Category Archives: દીના ગાંધર્વ

મોરબીની વાણિયણ

ગઇકાલે ટહુકોની ત્રીજી વર્ષગાંઠ પર મુકુલભાઇએ સ્પેશિયલ ગીત લખીને મને અને સૌને એક અમુલ્ય ભેટ આપી છે.. મુકુલભાઇ, આભાર કહીને આ ભાર ઓછો નહીં કરું! હું એ માટે હંમેશા આપની ઋણી રહીશ.! અને શુભેચ્છા પાઠવનાર દરેક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર..!

આજે સાંભળીએ હેમુ ગઢવી અને દીના ગાંધર્વના સ્વરમાં આ ખૂબ જાણીતુ લોકગીત.

એવોયે વખત હશે, જ્યારે વાણિયા જેવી પોચી જાત અને તેમાંયે એક અબળા, પોતાના ઉપર કુદ્રષ્ટિ કરનાર રાજાને પણ કાળજે કારી ઘા પડે તેવો માર્મિક જવાબ આપીને ભોંઠો પાડતી. જીવાજી ઠાકોરે રોજ રોજ લાલચો દીધી. વાણિયાણીએ ખામોશ પકડી. પણ આખરે તો એણે રાજાની રાણીઓની, રાજ્યની અને મસ્તકની જ હરરાજી બોલાવી,ત્યારે ઠાકોર ઘોડાં પાવા જવાનું ભૂલી ગયા.- ‘રઢિયાળી રાત’ -સંપાદક-ઝવેરચંદ મેઘાણી

સ્વર : હેમુ ગઢવી, દીના ગાંધર્વ

કૂવા કાંઠે ઠીકરી,કાંઇ ઘસી ઊજળી થાય,
મોરબીની વાણિયણ મછુ પાણી જાય;
આગળ રે જીવોજી ઠાકોર,
વાંહે રે મોરબીનો રાજા,
ઘોડાં પાવાં જાય.

કર્ય રે, વાણિયાણી, તારા બેડલાનાં મૂલ;
જાવા દ્યો,જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા બેડ્લામાં તારા હાથીડા બે ડૂલ.—મોરબી0

કર્ય રે, વાણિયાણી, તારી ઇંઢોણીનાં મૂલ;
જાવા દ્યો,જીવાજી ઠાકોર,
જાવા દ્યો,મોરબીના રાજા
નથી કરવાં મૂલ;
મારી ઇંઢોણીમાં તારાં ઘોડલાં બે ડૂલ.—મોરબી0

કર્ય રે, વાણિયાણી, તારા વાટકાનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા રે વાટકામાં તારું રાજ થાશે ડૂલ.—મોરબી0

કર્ય રે, વાણિયાણી, તારી પાનિયુંનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારી પાનિયુંમાં તારી રાણિયું બે ડૂલ.—મોરબી0

કર્ય રે , વાણિયાણી , તારા અંબોડાનાં મૂલ,
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા અંબોડામાં તારું માથું થાશે ડૂલ.—મોરબી0

(આભાર :મા ગુર્જરીના ચરણે….)