Category Archives: અલ્પેશ ‘પાગલ’

ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી – અલ્પેશ ‘પાગલ’

લય્સ્તરો પર આ પહેલા પ્રસ્તુત થયેલી અલ્પેશભાઇની આ ગઝલ વાંચી ત્યારે જ આખે-આખી ગમી ગયેલી..! આજે એ ખજાનામાં ડૂબકી મારતા પાછી મળી – તો થયું તમારી સાથે વહેંચી જ લઉં..!

***

કૈં પણ નહીં બાકી રહે આગળ પછી,
તું શબ્દ સાથે મૌનને સાંભળ પછી.

તું ક્યાંક તો આ જાતને અજમાવ દોસ્ત,
આ જિંદગીને કહે સફળ નિષ્ફળ પછી.

ના, ના, દવા પ્હેલાં દુવાઓ માંગ મા,
પ્હેલાં પ્રયત્નો હોય છે, અંજળ પછી.

આ એક પળ બાકી હતી આવી ગઈ,
શું શું ન જાણે આવશે આ પળ પછી.

જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.

એક શક્યતામાંથી જ ઘટનાઓ બને,
થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી.

આ જિંદગીની રેસમાં આવ્યો છે તો,
‘પાગલ’ ન રે’વું પાલવે પાછળ પછી.

-અલ્પેશ ‘પાગલ’

લખી બતાવું – અલ્પેશ ‘પાગલ’

તું બોલ કઈ અનોખી ઘટના લખી બતાવું
આ શ્વાસ ચાલે એના પગલા લખી બતાવું ?

કોનાથી બચવું છે એ નક્કી પછી તું કરજે
ફૂલો લખી બતાવું કાંટા લખી બતાવું

પંખી નહીં લખુ હું આકાશ નૈ લખું હું
આ વ્રુક્ષની નસોમા ટહૂકા લખી બતાવું

આતમકથા લખું તો કોની કથા લખું હું
શું જીવને પડ્યા છે વાંધા લખી બતાવું

ખાનખરાબી અંગે બીજૂં તો શું કહું હું
જે આગ થૈ ગયા એ તણખા લખી બતાવું

આ સ્વપ્ન તો જૂના છે નૈ કામ કાઇ આપે
બે ચાર ઘાવ ક્યો તો તાજાં લખી બતાવું
– અલ્પેશ “પાગલ”

એવું બધું – અલ્પેશ પાઠક ‘પાગલ’

હું એટલે કે આંસુ, સપના, આશ, મ્રૂગજળ, પ્યાસ ને એવું બધું,
જિંદગાની ધારણા, અટકળ્ ઊછીના શ્વાસ ને એવું બધું,

ડરતો નથી હું તારી આવી વાતથી મેં આયનાને કહી દીધું ,
કાયમ બતાવ્યા શું કરે પોતાની મારી લાશ ને એવું બધું,

છે એક જાહેરાત અખબારમાં કે ફ્લેટ ના જંગલ મહી,
ખોવાઈ ગ્યું છે ઊડતું પંખી અને આકાશ ને એવું બધું,

આજે કે જ્યારે આંખને અંધારનઆદત પડી છે માંડ માંડ,
ત્યારે તું સામે લઈને આવે ચાંદની અજવાસ ને એવું બધું,

મ્હેંદી ભરેલા હાથ, થાપા કંકુના ડેલી ઊપર હું જોઊ ત્યાં,
આજે હજુયે યાદ આવે એક ચહેરો ખાસ ને એવું બધું,

શું ખબર કે કોણ કોને ક્યાં નડે છે – -અલ્પેશ પાગલ

કિસ્મતોની સાથ તું ખોટો લડે છે,
શું ખબર કે કોણ કોને ક્યાં નડે છે.

શું હશે જે આંસુ થઈને નિકળે છે,
સ્વપ્ન ઇચ્છા કે બીજું શું પીગળે છે.

સૌને એક જ વાત અહિયા સાંકળે છે,
કોઈ રગ સૌની અહી કાયમ કળે છે.

આંખ જુદી,દિલ જુદુ,વિચાર જુદા,
શુ ખબર કે ક્યાં હવે લશ્કર લડે છે.

તું ઉભો છો જિંદગીના સ્ટેજ ઊપર,
કર અભિનય જેવો તુજને આવડે છે.

આ નથી અભિમાન કૈ ફિતરત છે આ તો,
ક્યાં કદી પણ સિંદરીના વળ બળે છે ?

રોજનિશી સાચવું દર્પણમાં ‘પાગલ’,
મારી વાતો એ જ કાયમ સાંભળે છે.

-અલ્પેશ પાગલ.

બદલાવ દોસ્ત – અલ્પેશ ‘પાગલ’

birds 

બદલી શકાતું હોય તો બસ આટલું બદલાવ દોસ્ત
તું માપ દંડોનું પુરાણું કાટલું બદલાવ દોસ્ત

જો તો ખરા આકાશ આખુ આવકારે છે તને
પણ શર્ત છે કે પૂર્વગ્રહનું પાંજરું બદલાવ દોસ્ત

કાંટો બની અંદરથી કાંટો કાઢવો પડશે હવે
મક્કમ રહી તારૂ વલણ થોડુંઘણું બદલાવ દોસ્ત

તું હારવાની બીકથી બાજી અધુરી મુકમાં
જીતી શકાશે માત્ર તારી ચાલ તું બદલાવ દોસ્ત

‘પાગલ’ તને તાજી ખબર કેવી રીતે મળશે ભલા
અખબાર સામે છે હજી ગઈકાલનું બદલાવ દોસ્ત

– અલ્પેશ ‘પાગલ’