Category Archives: હિમલ પંડ્યા ‘પાર્થ’

અંજામ લઈને આવ મા – પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

સ્વરાંકન – પ્રણવ મહેતા
સ્વર – ડો. ભાવના મહેતા
સંગીત સંચાલન – નીરવ પંડ્યા તથા જ્વલંત ભટ્ટ
રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વાત માંડી છે હજુ, અંજામ લઈને આવ મા,
જીતવા તો દે મને, ઈનામ લઈને આવ મા;

ક્યાંય સુકાયા નથી કોઈ આંખના દરિયા હજુ,
હોઠ પર “શ્રી રામ” કે “ઈસ્લામ” લઈને આવ મા;

આ નગરની હર ગલી શોખીન સન્નાટાની છે,
શબ્દને તું આમ ખુલ્લેઆમ લઈને આવ મા;

જીન્દગી આખી વીતાવી ભૂલવામાં જેમને,
એમની તસ્વીર, એનું નામ લઈને આવ મા;

હું હળાહળ ઝેરને પીવા મથું છું ક્યારનો,
દોસ્ત, અત્યારે છલકતો જામ લઈને આવ મા.

– પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

આપણી તો આટલી છે વારતા – હિમલ પંડ્યા “પાર્થ”

સ્વર – ડો. ભાવના મહેતા
સ્વરકાર -પ્રણવ મહેતા
સંગીત સંચાલન – નીરવ પંડ્યા, જ્વલંત ભટ્ટ
રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જીતવા જેવું બધુંયે હારતા,
આપણી તો આટલી છે વારતા!

ઝાંઝવામાં સ્વપ્ન કેરી નાવને,
લઇ હલેસાં આશના હંકારતા;

રોજ તારી યાદ આવી જાય છે,
એક જૂના જખ્મને સંભારતા!

તુજ થકી આ મેળવેલાં દર્દને,
શબ્દકેરું રૂપ દઈ શણગારતા;

‘પાર્થ’ કોઈ રાહ તો ચીંધે હવે;
ખૂબ ચાલ્યા વ્યર્થ ફાંફા મારતા!

– હિમલ પંડ્યા “પાર્થ”
(ઓડિયો આલ્બમ ‘એવું લખ હવે’ માંની ગઝલ રચના)

એક જ ટીપામાં હો જાણે સાત સમંદર – પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

સ્વરાંકન – પ્રણવ મહેતા, સ્વર – ડો. ભાવના મહેતા, સંગીત સંચાલન – નીરવ પંડ્યા તથા જ્વલંત ભટ્ટ, રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા

Stinson Beach, CA .... August, 2011

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એક જ ટીપામાં હો જાણે સાત સમંદર,
એવા ઝંઝાવાત હજુ હૈયાની અંદર;

હોય હરણને મૃગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ, એટલું અંતર!

જેવી હું, એવો તું એ નક્કી હોવાનો,
ભેદ ભલે હો બ્હાર, બધું સરખું છે ભીતર;

જુઓ કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું!
ચાલો અહિયાં અટકી જઈએ, નાખો લંગર.

– પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

(Click here for the video – slide show link)

એવું લખ હવે – હિમલ પંડ્યા “પાર્થ”

ભાવનગર સ્થિત યુવા ગઝલકાર પ્રા. હિમલ પંડ્યા ની ગુજરાતી ગઝલોના ઓડિયો આલ્બમ ‘એવું લખ હવે’ નું તા. ૨ જુલાઈ ના રોજ કવિશ્રી અંકિત ત્રિવેદી ના હસ્તે વિમોચન થનાર છે. (સ્વરાંકન – પ્રણવ મહેતા, સ્વર – ડો. ભાવના મહેતા, સંગીત સંચાલન – નીરવ પંડ્યા તથા જ્વલંત ભટ્ટ, રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા).
આલ્બમના વેચાણની તમામ આવક ‘પોલીયો નાબૂદી’ ના સેવાકાર્ય માટે ઉપયોગમાં લેવાનાર છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભીતરે અંકાય એવું લખ હવે, લાગણી વંચાય એવું લખ હવે;
શબ્દમાં ઘેરી અસર હોવી ઘટે, પાંપણો ભીંજાય એવું લખ હવે;
નફરતોની આ નદી પર પ્રેમનાં, સેતુઓ સર્જાય એવું લખ હવે
કોઈ એને સાંભળી ઝૂમી ઉઠે, કોઈ એને ગાય એવું લખ હવે;
*****************
ફરીથી ઉદાસીની મોસમ મળી છે,
હવામાં ય ગમની લહેરો ભળી છે;

ગમા-અણગમાની હવે વાત કેવી?
હતી જે પીડા, એ જ પાછી મળી છે;
*******************
એક જ ટીપામાં હો જાણે સાત સમંદર!
એવાં ઝંઝાવાત હજુ હૈયાની અંદર;

જુઓ કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું!
ચાલો અહિયાં અટકી જઈએ, નાખો લંગર.

– હિમલ પંડ્યા “પાર્થ”

કવિતામાં – હિમલ પંડ્યા ‘પાર્થ’

ગઝલ વિષેની ગઝલોનો પણ એક ખાસ વિભાગ છે આપણી ગઝલોમાં… આજે કંઇક એવીજ ગઝલ, પણ કવિતા વિષે..! આમ જોવા જઇએ તો ગઝલ એ કવિતાનો જ એક પ્રકાર કહેવાય ને?

(One photo by me, of the ‘Most Photographed Bridge’)

* * * * *

તું જાણે છે બધા દુઃખની દવા છે આ કવિતામાં,
વીતેલા હર જમાનાની હવા છે આ કવિતામાં;

ખુશી-ઉન્માદ, આંસુ-દર્દ, વાતો પ્રેમ-વિરહની,
પ્રવાહો લાગણીના અવનવાં છે આ કવિતામાં;

પ્રતિકો-કલ્પનો, સંવેદનાઓ, સ્વપ્નની સાથે,
વિચારો પણ કવિના આગવાં છે આ કવિતામાં;

એ કરશે ન્યાય ને દેશે ચૂકાદો સ્પષ્ટ ને સાચો,
ધરમકાંટા સમા સો ત્રાજવા છે આ કવિતામાં;

અગર રાખી શકે તો રાખ શ્રધ્ધા શબ્દની ઉપર;
નર્યા કંકુ ને ચોખા, શ્રી સવા છે આ કવિતામાં.

– હિમલ પંડ્યા ‘પાર્થ’