Category Archives: કિરીટ ગોસ્વામી

ચીસને પણ દોસ્ત! તું ગાતો રહે – કિરીટ ગોસ્વામી

જીવ સાથે શિવ તણો નાતો રહે
પ્રેમનો વ્યવહાર ત્યાં થાતો રહે

આયખાનું વસ્ત્ર ફાટી જાય છો
એની ઉપર સંબંધની ભાતો રહે

આ હ્રદયના બાગમાં આઠે પ્રહર
લાગણીનો વાયરો વાતો રહે

આહ પણ પલટાઇ જાશે વાહમાં
ચીસને પણ દોસ્ત! તું ગાતો રહે

હું પીયાલી શબ્દની ભરતો રહું
રંગ રોજ એનો છલકાતો રહે

– કિરીટ ગોસ્વામી

ફકત દિલની સફાઈ માંગે છે – કિરીટ ગોસ્વામી

આજે સાંભળીએ ઓસ્માન મીરના જાદુભર્યા અવાજમાં આ ગઝલ… બે અલગ-અલગ રેકોર્ડિંગ.. અને બંને એટલાજ મઝાના… પહેલું રેકોર્ડિંગ ઓડિયો – ૨૦૦૮ના કાવ્ય-સંગીત સમારોહની રજૂઆત..!! એક ગુજરાતી ગઝલના મત્લાથી શરૂ કરીને આ કલાકાર રાજસ્થાનની ભૂમિમાં આપણને જે રીતે લઇ જાય છે – એ ખરેખર એક મઝાની સફર છે..!

સ્વર – સ્વરાંકન : ઓસ્માન મીર

.

અને સાથે માણો આ બીજું એક રેકોર્ડિંગ – બીજા થોડા શેર સાથે..!

ફકત દિલની સફાઈ માંગે છે
પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે.

આંખને ઓળખાણ છે કાફી
લાગણી ક્યાં ખરાઈ માંગે છે.

જોઈએ સુખ બધાંને પોતીકાં
કોણ પીડા પરાઈ માંગે છે.

એક ઝાંખી જ એમની ઝંખે
દિલ બીજું ન કાંઈ માંગે છે.

– કિરીટ ગોસ્વામી

ગઝલ – કિરીટ ગોસ્વામી

મન, તને ક્યાં જાણ છે?
ખોખલા ખેંચાણ છે

લોક પરમેશ્વર ગણે,
હું કહું છું ઃ પ્હાણ છે.

છીછરાં તું ના સમજ, 
આંસુમાં ઊંડાણ છે.

ઠેસ તો વાગી મને;
કો’ક લોહીઝાણ છે.

તું ખસી ગઇ એકાએક;
ચિત્ર મુજ નિષ્પ્રાણ છે.

ત્યારે અનાયાસ તું યાદ આવે – કિરીટ ગોસ્વામી

280831634_e65cae1913_m.jpg

ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે,
અને આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક;
ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

ફરી જીવને ઝંખનાઓ રૂપાળી-રૂપાળી કરી દે પ્રભાવિત,
ફરી કોઇ ઇચ્છા પ્રબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

લડ્યા હું કરું એકલે હાથ સંસારનાં સર્વ તોફાનો સામે,
ઊઠ્યું ભીતરે એક વમળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

પઠન જિંદગીની ગઝલનું કદી થાય એકાંતમાં કે સભામાં,
અસલ દાદ દેવાની પળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.