Category Archives: કિસન સોસા

રોયા હશે ઘનશ્યામ – કિસન સોસા

કિસન સોસાનું આ રાધા-કૃષ્ણ ગીત છેલ્લા ઘણા વખતથી શોધતી હતી.. શરૂઆતમાં તો કવિનું નામ પણ ખબર નો’તી..! પણ મને ખાત્રી હતી કે કોઇક દિવસ તો મળશે જ. આજે બીજું એક ગીતના શબ્દો શોધવા એક પુસ્તક ખોલ્યું અને આ ગીત મળી ગયું. આશા છે કે મને ગમી ગયેલું આ ગીત તમને પણ ગમશે.

સ્વર:હેમા દેસાઈ
સ્વરાંકન :આશિત દેસાઈ ,કિરણ સંપત

.

રાધાની છાતી પર ઝૂકીને કોક વાર રોયા હશે ઘનશ્યામ
હિમાળા ઢાળેથી ઢળ્યું હશે પછી શ્યામળી જમનાનું નામ.

રાધાના સ્કંધ પર ઢાળીને શીશ ક્હાન ટહુક્યા હશે એવું વેણ
ઓઢણીને દાંતમાં દાબીને રાધાને ઢાળી દીધા હશે નેણ

સૌરભના મધપુડા બંધાયા હશે પછી વૃંદાવને ફૂલફૂલમાં
કેસૂડાં પથપથ કોળ્યા હશે, હશે ગુલમોર ખીલ્યાં ગોકુળમાં

રાધાને કાંઠડે બેસીને ક્હાનજી એ પીધાં હશે મીઠા વાધૂ
લીલાછમ ઘૂંટડા ન્યાળીને મોર મોર બોલ્યા હશે સાધુ, સાધુ

ક્હાનજીની છાતીએ ઘોળાયુ હશે પછી રાધાનું કેસરિયું નામ
રાધાનાં રોમ રોમ ફૂટ્યાં હશે, હશે ઢોળાયું બ્રહ્માંડનું ગામ.

– કિસન સોસા

ધુમ્ર વિખરાયો ન તો ધૂણી કરી વરસો સુધી – કિસન સોસા

ધુમ્ર વિખરાયો ન તો ધૂણી કરી વરસો સુધી,
નામ એ જલતું રહ્યું બે અક્ષરી વરસો સુધી

ત્યાં પછી કયારેય ન ખીલ્યું એ ચહેરાનું કમળ,
એક ખાલી બારી મેં જોયા કરી વરસો સુધી.

ગોખલે નળિયે ફફડતાં ચોંકતાં પંખી સમા,
ઉમ્ર એ માહોલમં ઉડતી ફરી વરસો સુધી.

સૂર્ય સડકે રેબઝેબ રરઝળ્યા કર્યો તારો કવિ,
ને તને ન જાણ થઇ એની જરા વરસો સુધી.

કયાં અજંપો ઓલવાયો સ્હેજ ક્યાં પલળી તરસ,
કેટલી પ્યાલી ભરી ખાલી કરી ખાલી કરી વરસો સુધી.

ફૂલ પગલે તું ફરી આવી રહી આ શહેરમાં,
એવી અફવાઓ ઉગી ખીલી ખરી વરસો સુધી.

મેઘલી સાંજે હવે આજે અચાનક થઇ સજળ,
પથ્થરી આંખે ન ફૂટયું જ્ળ જરી વરસો સુધી.