મીઠી માથે ભાત – વિઠ્ઠલરાય આવસત્થી

 આજની આ પોસ્ટ સીધી જ – અક્ષરસહ: સિધ્ધાર્થભાઇના બ્લોગ પરથી લીધી છે..  પણ ધવલભાઇની ફરમાઇશ આવી અને ગુગલમાં શોધતા આ ગીત મળ્યું, પછી એને તમારા સુધી પહોંચાડવામાં વાર કરું એ ચાલે ? 

આગળની વાત સિધ્ધાર્થભાઇના જ શબ્દોમાં :

—————————————–

આ કાવ્ય અંગ્રેજ કવિ વડ્ઝવર્થના ‘લ્યુસી ગ્રે’ નામના અંગ્રેજી કાવ્ય પરથી લખાયુ છે. બરફનું તોફાન આવવાનું હતું એટલે શહેરમાં ગયેલી માતા માટે ફાનસ લઈને નીકળેલી લ્યુસી બરફનાં તોફાનમાં સપડાઈને મૃત્યુ પામી. આ કાવ્યમાં મીઠી પિતા માટે ભાત લઈને ખેતરે જવા નીકળે છે ને વાઘ એને મારી નાખે છે તેમ બતાવ્યુ છે.

કરૂણરસથી સભર આ કાવ્ય ખરેખર બે ઘડી તમને વિશાદની ગર્તામાં લઈ જશે.

મૂળ અંગ્રેજી કાવ્ય વાચવા માટે અહી કલીક કરો.
——————————————–

(દોહરો)

ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ,

સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ. 

નવાણ છે નવ કોસનું, ફરતાં જંગી ઝાડ,
રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.

પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,
મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.

શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,
વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.

કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,
રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.

ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,
બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યા તૈયાર.

સોંપ્યુ સાથી સર્વને બાકી બીજું કામ,
સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.

પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,
રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.

(ભુજંગી)

કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું,
કીકો લાવ મારી કને, જા તું બાપુ.’

હજી ઘેર આતા નથી તુજ આવ્યા,
ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.”

ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,
દીઠા છે કદી તેં ઊગ્યા મોલ કેવા ?

મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,
દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.’

કહી એમ માથે લઈ ભાત ચાલી.
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.

(દોહરો)

વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,
ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.

ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,
સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.

હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,
એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત.

બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ
થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.

ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ,
મીઠી બાળા મોતના પંજામાસપડાઈ.

વાઘ ઉપાડી ક્યાં ગયો ? કુદરતમાં કકળાટ !
વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂ ની બની સૌ વાટ !

સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,
રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.

પહોચી ઘર પાંચો કરે ‘મીઠી ! મીઠી !’ સાદ :
‘મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ.’

પટલાણી આવી કહે : ‘મેલી છે મેં ભાત,
મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ?’

મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,
કહાં ગોત કરવી હવે ? ગઈ હશે પગવાટ !

બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,
ગયાં તુર્ત તે ગો તવા કરતાં કંઈ સંતાપ.

નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કુ મુખ,
ઝાંખા સર્વે ઝા ડવાં, દારુણ જાણ એ દુ:ખ.

‘મીઠી ! મીઠી !’ પાડતાં બૂમ ઘણી માબાપ,
જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ.

પળતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,
તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.

ખાલી આ કોણે કરી ? હશે સીમના શ્વાન ?
મીઠી કાં મેલી ગઈ ? – બોલે નહિ કંઈ રાન.

વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,
મીઠી કેરી ઓઢણી -પોકેપોકે રોય.

‘હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું – ઝમે રુધિર !’
ઉત્તર એનો ના મળે : બધુંય વિશ્વ બધિર !

નિરાશ પાછા એ વળ્યાં કરતાં અતિ કકળાટ,
‘મીઠી ! મીઠી !’ નામથી રડતાં આખી વાટ.

વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત,
તો પણ દેખા દે કદી મીઠી માથે ભાત

63 replies on “મીઠી માથે ભાત – વિઠ્ઠલરાય આવસત્થી”

  1. This. Is the poem which has deep impact on reader if anybody has came across this in past
    Truly heart touching
    Regards shri Yashwant raiji

  2. This brought my old memories of childhood and village life with no western lifestyle. Thanks for uploading.

  3. The best thing i learned today was IT WAS NOT SATYA GHATNA (AS I HAD MISCONCIEVED SINCE CHILDHOOD), it is adeptation/inspired from Lucy Grey thx sharing, but will have to go through original as well.

  4. After a very long time get the chance to read this beautiful poem…In school days this poem was in our textbook..Very touchy..

  5. વિદ્યાપીઠ વાંચનમાળા પાંચમી ચોપડીમાં આ કવિતા અમારા વર્ગમાં ભણાવતા ગુજરાતીના બહેન પોતે રડી પડ્યા. આમ તો કોએજયુકેશન સ્કૂલ પણ છોકરીઓનો વર્ગ જુદો. બહેનની સાથે બધી પચાસેપચાસ છોકરીઓ પણ રડતી હતી. આજે પણ એ દ્રશ્ય નજર સામે આવે છે.. દાયકાઓથી હું આ કવિતા શોધતી હતી. આજે મળી. આભાર.

  6. આ કાવ્ય એ તો મને મારા નાનપન નિ યાદઆપાવેી દિધિ. ઃ)

  7. બહુ સરસ કાવ્ય “મીઠી માથે ભાત ” આજે પન ભણતર ના દિવસો ની તાજી કરાવી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *