Category Archives: રાહુલ રાનડે

હોય ભલે ને લાખ કુટેવો – મકરંદ મૂસળે

કવિ શ્રી સુરેશ દલાલનું એક ગીત છે –

ખુણા ખાંચા હોય છતાંયે,
માણસ એતો મન મૂકીને ગીત ગઝલમાં ગાવા જેવો.
માણસ અંતે ચાહવા જેવો.

અને એનું શ્યામલ-સૌમિલ મુન્શીએ એકદમ મઝાનું સ્વરાંકન પણ કર્યું છે – એ પણ ચોક્કસ સંભળાવીશ..! પણ આજે સાંભળો વડોદરાના શાયર શ્રી મકરંદ મૂસળેની આ શાનદાર ગઝલનું વડોદરાના જ સ્વરકાર રાહુલ રાનડે એ કરેલું જાનદાર સ્વરાંકન.

સ્વર & સ્વરાંકન -રાહુલ રાનડે

હોય ભલે ને લાખ કુટેવો,
માણસ તોએ મળવા જેવો.

સૌ પૂછે છે સારું છે એને,
સાચો ઉત્તર કોને દેવો?

આપ ભલે ને હોવ ગમે તે,
હુંય નથી કંઈ જેવો તેવો.

દર્પણને ઘડપણ આવ્યું છે,
હું તો છું એવો ને એવો.

બાળક ખાલી આંખ મિલાવે,
ત્યાં જ મને છૂટે પરસેવો.

– મકરંદ મૂસળે

ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું – વિવેક કાણે ‘સહજ’

ક્યારેક એવું શમણું જોયું છે, જેને બસ પલકોમાં કેદ કરવાની ઇચ્છા થઇ જાય? એના માટે કવિ વિવેક કાણે ‘સહજ’ કહે છે કે –

જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું

સાંભળો આ મઝાની ગઝલ, વડોદરાના જ સ્વરકાર-ગાયક રાહુલ રાનડે પાસે..

સ્વર – સ્વરાંકન : રાહુલ રાનડે

Posted on October 29, 2009

તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું
આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું

જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું

માનવહ્રદયની આ જ તો ખૂબી છે દોસ્તો
વેરાય પણ ખરું ને સમેયાટ પણ ખરું

રાખો શરત તો એટલું સમજીને રાખજો
ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું

જીવન એ ભ્રમનું નામ છે, બીજું કશું નથી
એ તથ્ય કો’ક દી’ તને સમજાય પણ ખરું

આ મૌન ચીજ શું એ, એ આજે ખબર પડી
જો બોલકું થયું તો એ પડઘાય પણ ખરું

સાચો પ્રણય ઘણુંખરું અદ્રશ્ય રહે અને
એનું જ બિંબ આંખમાં ઝીલાય પણ ખરું

જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું

– વિવેક કાણે ‘સહજ’