ગઝલને પૂરી પિછાણી નથી – રઈશ મનીઆર

નથી એ વાત કે મેં શક્યતાઓ નાણી નથી
વ્યથાઓ એવી ઘણી છે કે જેને વાણી નથી

નથી થયો હજુ અહેસાસ એવાં દુઃખ છે ઘણાં
ઘણી ખુશીઓ મળી છે, છતાંય માણી નથી

ક્ષણોને ઊજવી લેવાય એ જરૂરી છે
ક્ષણોથી ભિન્ન બીજી કોઈ ઉજાણી નથી

દિવસ તો આવ્યો છે સંગ્રામ થઈ ફરી એકવાર
ને રાબેતા મુજબ તલવાર મેંય તાણી નથી

એ એકએક કરી આવરણ હટાવે છે
હજુ સુધી મેં ગઝલને પૂરી પિછાણી નથી

– રઈશ મનીઆર

14 replies on “ગઝલને પૂરી પિછાણી નથી – રઈશ મનીઆર”

  1. “નથી થયો હજુ અહેસાસ એવાં દુઃખ છે ઘણાં
    ઘણી ખુશીઓ મળી છે, છતાંય માણી નથી.”

    ન આવેલા દુઃખો નો વિચાર કરી માનવી આજની ખુશી માણી શકતો નથી.
    આખી ગઝલ બહુ સરસ છે.

  2. દિવસ તો આવ્યો છે સંગ્રામ થઈ ફરી એકવાર
    ને રાબેતા મુજબ તલવાર મેંય તાણી નથી
    જયશ્રીબેન,અમારા શહેરના આ શાયરની આ ગઝલ હાલની આ પરિસ્થિતીમા કેટલી
    બંધ બેસે છે.
    ટહુકોમાં ગઝલની મૌસમની મઝાછે.
    આભાર.
    બંસીલાલ ધૃવ.

  3. “નથી થયો હજુ અહેસાસ એવાં દુઃખ છે ઘણાં
    ઘણી ખુશીઓ મળી છે, છતાંય માણી નથી.”

    ન આવેલા દુઃખો નો વિચાર કરી માનવી આજની ખુશી માણી શકતો નથી.
    આખી ગઝલ બહુ સરસ છે.

  4. સંતર્પક ગઝલ… બધા શેર ગમી જાય એવા અને અર્થસભર..

    ક્ષણોથી ભિન્ન બીજી કોઈ ઉજાણી નથી

    અહીં ‘કોઈ પણ ઉજાણી નથી’ – આમ ન હોવું ઘટે ?

  5. એ એકએક કરી આવરણ હટાવે છે…
    જેવુ ગઝલનુ તેવુ રઈસ ભાઈનુ. એમની એક એક રચનાઓ પછી પણ
    હજી સુધી તળ ક્યાય જણાયુ નથી.ગઝલ હોય કે હાસ્ય રચના હોય કે બાળકોની સમસ્યા રજુ કરતા
    કાવ્ય હોય. સરસ વિચાર.સરસ રજુઆત.

  6. ક્ષણોને ઊજવી લેવાય એ જરૂરી છે
    ક્ષણોથી ભિન્ન બીજી કોઈ ઉજાણી નથી

    બહુજ સુંદર સંદેશ….

  7. સુંદર..ક્ષણોને ઊજવી લેવાય એ જરૂરી છે
    ક્ષણોથી ભિન્ન બીજી કોઈ ઉજાણી નથી..
    વક્તના પડદા પર કંડારાઈ એક છબી ને પડે બીજા પડછાયા ઘડી બે-ઘડી…

  8. ક્ષણોને ઊજવી લેવાય એ જરૂરી છે
    ક્ષણોથી ભિન્ન બીજી કોઈ ઉજાણી નથી
    બહુ સુન્દર્…પુરે પુરિ ગઝલ જ મજઅનેી…ને તોય કવિ કહે કે” હજુ સુધી મેં ગઝલને પૂરી પિછાણી નથી”!!!!

  9. દુઃખ આવ્યા છે અપાર્,
    દુઃખના રોદણા રોયા નથી,
    ખુશીઓ ખૂશી ખૂશી મળી,
    વધાવી,મન ભરી માણી,
    સુરજની લાલીમા ગઝલ બનીને આવી,
    હજીમેં ગઝલને પૂરી પિછાણી નથી.

  10. જાણે મન માં ઘમર-ઘમર વલોણું વલોવાયું, ને તેના માખણ રુપે આ ગઝલ ઊભરી આવી હોય તેવુ જણાયું!
    સૌથી વધારે ગમી ગયેલી કડી;
    “વ્યથાઓ એવી ઘણી છે કે જેને વાણી નથી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *