસ

વાર તો લાગશેને કળ વળતાં,
કાળની ઢીંક છે ભલા માણસ

માત્ર તારો વિચાર કરતો રે’,
આ તે કૈં રીત છે ભલા માણસ ?

તો ચાલશે – હેમાંગ જોશી

નવા વર્ષની… ૨૦૧૨ની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને શરૂઆત કરીએ આ મજાની ગઝલથી! વાંચતા જ દિલ સુધી પહોચે એવા શબ્દો, અને સાથે તરત જ ગમી જાય એવા સ્વર-સ્વરાંકન !! એકવાર સાંભળવાથી ધરાશો નહિ, અને થોડી વધુ વાર સાંભળશો તો આખો દિવસ એને ગણગણ્યા કરશો…

સ્વર – સંગીત : દેવેશ દવે

સાવ નાનું ઘર... Nr Bhakta Culture Center, Los Angeles

સાવ નાનું ઘર હશે તો ચાલશે,
મોકળું ભીતર હશે તો ચાલશે.

બીજાની તકલીફ પણ સમજી જવાય,
એટલું ભણતર હશે તો ચાલશે.

હાથ જાણીતો ન હોવો જોઈએ,
પીઠમાં ખંજર હશે તો ચાલશે.

ધરતી કોરીકટ રહે તે કરતાં તો-
છાપરે ગળતર હશે તો ચાલશે.

હાથ લંબાવું ને તું હોય ત્યાં,
એટલું અંતર હશે તો ચાલશે.

પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં,
એ ભલે પથ્થર હશે તો ચાલશે.

– હેમાંગ જોશી