Category Archives: મનોજ્ઞા દેસાઇ

શૈશવ ગયું તે ગયું (સાત તાળી લીધી ને) -મનોજ્ઞા દેસાઈ

આજની આ પોસ્ટ સીધી લયસ્તરો પરથી… ઊર્મિની Expert Comment સાથે..! 🙂

******

સાત તાળી લીધી ને પછી ઊંચે જોયું ને ફરી જોયું તો બાળપણું ગુમ,
આખ્ખાય ઘરના હું ખૂણાઓ જોઈ વળી ફેંદી કાઢ્યા બધા રૂમ.

ઢીંગલીની આંખો મેં સાત વાર ખોલી ને પાંચીકા ખખડાવી લીધા,
જે જે જગ્યાએ હું સંતાતી ત્યાંય મેં સાદ જો ને કેટલાય દીધા !
ચૌદે ભાષામાં બોલાવી જોયું- વ્હેર આર યુ ? કહાં ગયે તુમ ?

આંધળિયો પાટો તો રમશે કદાચ ને આવશે કે કરી દઈશ થપ્પો,
રોકી પાડીશ એને ચીતરવા ઘર અને હોડી ને દડો ગોળગપ્પો;
હોળીમાં ફુગ્ગા ને દિવાળી આવતાં શું ફોડીશ લવિંગયા કે લૂમ.

સોનાની ચરકલડી ઊડી ગઈ દૂર ને ભમરડો ભમવાનું ભૂલ્યો,
મોટેથી સાદ મેં જે દીધો આકાશે તે વાદળના ઝૂલણામાં ઝૂલ્યો;
સોનપરી, નીલપરી આવી કહે ‘બાય’ એનું પડઘાતું રૂમઝૂમ રૂમઝૂમ.

-મનોજ્ઞા દેસાઈ (૨૫ મે, ૧૯૫૮ : ૧૩ જાન્યુઆરી, ૨૦૦૯)

કાયમ માટે પિયર છોડીને જતી કન્યાની નાજુક મનોદશા કવયિત્રીએ આ ગીતમાં ખૂબ જ સુંદર રીતે આલેખી છે. યૌવનનાં મબલખ કંકુવરણા શમણાંઓનો સાદ પણ છે પરંતુ છૂટતા બચપણનું ન છૂટતું વળગણ પણ છે. આગળ તો જવું છે, પરંતુ પાછળનું બધું છૂટી જવાનો રંજ પણ છે. પરણીને સાસરે જતી કન્યા જાણે ફરી એકવાર પોતાના બાળપણાને મન ભરીને માણી લેવા માંગે છે પરંતુ ત્યારે જ એને સમજાય છે કે યૌવનની આંગળી ઝાલતાની સાથે જ એનું બાળપણું તો ક્યાંક ગુમ થઈ ગયું છે… જે હવે એને એની ઢીંગલીની આંખોમાં કે પાંચીકામાં પણ નઈં મળે. સાસરે જનારી બધી કન્યાઓને અર્પણ કરવા જેવું ખૂબ જ મજાનું ગીત… 🙂
– ઊર્મિ (લયસ્તરો)

ગીત – મનોજ્ઞા દેસાઇ

 

પહેલેથી આંકેલો ચીલો ચીંધ્યો ને કહ્યું
જોઇ લે આ જ તારો રૂટ છે
પછી એને આંગળીથી અળગી કરીને કહ્યું
હવે તને ચાલવાની છૂટ છે

આમ તો મારગ છે સીધો પણ ઢાળ પર
મળી જાય ફૂલ કે પતંગિયા
તોય દોડવું નહિ ને ફૂલ તોડવું નહિ
ને વળી ખિલવાની વાતે નનૈયા

મોટેથી હસવાની અમથી છે ના
આમે એના ક્યાં કારણ લખલૂટ છે

આખું આકાશ એની આંખમાં સમાય
પણ પાંખોમાં પીંછા તો ચૂપ
ઊડવું હો દૂર તોય ટોળામાં રહીને
સાવ બીબામાં ઢાળેલા રૂપ

પીંછા તો ખેરવ્યાં પણ બહુબહુ તો પાલવથી
પહોંચ્યા જ્યાં પંજાબી સૂટ છે

દઇ દીધો દરિયો પણ તરવાની ના
અને રમવું પણ ફેંકવો ન પાસો
આવી વાતોમાં જોજે આંસુ તો દૂર
ક્યાંય સરે નહિ એકે નિસાસો

બાકી ભીતરમા મોજાં તો એવા ઉછળે
એનાં એકમ ના મીટર ના ફૂટ છે