Category Archives: રાહી ઓધારિયા

અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ? – રાહી ઓધારિયા

તમે હળવેથી એકવાર ઝંકારો તાર, અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?
તમે ટહુકો ઉછીનો એક આપો રાજલદે! અમે વરસોની જડતાને ત્યાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

રણનાં પંખીડાં અમે, અમને તો એમ કે રેતી આદિ ને રેતી અંત;
તમને જોઈને અમે જાણ્યું કે ક્યાંક ક્યાંક જીવી રહી છે વસંત;
તમે આછેરો સ્પર્શ કરી જુઓ રાજલદે! અમે ફોરમતા ફાગ થઈ ફાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

કલકલતી નદીઓના વહેણ સમી લાગણીઓ થઈને અમારે છે વહેવું,
નિજને ભૂલી તમારી આંખોમાં ઘૂઘવતા દરિયાના નીર થઈ વહેવું;
તમે ભીની બે વાત કરો અમથી રાજલદે! અમે આખો અવતાર ભીના લાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

-રાહી ઓધારિયા

આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત – રાહી ઓધારિયા

સ્વરનિયોજન અને સ્વરઃ ડૉ.ફિરદૌસ દેખૈયા

આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત
બેસો,કહું છું તમને હું મારા મર્યાની વાત.

વળગણ બધાંયે છૂટી ગયાં તમને જોઈને,
મારા મહીંથી ધીમે ધીમે હું સર્યાની વાત.

તમને ય તે હવે તો ખરી લાગતી હશે,
જન્માક્ષરો મારા ને તમારા વર્યાની વાત.

‘રાહી’!અબળખા કોઈ હવે બાકી ક્યાં રહી?
કેવળ રહી છે મન મહીં તમને સ્મર્યાની વાત.

-રાહી ઓધારિયા

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો – રાહી ઓધારિયા

સ્વર – સ્વરાંકન : ભદ્રાયુ ધોળકિયા

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો-
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.

એનો થતો ગયો અને આનો થતો ગયો,
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો !

આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.

વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.

કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !

-રાહી ઓધારિયા

શબ્દ ક્યાં મારો કે તમારો – રાહી ઓધારિયા

સ્વર – સંગીત : ભદ્રાયુ ધોળકિયા

.

શબ્દ ક્યાં મારો કે તમારો છે?
શબ્દ હર કોઈનો દુલારો છે.

બુઠ્ઠા અણિયારા રેશમી બોદા
શબ્દના કેટલા પ્રકારો છે

ભાવ છે અર્થ છે અલંકારો
શબ્દનો કેટલો ઠઠારો છે

જો જરાક અડકો તો છટપટી ઉઠશે
શબ્દ સંવેદનાનો ભારો છે

– રાહી ઓધારિયા