Category Archives: કવિ દાદ

ઘડવૈયા મારે ઠાકોરજી – કવિ ‘દાદ’

કવિ દાદનું ઘણું જ જાણીતું ગીત.. આમ તો ઘણા વખતથી વિચારતી હતી એને ટહુકો પર મુકવાનું, પણ મારે પૂરેપૂરું ગીતના શબ્દો જોઇતા હતા આ ગીત મુકવા પહેલા. થોડા દિવસો પહેલા એક ટહુકો-મિત્રએ એક પુસ્તક મોકલ્યું, જેમાં ગીતના શબ્દો મળી ગયા. આભાર પૂર્વિ.. 🙂

સ્વર : પ્રાણલાલ વ્યાસ

.

મારે ઠાકોરજી નથી થાવું !
ટોચોમાં ટાંચણું લઇ, ભાઇ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું,

ધડ ધીંગાણે જેનાં માથાં મસાણે એના પાળિયા થઇને પૂજાવું… રે ઘડવૈયા..

હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું.
બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એનાં; કુમળા હાથે ખોડાવું… રે ઘડવૈયા..

પીળા પીતાંબર કે જરકશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું.
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું… રે ઘડવૈયા..

ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું… રે ઘડવૈયા..

બીડ્યા મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથમાં મારે ખાંભીયું થઇને ખોડાવું… રે ઘડવૈયા..

કપટી જગતના કૂડાકૂડા રાગથી ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શૂરો પૂરો સરજાવું… રે ઘડવૈયા..

મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે ચિતારા નથી ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંડ્યા રુદામાં એને ‘દાદ’ ઝાશું રંગાવું… રે ઘડવૈયા..

– કવિ ‘દાદ’

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો …. – કવિ દાદ

કવિ દાદનું કન્યાવિદાયનું આ ગીત. તમે દિકરી હો, કે દિકરીના પપ્પા હો, અને આ ગીત સાંભળીને તમારી આંખો ન ભીંજાય, તો જ નવાઇ.. !!

સ્વર અને સંગીત : ઇસ્માઈલ વાલેરા

Red_mandap3

.

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો