Category Archives: મઘુમતી મહેતા

કાવ્યયાત્રા – અશરફ ડબાવાલા અને મધુમતી મહેતા

ગઇકાલે – ૧૮મી જાન્યુઆરીએ મુંબઇ ભાઇદાસ હોલમાં – સર્જક દંપતી અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાના ગઝલ સંગ્રહ – ‘વાણીપત’ અને ‘નામ તારું રુદ્રાક્ષ પર’ નું એકસાથે વિમોચન થયું. આપણા સર્વ તરફથી એમને હાર્દિક શુભેચ્છાઓ..!! મુંબઇ – ગુજરાતમાં એમની ‘કાવ્યયાત્રા’ વિશે વધુ માહિતી આ રહી.

Ashraf_Dabawala_MadhumatiMehta

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?

અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?

ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?

મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?

અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?

-અશરફ ડબાવાલા

રામભરોસે – મધુમતી મહેતા

(ઊંડી ખીણો ઊંચા ડુંગર… Yosemite Valley, April 09)

* * * * *

ગઝલ પઠન : મધુમતી મહેતા

.

સ્વર – સંગીત : જનાર્દન રાવલ

.

ઊંડી ખીણો ઊંચા ડુંગર, ચડવાનું છે રામભરોસે
જીવ્યા જેવું જીવતર છે ને મરવાનું છે રામભરોસે.

ક્યાં હોડી ને ક્યાં હલ્લેસાં, ક્યાં છે શઢ ને ક્યાં બેલીડા
પથ્થર જેવી જાત લઇને તરવાનું છે રામભરોસે.

જંગલની લીલાશ બનું કે પંખીની ઉડ્ડાન ભલે
પાન બનું કે પીછું મારું ખરવાનું છે રામભરોસે.

કાણી કોડી ફાટલ જૂત્તા તરસી આંખો લાંબા રસ્તા
યાદોનો લૈ એક ખજાનો ફરવાનું છે રામભરોસે.

હું છું સપનું કે જોનારો, હું પ્યાદું કે હું રમનારો ?
તર્કવિતર્ક બધા છોડી દૈ રમવાનું છે રામભરોસે.

– મધુમતી મહેતા

ગઝલ – મઘુમતી મહેતા

સ્વપ્નો જગાડવાને કંઇ પણ બચ્યું નથી;
આંખો સજાવવાને કંઇ પણ બચ્યું નથી.

આજે છું બિંબમાં તો કાલે છું આયનો,
ઓળખ ટકાવવાને કંઇ પણ બચ્યું નથી.

છે આપણા સંબંધો પર્યાય મૌનનો,
ઘૂંઘટ હટાવવાને કંઇ પણ બચ્યું નથી.

ને હારની ક્ષણોમાં થીજી ગયા અમે,
એને વધાવવાને કંઇ પણ બચ્યું નથી.

ચારે તરફ ઉદાસી છે મોતની અને
શ્વાસો મનાવવાને કંઇ પણ બચ્યું નથી

છે ક્યારનાં હવામાં પગલાં શમી ગયાં,
દ્વારો ઉઘાડવાને કંઇ પણ બચ્યું નથી.

ને ઝેરનો કટોરો હું પી ગઇ પછી,
આતશ બુઝાવવાને કંઇ પણ બચ્યું નથી.