Category Archives: પરાગી અમર

નવા નગરની વહુઆરું – ઇંદુલાલ ગાંધી

સ્વર : પરાગી અમર
સંગીત : રસિકલાલ ભોજક

નવા નગરની વહુઆરું, તારો ઘુમટો મેલ,
વડવાઇઓની વચમાં જોને નિસરી નમણી નાગરવેલ,
હે જી તારો ઘુંમટો મેલ.

તાળા નંદવાણાને પીંજરાએ ઉઘડ્યા,
સૂરજને તાપે જો સળીયાઓ ઓગળ્યાં.
ચંપકવર્ણી ચરકલડી તારે ઉડવું સે,
લાહોલીયાને વીંઝેણે તારા હૈયાને
શેડે નમતી હેલ.
હે જી તારો ઘુંમટો મેલ.

વાયરે ચડીને ફૂલ રૂમઝૂમતાં,
વગડે વેરાયા ફાગણનાં ફૂમતાં,
ફૂલડે રમતી ફોરમડે તારું ફળીયું મેલ,
સપનાં લ્હેરે રમતી તારી નીંદર
નામણી આઘી મેલ,
હે જી તારો ઘુંમટો મેલ.

– ઇંદુલાલ ગાંધી

વનની તે વાટમાં તું ભૂલી પડી રે.. – ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘

કવિ શ્રી સ્નેહરશ્મિની પૂણ્યતિથિ પર એમનું આ ગીત સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

સ્વર : પરાગી પરમાર
સ્વરાંકન : ?
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ અને પ્રાર્થના મંદિર

વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં,

જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….

કાંટા બાવળનાં એ વીંધ્યે જોબનિયુંને..(૨)
વાયરામાં ચૂંદડીના ઊડે રે લીરાં,
વ્હેંટે વેરાઈને રઝળે છે તારા અને,
હૈયાના લોલકનાં નંદાતા હીરા..(૨)
વનની તે વાટમાં…

વનની તે વાટ મહીં તું પડે એકલી,
આવી ગઈ આડી એક ઊંડી રે ખાઈ(૨)
જાને પાછી તું વળી, સાદ કરે તારી જૂની વનરાઈ(૨)
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં(૨)

જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં…

રુમઝુમ પગલે ચાલી – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

સ્વર : પરાગી પરમાર

.

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી (૨)
ગોપ દુલ્હારી રાધે ગોપ દુલ્હારી ..(૨)

ઊષાનું સિંદૂર સેંથે છલકે, ભાલે શશીની ટીલડી પલકે,
શરદની તારક ઓઢણી ઢળકે, અંગે શી મતવાલી,
જો રાધે ગોપ દુલ્હારી…

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી

બંસી બત મુરલી કી ગાજે, કાન કુંવર પગ નુપુર બાજે,
ધેનુ -વૃંદો થૈ થૈ નાચે, નાચે વ્રજની નારી,
જો રાધે ગોપ દુલ્હારી…

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી

કાલિંદીને તીરે એવી નીરખે દેવો, નીરખે દેવી,
નર્તન ઘેલી રાધા કેરી,(૨) નીલા (?) નારી..(૨)
જો રાધે ગોપ દુલ્હારી…

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી

(આભાર : સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ, મેહુલ શાહ)