Category Archives: નાદબ્રહ્મવૃંદ

વરસાદ ભીંજવે – રમેશ પારેખ

આમ તો આ ગીત જ્યારે દેશમાં ચોમાસાની શરૂઆત થઇ, ત્યારે મુક્યું હતું… ( તમે સાંભળવાના રહી નથી ગયા ને ?? ) પણ આજે અહીં એ ગીત ફરીથી લાવી છું, એ પણ કવિશ્રી રમેશ પારેખના અવાજ સાથે..!! અરે દિવાળીના દિવસોમાં યે ભીંજાઇ જવાય એવું ગીત છે, એટલે સમજો ને કે નવાવર્ષનો દિવસ વધુ સ્પેશિયલ થઇ જ ગયો…!!

સ્વર : રમેશ પારેખ

————————————————

Posted on July 4th, 2007

ગુજરાત મુંબઇમાં અને અહીં અમેરિકાના East Coastમાં ચોમાસુ બરાબર જામ્યું છે… તો હવે ટહુકો ખોલો ત્યારે પણ છત્રી લઇને જ બેસજો, હોં ને.. 🙂 એક એક કરીને એવા સરસ સરસ વરસાદી ગીતો આવે છે ટહુકો પર કે ભીંજાયે જ છુટકો… ( પણ સાથે સાથે ભગવાનને પ્રાથના પણ કરતા રહેજો હોં, કે કંઇક વ્યાજબી રાખે…. આખા વર્ષનો વરસાદ 2 દિવસમાં નથી જોઇતો.. બરાબર ને… !! )

સંગીત : ક્ષેમુ દિવેટીઆ

સ્વર : નાદબ્રહ્મવૃંદ

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.